ક્ષણના મહેલમાં

(ક્ષણોના મ્હેલમાંથી…       …રણથંભોર, 03/12/2006)

 

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું…
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ’તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

– વિવેક મનહર ટેલર

7 thoughts on “ક્ષણના મહેલમાં

  1. લાગી આવ્યું ઓસને, ઊડી ગયું…
    ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

    મઝાની વાત !

  2. પ્રિય મિત્ર વિવેક,

    કોઈ એક કે બે પંક્તિને અલગથી તારવીને તારીફ નથી થઈ શકતી અહીં. વારંવાર વાંચી. ખૂબ સરસ.

    મીના

  3. આટલા વર્ષેય સમજાયું નહીં,
    ભાળી શું ગઈ’તી તું આ રખડેલમાં ?

    આ વાંચીને તો ખડખડાટ હસી પડાયું… 🙂

    તેં નજર ધસમસતી માંડી મારા પર,
    શું તણાવાનું બચે આ રેલમાં ?

    બધા જ શેરો એકદમ સ-રસ છે.. પણ આ જરા વધુ ગમી ગયો !

  4. Aatla Varshey Samjayu Nahin…

    Quality of this Sher is much lower
    compared to others,which are of high
    quality…

    Sonani Thaalima Lodhani mekh!

  5. કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
    છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

    તેં નજર ધસમસતી માંડી મારા પર,
    શું તણાવાનું બચે આ રેલમાં ?

    Superb..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *