કોનો હતો કસૂર?

તારો પ્રેમ અકબંધ ને મારો ચકનાચૂર?
તારો એ સંબંધ પણ મારો તે ફિતૂર?
આ તે કેવું શૂર?

તું કહે છે તારી પ્રીતની તોલે કોઈ ન આવે,
તું કહે એ ભલભલા ઇતિહાસને શરમાવે;
મેં તો કંઈ કર્યું જ નથી, હું પૂછું છું રંકભાવે-
આવી ઉત્કૃષ્ટ પ્રણયકથાનું કેમ ઊડી ગ્યું નૂર?
કોનો હતો કસૂર?

આપણ બંને એમ જ જીવ્યા જાણે કે મનમીત;
પણ શું આપણ એકમેકમાં ઊતર્યા કદી ખચીત્?
હવાય જો પોલાણ ન હો તો બને નહીં સંગીત,
અવકાશ જ નહોતો વચ્ચે કે શું રહ્યાં હરદમ દૂર?
ના જન્મ્યા કો’ સૂર…

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૮)

22 thoughts on “કોનો હતો કસૂર?

  1. અદભુત…પીડા ,સંવેદના ….અને પ્રેમથી લથબથ ફરિયાદ…!!!!
    વાહ દોસ્ત !!👌👌👌

  2. તારો પ્રેમ અકબંધ ને મારો ચકનાચૂર?
    તારો એ સંબંધ પણ મારો તે ફિતૂર ?
    Aahaa… mast 👌🏻

  3. હવા પણ પીલાણ વિના બને નહીં સંગીત…વાહ પ્રણયમાં સરસ મીઠી ફરિયાદ છે.

  4. હવા પણ પોલાણ વિના બને નહીં સંગીત…વાહ પ્રણયમાં સરસ મીઠી ફરિયાદ છે.

  5. હવા પોલાણ વગર બંને નહીં સંગીત.વાહ મઝા આવી ગઈ.

  6. પીડા પીડા શબ્દે શબ્દે… કોનો રે કસૂર !! વાહ ખૂબ સહજ ભાવો …સ્ંવેદના નીતરી શબ્દે શબ્દે..!!
    ફરી વાર વાંચી લીધી. મજા માણી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *