ડાળખી લાખ બટકણી છતાં…

૨૦૦૮ની સાલમાં લખેલી એક ગઝલ આજે મળી આવી… એ આપ સહુ સાથે વહેંચી રહ્યો છું… પ્રતિભાવ જરૂર આપજો…

*

ડાળખી લાખ બટકણી છતાં એ તોડે નહિ,
એ રહે સાથે ને સાથે જ છતાં જોડે નહિ.

આયનો એનામાં, મારામાં અને ચારેતરફ,
જાણે છે સૌ કે બધું ઊલટું છે પણ ફોડે નહિ.

ખાલી વમળો જ નહીં ઊઠે, એ ડહોળાશે પણ
શાંત પાણીને કહો એને કે ઝંઝોડે નહિ.

હું મળી જઈશ હજી બાજુ બચી માટીમાં,
આ સડેડાટ સીધો જાય છે એ રોડે નહિ.

કેવું ઘરફોડું છે આ મન કે જે લૂંટે છે મને !
એક ઘર ચોરની પેઠેય શું એ છોડે નહિ?!

હવાને સ્થાને તું જો શબ્દ થઈ આવી ચડે,
તો પછી ફેફસાં એ શ્વાસને તરછોડે નહિ.

જાત નીચવીને પ્રથમ ધોવું પડે છે આ લલાટ,
સામે ચાલીને કદી કંકુ ગઝલ ચોડે નહિ.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૦૮)

16 thoughts on “ડાળખી લાખ બટકણી છતાં…

  1. બધુ ઊલટું છે પણ ફોડે નહિ
    કંકુ ગઝલ ચોડે નહિ
    Wah wah

  2. વાહ..સુંદર અભિવ્યક્તિ
    ઘરફોડું અને કંકુ ગઝલ ઉત્તમ

  3. જાત નીચોવી પ્રથમ ધોવું પડે છે આ લલાટ
    સામે ચાલીને કદી કંકુ ગઝલ ચોડે નહીં.
    વાહ, બહુતખૂબ

  4. લક્ષ્મી ચાંદલો કરવા આવે- એ મુહાવરાનો સારો ફાયદો ઉઠાવ્યો

  5. ઘરફોડું મન .. વાળો શેર … બાત !!!
    વિવેકભાઈ … ચોથા શેર માં મને ટાઈપિંગ mistake લાગે છે …..
    .. હજી ( બાકી ) બાજુ બચી માટી …

  6. બહુ સરસ સરસ ગઝલ 👌
    છેલ્લા બે શેર થોડા સહેજ જરા ઉણા 👍

  7. “ હવાને સ્થાને તું જો શબ્દ થઈ આવી ચડે,
    તો પછી ફેફસાં એ શ્વાસને તરછોડે નહિ… “
    – વિવેક મનહર ટેલર kya baat…
    (૧૫-૦૩-૨૦૦૮)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *