ઈલાજ

રમ પમ ધોધ, ઘાણીખૂંટ, ભરુચ, ૨૦૨૧

(હરિગીત)

ભેગાં થયાં બે જણ અને ‘હું’-‘તું’નો સરવાળો થયો,
નોખા જતા બે માર્ગ જોડાઈ ગયા અન્યોન્યમાં;
તન છે અલગ પણ એક મન, ને એક સુખદુઃખ પણ થયાં,
જોડી બની એવી કે રાજી ખુદ ઉપરવાળો થયો.

સૂરજ અલગ ગ્રહમંડળોના નિજ ભ્રમણકક્ષા ત્યજી
નીકળી પડ્યા આકાશમાં સહિયારો પથ કંડારવા;
આભા નિહાળી યુતિની સંસાર કરતો વાહવા,
બાકી હતું પણ ભાગ્યમાં તો સાંજનું પડવું હજી.

થઈ સાંજ એના હોય સૌનાં, એ જ સૌ કારણ હતાં,
ના જીવે, ના દે જીવવા, એવાં પછી સગપણ થયાં!
ઈલાજ જાણે તોય લાઈલાજ બંને જણ થયાં,
સંગાથ કે વિચ્છેદના વિચાર પણ ભારણ હતા.

સાથે જ રહેવાનું હો તો બંને વિચારે કેમ ના-
માથાં જ કૂટ્યાં કરવા કરતાં શાને કરીએ પ્રેમ ના?

– વિવેક મનહર ટેલર
(૦૫-૧૦-૨૦૨૧)

11 thoughts on “ઈલાજ

  1. બહુ જ સરસ કાવ્ય, આજ કાલ હવે સોનેટ ક્યાં લખાય છે, આશા રાખીએ કે આવનારા સમયમાં યુવા કવિયોની કલમે સોનેટ મળશે!, હરિગીતમાં લખાયેલું સોનેટ ગમ્યું!

  2. વાહ વાહ અદભુત છે

    કવિ મેઘબિંદુની રચનાનું સ્મરણ થયું

    જનમોજનમની આપણી સગાઇ
    હવે શોધે છે સમજણની કેડી
    આપણા અબોલાંથી ઝૂર્યા કરે છે
    હવે આપણે સજાવેલી મેડી

  3. બધા જ સાથે relate કરતી મજાની કૃતિ,
    વાંચતી વખતે પોતાની જીવનની કહાની હોય એવો અનુભવ થયા વગર નથી રહેતો…
    ખૂબ સુંદર

  4. સાથે જ રહેવાનું હો તો બંને વિચારે કેમ ના-
    માથાં જ કૂટ્યાં કરવા કરતાં શાને કરીએ પ્રેમ ના? 👌🏻 સરલતા અઘરી ? કેમ ?

    – વિવેક મનહર ટેલર –

  5. છેવટે પ્રશ્ન તો ઊભો જ રહ્યો કવિના મનમાં: કેમ ના વિચારે?
    👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *