ખુદની કેડી લે લો…

ઠાગાઠૈયા મૂકો રામજી, અલબત-શરબત ઠેલો*,
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

એની એ ગઝલો ને ગીતો, એનાં એ સૉનેટો,
એક પછી એક કેટલી પંગત? થાળ સદાનો એંઠો;
નિજના મીઠાં-મરચાં વિણ શું થાળ બને અલબેલો?
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

વ્યાસ, વાલ્મિકી, હૉમર બોલો કોણે કોને વાંચ્યા?
અવાજ સૌનો નોખો, નોખાં કાવ્યો, નોખી વ્યાખ્યા.
પછી જ પડશે ધારો, પહેલાં તો કોઈ થાયે પહેલો.
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

દુનિયાના દરિયેથી જડ્યાં, ફગાવ સઘળાં મોતી,
ડૂબકી દઈને ખુદની ભીતર, એક કંકર દે ગોતી;
કાલે એને ભજશે સૌ, છો આજ તને કહે ઘેલો.
અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૬-૨૦૨૦)

(*પુણ્યસ્મરણ: રાવજી પટેલ – ‘ઠાગા થૈયા ભલે કરે રામ! આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું’)

ખુદની કેડી… …ધ નેક, બ્રુની આઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ૨૦૧૯

19 thoughts on “ખુદની કેડી લે લો…

  1. સરસ
    કવિતાએ નિત્ય નૂતન રહેવું એ એની પ્રાથમિક અને પ્રમાણિક ફરજ છે.

  2. અદ્ભુત રચના! એક એક વિચાર પર અટકી જવાયું અને આગળ વધીને પણ ફરી ફરી વાંચવાનું મન કરે એવી રચના.. આ વાત તો થઈ ભૈતિક સ્તર પર. પણ સૂક્ષ્મ સ્તર સુધી વિચાર કરાવવાની ક્ષમતા ધરાવે છે. અસ્તિત્વને અંદર સુધી હલાવી દે એવી સબળ બની છે. ખૂબ ગમી.

  3. દુનિયાના દરિયેથી જડ્યાં, ફગાવ સઘળાં મોતી,
    ડૂબકી દઈને ખુદની ભીતર, એક કંકર દે ગોતી; .ખૂબ જ સુંદર વાત કહી સર

  4. પછી જ પડશે ધારો, પહેલાં તો કોઈ થાયે પહેલો.
    અવર માર્ગ છે સહેલો, મેલો; ખુદની કેડી લે લો… Mast

    દુનિયાના દરિયેથી જડ્યાં, ફગાવ સઘળાં મોતી,
    ડૂબકી દઈને ખુદની ભીતર, એક કંકર દે ગોતી; Aahaa…

  5. ખુદની કેડી કડારવાની વાત જ આત્મનિર્ભર બનવાનો માર્ગ છે, સરસ રચના,
    આભિનદન…….આભાર…

  6. લયસ્તરો પર રાવજીને વાંચ્યા અને અહીં તેમનું પૂણ્ય સ્મરણ.
    સરસ અંજલિ આપી છે. એમનો ભાવ જુદી રીતે કંડારી મૂક્યો છે. ગમ્યું.
    લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *