ના, હાંફી ગયો છું હું…


(ડેડી જાગી જાય એ પહેલાં પતાવી લે ને, ચાલ… …સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

*

તમે પણ આવું કહેશો, કૃષ્ણ? : ના, હાંફી ગયો છું હું?
ખરે એવો વિકટ છે પ્રશ્ન? ના, હાંફી ગયો છું હું.

અલગ હો પક્ષ બે તો, પાર્થ! થોડું કામ ઇઝી થાય,
બધા એક જ છે, છે કોઈ ભિન્ન? ના, હાંફી ગયો છું હું.

હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.

સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.

કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા ક્યાં લગ?
અરીસો બોલ્યો થઈને ખિન્ન: ના, હાંફી ગયો છું હું.

અરે ભારત! ચલ, આગળ વધ! જો, કેવું ભાગે ત્યાં ટોળું,
પથર ફેંકે સનનનન સન્ન! ના, હાંફી ગયો છું હું.

નથી કહેવાનું કહી-કહીને બધું જાણી ગયાં છે સૌ,
છતાં એ રાખવું પ્રચ્છન્ન? ના, હાંફી ગયો છું હું.

કવિતા! માફ કર, હું મૌન કોરું શબ્દથી કિંતુ
એ રહેવું જોઈએ અક્ષુણ્ણ? ના, હાંફી ગયો છું હું.

– વિવેક મનહર ટેલર
(૦૨/૦૬-૦૪-૨૦૧૮)


(એક અકેલા… …સાસણ ગીર, જાન્યુઆરી, ૨૦૧૯)

14 thoughts on “ના, હાંફી ગયો છું હું…

  1. હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
    તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.
    અદભુત શૅર…વાહ

  2. હા હાંફી ગયો છું હું

    સાચી વાત લાગે છે મને તો

  3. પ્રત્યેક શેર દમદાર.
    ખૂબ સુંદર ગઝલ

  4. કરીને પીઠ રાતી અન્યને ચમકાવવા ક્યાં લગ ?
    અરીસો બોલ્યો થઈને ખિન્ન , ના હાંફી ગયો છું હું.
    વાહ સરસ ગઝલ

  5. કવિતા! માફ કર, હું મૌન કોરું શબ્દથી કિંતુ
    એ રહેવું જોઈએ અક્ષુણ્ણ? ના, હાંફી ગયો છું હું….

    બહોત ખૂબ 👌….. સર

  6. આઝાદી છે તને ભલે બીજાને પ્રેમ કર,
    મારાથી પણ વધુ જો કોઈ ચાહનાર છે !
    Waah !

  7. તમે પણ આવું કહેશો, કૃષ્ણ? ના, હાંફી ગયો છું હું,
    ખરે એવો વિકટ છે પ્રશ્ન? ના, હાંફી ગયો છું હું.
    – વિવેક મનહર ટેલર –
    Pahele do sher me bahot kuch aa Gaya…

  8. vaahhhhhhhhhhhhhh.

    saav tunku jivva ,haanfi gayo chhu hun,
    Ne badhu sametva laagi gayo chhu hun.

    By siddiqbharuchi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *