પાણી પાણી થઈ જશે

જીવન એક પરપોટો….

*

આ વખતે કંઈક નવું કરીએ… પ્રસ્તુત ગઝલમાં એક શેરમાં બે શ્લેષ અલંકાર વાપર્યા છે…  જોઈએ, વાચકમિત્રો એ પકડી શકે છે કે કેમ?

*

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.

જિંદગીમાં એક ક્ષણ, દોસ્ત! એવી આવશે,
સરખું લાગશે બધું – છે, હતા, નથી, હશે !

માર્ગ લઈ નવો તું જો ચાલ ચાલ રાખશે
ચાલ પડશે એ રીતે, જગ પછીતે ચાલશે

ના, કશું જ નહીં થશે, ના દિવસ થશે, ના રાત
જે ઘડીએ તું મને ‘આવજો’ કહી જશે…

‘તું નથી’ની ટ્રેન તું, ખાલી પ્લેટફૉર્મ હું:
શું ફરક પડે પછી, થોભે કે ન થોભશે?

શું કરું, ખબર નથી; ક્યાં જવું, ફિકર નથી,
શબ્દનું શરણ લીધું, રહીશું જેમ રાખશે.

-વિવેક મનહર ટેલર
(૧૯-૧૦-૨૦૧૭)

9 thoughts on “પાણી પાણી થઈ જશે

  1. ‘તું નથી’ની ટ્રેન તું, ખાલી પ્લેટફૉર્મ હું:
    શું ફરક પડે પછી, થોભે કે ન થોભશે?
    – વિવેક મનહર ટેલર – ક્યા બાત…

  2. Waah khub saras gazal
    જિંદગીમાં એક ક્ષણ, દોસ્ત! એવી આવશે,
    સરખું લાગશે બધું – છે, હતા, નથી, હશે !
    Waah khub sundar sher

  3. માર્ગ લઈ નવો તું જો ચાલ ચાલ રાખશે
    ચાલ પડશે એ રીતે, જગ પછીતે ચાલશે

    શુ ચાલ ચાલી છે, ખૂબ જ સુંદર…..

  4. માર્ગ લઈ નવો તું જો ચાલ ચાલ રાખશે
    ચાલ પડશે એ રીતે, જગ પછીતે ચાલશે

    વાહ શ્લેષ અલંકારની ખૂબી! સરસ ગઝલ.

  5. હવા હવા પાણી પાણી થઈ જશે ક્યાં બાત ખૂબ સુંદર ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *