એકબીજાને મળવામાં…

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે…

આટઆટલા વરસોથી આપણે સાથે ને સાથે.
તારા ઉગાડેલા છોડોને હું ખાતર-પાણી નાંખતો રહ્યો,
મારાં છોડ તું સાચવતી રહી.
છોડ સાચવવામાં ને સાચવવામાં
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં…
તને ક્યાંય કાંકરા-કાંટા વાગી ન જાય એનું ધ્યાન હું રાખતો આવ્યો,
મારા માર્ગનો કચરો તું હટાવતી રહી.
એમને એમ આપણે ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં આવી ચડ્યા!
છોડ બધાં ઝાડ થઈ ગયાં.
હવે આજે અચાનક પગ થાક્યા
ને આંટણ દૂઝવા માંડ્યાં ત્યારે સમજાય છે
કે
એકમેકની નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં
આપણે એટલા વ્યસ્ત રહી ગયા
કે
એકમેકને મળવાનું તો રહી જ ગયું.
તારા માટે આ કરી નાખું, તારા માટે પેલું કરી નાખું
તારા માટે જાન હાજર છે એમ કહેવામાં ને કહેવામાં
હું તને
ને
તું મને
જોઈ જ ના શક્યા.
બે ઘડી આપણે આપણી સાથે બેસી ન શક્યા.
ખયાલોને સાચવવામાં ને સાચવવામાં
વ્યક્તિ જ ચૂકાઈ ગઈ આખી.
એકબીજાને મળવામાં આપણે બહુ સમય કાઢી નાખ્યો…

– વિવેક મનહર ટેલર
(૨૦-૦૯-૨૦૨૧)

14 thoughts on “એકબીજાને મળવામાં…

  1. પરસ્પરથી નજીકના નજીક અને દૂરના દૂર સરસ રજુઆત્………
    ડો.વિવેકભાઈને અભિનદન……

  2. વાહ..વાહ..વાહ..ખૂબ સરસ અભિવ્યક્તિ…..વ્યસ્ત જીવન માટે સચોટ અને વાસ્તવિક વાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *