જાણભેદુ

OLYMPUS DIGITAL CAMERA
(મહાભારત…                                    …કૈલાસ, ઈલોરા, ૦૬-૧૨-૨૦૧૧)

*

લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.

જાણકારી હોય તો એવું નથી કે શોધવી પડતી નથી સંજીવની પણ
યોજનાઓ જ્યાં ઊંધી થઈ જઈ શકે એ છાવણી કેવી તો કે’ કે જાણભેદુ.

યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ.

– વિવેક મનહર ટેલર
(૦૫/૧૧-૦૮-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(નીકળ્યા બાંયો ચઢાવી….             …પેઇંટેડ સ્ટોર્ક્સ, ખીજડિયા, ૦૪-૦૨-૨૦૧૨)

11 thoughts on “જાણભેદુ

  1. યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
    ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

    કહેવું પડે ! યુગોથી કહેવાતી આવેલી વાતને આમ એક પંક્તિમાં કહી દેવી …

  2. મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
    ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

    આ જાણકાર અજાણ્યો ને અજાણ્યો છે કે અજાણ્યો રહેવા માંગે છે…. ખૂબ સરસ – ભીતર ઘટતી ઘટનાઓની વાત અહીં શ્રેષ્ઠ પંક્તિ તરીકે પસંદ આવી.

  3. પ્રિય વિવેકભાઈ,જય શ્રેી ક્રિશ્ન.”જાન ભેદુ” ઉત્તમ.તમે તો સર્વ એક જ “શબ્દ”મા કહ્યુ! વાહ!

  4. સુન્દર ગઝલ્ના કાફિઆ અને રદીફ બન્ને બહુજ સરસ નિભાવ્યા છે. વાહ્..

    ..લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
    આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.

  5. કાફિયા અને રદીફની આવી સુંદર ગૂંથણી ગઝલના જાણભેદુ જ કરી શકે!
    અભિનંદન!!
    સુધીર પટેલ.

  6. ગઝલના જાણભેદુની સર્વાંગ સુંદર ગઝલ

    યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
    ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

    મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
    ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.
    આ શેર વધુ ગમ્યા
    રાવણની હારમા જાણભેદુ વિભિષણ વધુ જવાબદાર છે !
    યાદકિરણની પંક્તીઓ
    અહીં પાણી પોતે થયા વ્હાણભેદુ,
    હશે એની સાથે કોઇ જાણભેદુ.
    પછી સુખ તો શું… સુખના વાવડ ન આવે,
    કે બેઠા હો જયાં કૈંક એંધાણભેદુ.
    તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
    કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

  7. છંદપિપાસુઓ માટે ગાલગાગાના અસામાન્ય દીર્ઘ આવર્તનોની મઝા.

    “આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ”.- બોલચાલની લઢણમાં પુનરુક્તિનો લયઉછાળ પણ રોમાંચક છે.

  8. તમે ખુબ ઉમદા શબદો નો ઉપયોગ કરિ ગઝલો લખો છો…જાણે
    કે નજર સામે નો બનાવ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *