(ભરબપોરે અંધારું… …અજંટા, ૨૭-૧૦-૨૦૧૧)
*
સૂર્ય પાછળ બિલ્લીપગલે ચાલતો અંધારપટ,
પોત અસલી તક મળ્યે દેખાડતો અંધારપટ.
જ્યાં જવામાં સૂર્યનો ખુદનો પનો ટૂંકો પડે,
ભરબપોરે એ બધે પણ વ્યાપતો અંધારપટ.
ભેદ તારામાં ને મારામાં રહે ના લેશ પણ,
એટલો ગાઢો થયો છે આજ તો અંધારપટ.
એ ઉઘાડીને થવાનું હોય એકાકાર, બસ !
હોય છે ઘૂંઘટનો પટ પણ આમ તો અંધારપટ.
વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
હું કરું જે કંઈ એ હું પોતેય જોઈ ના શકું,
એટલો હોતો નથી મનફાવતો અંધારપટ.
હાથવેંત જ હોય એ પણ હાથમાં આવે નહીં,
ક્ષણનો પાલવ યુગ સુધી વિસ્તારતો અંધારપટ.
રૂબરૂ થઈએ તો ભારી થઈ પડે આ ભોંય, પણ
બેય આંખોની શરમ અજવાળતો અંધારપટ.
મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.
આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.
– વિવેક મનહર ટેલર
(૦૭-૧૦-૨૦૧૧)
*