તંતોતંત રાખે છે

ખબર તમામની જે તંતોતંત રાખે છે,
એ ખુદની વાતના વ્યંજન હલંત રાખે છે.

વિચાર જન્મની સાથે જ અંત રાખે છે,
ન મૂકો તંત તો સંભવ અનંત રાખે છે.

બધા જ શ્વાસ ભલે નાશવંત રાખે છે,
છતાંય જો તું, તને એ જીવંત રાખે છે.

નગર વિરાન છે ગરમીમાં, પણ આ ગરમાળો,
રૂઆબ તો જુઓ, કેવો જ્વલંત રાખે છે!

એ રોમરોમથી છલકે છે એના શી રીતે?
આ સાદગી જે ફકત સાધુસંત રાખે છે.

પલક ઝપકશે ને મોસમ ફરી જશે, જોજો,
સ્મરણનો જાદુ છે, ખિસ્સે વસંત રાખે છે.

તમે ગયાં એ છતાં ત્યાં જ રહી ગયાં છો હજી,
એ એક-એક સ્મરણ મૂર્તિમંત રાખે છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬/૦૫/૨૦૨૦)

વસંત, ઓસ્ટ્રેલિયા, ૨૦૧૯

16 thoughts on “તંતોતંત રાખે છે

  1. વાહ….ગરમાળો અને વસંત..ખૂબ સરસ ગઝલ

  2. એ રોમરોમથી છલકે છે એના શી રીતે?
    આ સાદગી જે ફકત સાધુસંત રાખે છે. Aahaa…sughandhi 🌸
    – વિવેક મનહર ટેલર
    (૦૩-૦૬/૦૫/૨૦૨૦)

  3. તમે ગયાં એ છતાં ત્યાં જ રહી ગયાં છો હજી
    વાહહહ લીલાં સૂકાં સમયનું ખૂબ સરસ વર્ણન

  4. સરસ ગઝલ
    … હલંત રાખે છે 👌
    કદાચ સાહિત્ય એકેડેમી ના કાર્યક્રમમાં તાજેતરમાં જ સાંભળી છે 👍💐

  5. વાહ
    સરસ ગઝલ
    એન્ડ કાફિયાની ચુસ્તતા કાબિલે તારીફ

  6. પહેલો અને ત્રેીજો શેર
    અહ્હ્હા …..
    બહુ જ ગમ્યા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *