ધસમસતું આવ્યું, જો! પૂર…

(આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૮-૧૦-૨૦૧૪)

*

ધસમસતું આવ્યું, જો! પૂર…
બારી ઊઘાડતાં જ સુગંધનું ત્સુનામી આવી ચડ્યું ભરપૂર-
બેઉ, રાતરાણી ને હું ચકચૂર!

પવનની પીઠ પર સુગંધ સવાર થઈ,
સુગંધ પર સંભારણાં હેતનાં;
આકંઠ બેહોશી એવી છવાઈ,
જાગી સદીઓથી સૂતેલી ચેતના,
વીતેલા દિવસોના અજવાળાં તાણી ગ્યાં અંધારાં ક્યાંય દૂરદૂર…
ધસમસતું આવ્યું, જો! પૂર…

આંખોથી ચાખી’તી, હોઠેથી સાંભળી’તી,
ઝાલી’તી મેં કે પછી શરમે?
રામ જાણે કયા કેલેન્ડરની વારતા પણ
લાગે જીવી હો કાલ-પરમે,
કિયા તે ભવની ઊઘડી ગઈ બારી તે એક થ્યાં પાછાં બે ઊર.
બેઉ જણ, રાણી ને હું ચકચૂર!

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૭)

સામાન્યરીતે રચના વિશે રચનાકાર કંઈ બોલે નહીં… એ કામ ભાવકનું… પણ કા રચના એક મિત્રને વંચાવી તો એણે કેટલાક પ્રશ્નો પૂછ્યા… જે જવાબ મેં આપ્યો એ અહીં મૂકવાની લાલચથી બચી ન શકાયું એટલે આ…

રાતના સમયે નાયક બારી ઊઘાડે છે એવામાં જ રાતરાણીનું સુગંધદળ બારીમાંથી ત્સુનામીના પૂરની જેમ ધસમસી આવે છે અને ઇંદ્રિયો તર કરી દે છે… જેમ સુગંધ પવનના સહારે આવી છે એમ જ સુગંધના સહારે અતીતના સંભારણાં પણ આવી ચડે છે. સુગંધની તીવ્રતાથી નાયક જાણે કે મદહોશ–લગભગ બેહોશ થઈ ગયો છે અને આ બેહોશી એવી છે જે સદીઓની સૂતી ચેતના જાગૃત કરી દે છે. વીતેલા દિવસોની આ યાદના અજવાળામાં રાતના અંધારાં દૂર દૂર તણાઈ ગયાં…

સ્મરણ અને સુગંધની તીવ્રતાના કારણે ઇન્દ્રિયવ્યત્યય થાય છે. હોઠનું કામ આંખે કર્યું હતું ને કાનનું કામ હોઠે કર્યું’તું, નાયકે નાયિકાને ઝાલી હતી કે નાયિકા શરમના હાથે ઝલાઈ હતી એય સ્પષ્ટ નથી. કયા જમાનાની વાત હતી એ તો ભગવાન જાણે પણ એવું જ લાગે છે જાણે કાલ-પરમમાં જ એ સહવાસની ઘટના ઘટી ન હોય! એક બારી ખૂલી એમાં તો બેય જણ ચકચૂર થઈ ગયાં…

25 thoughts on “ધસમસતું આવ્યું, જો! પૂર…

  1. ​ખુબ સરસ ગીત….​
    બેઉ, રાતરાણી ને હું ચકચૂર! …..
    વાહ ગીત માણીને … મજા મજા

  2. વીતેલા દિવસોના અજવાળાં તાણી ગ્યાં અંધારાં ક્યાંય દૂરદૂર…
    ધસમસતું આવ્યું, જો! પૂર…
    Waah re Ajvala 👌🏻

  3. અદભૂત….
    સુગંધ દ્વારા સ્મૃતિ જાગે એ અનુભૂતિ જ વિરલ છે

  4. વાહ… સુંદર ગીત….
    બેહોશી છવાતા જાગેલી ચેતના અદભુત…..

  5. વીતેલા દિવસોના અજવાળાં તાણી ગ્યાં અંધારાં ક્યાંય દૂરદૂર…
    ધસમસતું આવ્યું, જો! પૂર…
    વાહ સુંદર સ્મૃતિ રાતરાણી ગીત..!!

  6. “બારી ઊઘાડતાં જ સુગંધનું ત્સુનામી આવી ચડ્યું ભરપૂર-”
    “પવનની પીઠ પર સુગંધ સવાર થઈ,
    સુગંધ પર સંભારણાં હેતનાં;”
    વાહ્.વાહ ..! વિવેક્ભાઈ,
    સ્મરણોની સુગંધ વર્ષાએ ભીંજવી દીધા!!

  7. વાહ…સરસ ગીત છે
    આંખોથી ચાખી’તી હોઠેથી સાંભળી’તી..

    ખુલ્લી આ આંખ અને પોઢી કિતાબ વાળી પંક્તિ યાદ આવી…પ્રણયની કોઈ ઘટનાનો ચિતાર સરસ અભિવ્યક્ત થયો છએ👍

  8. કાવ્યની સાથે સાથે આસ્વાદ પણ મજા આવી ગઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *