(બેમાંથી એક થઈએ… …ભુજ આઉટસ્કર્ટ, ડિસે, ૨૦૧૭)
*
શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.
પહોંચ્યું છે મૌન જ્યારે આજે ચરમસીમા પર,
બેમાંથી એક થઈએ એ શક્યતા ઊગે છે.
સૂરજ ! તને છે સારું, ઊગવાનું એકસરખું
દિનરાત ચોતરફ અહીં વૈષમ્યતા ઊગે છે. *
દર્પણ તૂટ્યા પછીની ખાલી દીવાલમાંથી,
ખુદને મળી શકાશે એ સજ્જતા ઊગે છે.
સગપણમાં વચ્ચે વચ્ચે તકલીફ આવી ક્યાંથી?
રોપ્યું નથી જ મેં તો કંઈ પણ છતાં ઊગે છે!
કરમાઈ શીદ ગયા છો, ડેડ-એન્ડ જોઈ દૂરથી જ?
રસ્તામાં થઈને રસ્તો આગળ જતાં ઊગે છે.
– વિવેક મનહર ટેલર
(૦૨-૦૧-૨૦૧૮)
* વિષમતા અને વૈષમ્યની સરહદ પર રમતા-રમતા ‘વૈષમ્યતા’ શબ્દનો અહીં જે પ્રયોગ થઈ ગયો છે એ ભાષાકીય ભૂલ છે. નવો સુધારો ન કરું ત્યાં સુધી આ શેર રદ ગણવો. આ ભૂલ તરફ ધ્યાન દોરનાર મિત્રોનો સહૃદય આભાર…
(શક્યતા ઊગે છે…. …રિજેન્ટા રિસૉર્ટ, ભુજ, ડિસે, ૨૦૧૭)