(રાજાપાઠ… …કીંગફીશર, નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(White Breasted Kingfisher ~ Halycon smyrmensis)
*
હતી ક્યારે છતો, દીવાલ કે કો’ આવરણ ઘરનું ?
અમે તો નામ દઈ દીધું છે, જ્યાં થંભે ચરણ, ઘરનું.
યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું,
છતાં પણ થઈ નથી શક્તું પૂરૂં સ્પષ્ટીકરણ ઘરનું.
ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,
એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.
હું તારી સામે જોઉં ને મને પીંછા સમી હળવાશ
અગર લાગે તો સમજી જઈશ, છે આ અવતરણ ઘરનું.
ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,
કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.
રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,
અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું.
હવે ઘરમાં જ દૃશ્યો એવા દેખાતા રહે છે રોજ
કે થઈ ગ્યું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું.
કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,
મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?
જતી વેળાએ મેળવવાને તેં લંબાવ્યો જ્યારે હાથ,
હું અવઢવમાં રહ્યો ત્યાં થઈ ગયું હસ્તાંતરણ ઘરનું.*
બની રહે જો ગઝલ તોરણ તો સૂકાતી જશે પળ-પળ,
રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું.
-વિવેક મનહર ટેલર
ચંપાકરણ= ચંપામય
સંક્રમણ=ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ
મહાભિનિષ્ક્રમણ = રાજકુમાર સિદ્ધાર્થની કાયમી ગૃહત્યાગ અને સંસારત્યાગની મહાન ઘટના જેમાંથી ભગવાન બુદ્ધનો જન્મ થયો
* = આ શેર હવે પછીથી આ ગઝલનો ભાગ નથી… અર્થ-દોષ બદલ ક્ષમાયાચના !