છૂટી શકું તો બસ

Sea-eagle
(તીખી નજર…            ….બ્રાહ્મણી કાઈટ, દેવબાગ, કર્ણાટક, નવે- ૨૦૦૮ )

એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૯-૨૦૦૮)

છંદ-વિધાન: ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

48 thoughts on “છૂટી શકું તો બસ

  1. ખુબ સુન્દર રચના… શબ્દો નુ ગુમ્ફન પણ સરસ છે. સારુ આત્મ મન્થન પણ ખરુ !!! અભિનન્દન્…

  2. બહુ સુન્દર રચના…

    હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

  3. ખુબ સરસ.

    “હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ”

    જે હું માંથી છૂટી ગયા તે ભવ તરી ગયા.

  4. ડૉ.શ્રી વિવેકભાઇ,
    ખૂબ જ સુંદર ગઝલ. દરેકે દરેકે લિટીઓમાં સારો મર્મ સમાયેલો છે. સાથે સાથે તીખી નજરનો ફોટો પણ મસ્ત છે.
    લી.પ્રફુલ ઠાર

  5. સુંદર્.તમે ગઝલમા વધુ જામો છો.
    શાંતીથી બેસી વાંચવાની અને સમજવાની ગઝલ્.

  6. વાહ કવિ!
    પણ મુશ્કેલી એ છે કે,છૂટી શકાય છે જ ક્યાં?
    તર્કના સમર્થન માટે પ્રતિકો સુંદર પ્રયોજાયા છે હો!
    -અભિનંદન મીત્ર.

  7. આફ્રીન !પ્રત્યેક પંક્તિ ભાવવાહી,ગંભીર, અર્થસભર લાગીચાર પંક્તિઓ
    ખુબ ગમી..
    હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

    મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
    એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

    ડો.મહેશભાઈ સાથે હું સહમત છું. છુટી જવાય તે પણ કદાચ ન જચે….

  8. વિવેકભાઈ,

    આપે “છૂટી શકું તો બસ” જેવા બંધનકારક રદીફ સાથે “અલ” જેવો બંધનકારક કાફિયાનો આધાર લઈને જે જમીન નક્કી કરી એ ઘણી તંગ છે. આવી જમીન પર આપે કરેલું કામ સરસ છે. આ શેર ખાસ ગમી ગયાં:

    એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !
    અડધી લખી ગઝલમાંથી છૂટી શકું તો બસ…

    મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
    એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ.

    ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

    ફક્ત “માંથી” ને લલ માપમાં લીધેલ છે એ જરા ખૂંચે છે.

  9. આટલી સરસ ગઝલને છંદના સકંજા{માંથી} આબાદ રીતે છોડાવી શક્યા છો. અભિનંદન મિત્ર.

    એક શેર મારા તરફથી,

    ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા

    ‘ગાગાલગા’ની બહાર નિરાકાર છંદ છું,
    આ છૂટ કેરા છલમાંથી છૂટી શકું તો બસ.

  10. સુંદર
    આ પંક્તીઓ ખૂબ ગમી
    હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
    યાદ આવી
    અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
    ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

  11. તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
    થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

    ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

    આખી ગઝલ સારી છે. આ બે શેર ખૂબ ગમ્યા. અગલ બગલ અને ક્ષણભર શબ્દો સુંદર રીતે વપરાયા છે. છંદદોષ અસહ્ય નથી, પણ છે તો ખરો જ. રદીફ કાફિયાની સુંદર જમીન ગોઠવાઇ ગઇ હોય ત્યારે આવડો નાનકડો છંદદોષ નિભાવી લેવાનું મન થાય એ સ્વાભાવિક છે.

  12. એક તારી ગડમથલમાંથી છૂટી શકું તો બસ !

    વાહ… ક્યા બાત હૈ !

    તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
    થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

    આખી ગઝલ સ-રસ છે… પણ આ શેર ખૂબ જ ગમ્યો…!

  13. સરસ અને અર્થસભર..
    ભગવાન ને પ્રાર્થના કરીએ કે,
    આ બધામાં થી છુટી શકાય તો સારુ,લાગશે કે સોનામાં સુગંધ ભળે..

  14. છૂટી શકું તો બસ….

    આ કોણ ક્યાંથી છૂટવાની વાત કરે છે?
    માનવ સતત છૂટવાની વાત કરતો રહ્યો છે અને એટલો જ બંધાતો રહ્યો છે, અને આ જ માનવ છે જે પોતાની જાત સાથે જ બંધાયેલો હોય છે બાકી તો દેખાવ માત્ર હોય છે જેની કદાચ એંણે નોંધ પણ લીધી નથી હોતી.
    આવા આ માનવના છૂટી શકવાના કહેવાતા ફાંફાને સરસ રીતે પ્રગટ કર્યા છે.

  15. જય શ્રીકૃષ્ણ ડો.વિવેકભાઈ

    સરસ ગઝલ્.

    ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

  16. હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.

    – સરસ

  17. મારા સમયના વક્ષમાં હરપલ જે ખૂંચે છે,
    એક જ એ આળી પલમાંથી છૂટી શકું તો બસ
    Very Good Meaning In This gazal About Detachment And Continius Coscience Surrender To My Higher Power. Thanks

  18. લાં…બી રાહ જોવડાવ્યા પછી ખૂબ સુંદર ગઝલ.
    કાફિયા, પ્રતિકોનો સુદર સમન્વય. તમારી ગઝલોમાં છંદ વૈવિધ્ય પણ બખૂબી દેખાય છે. અભિનંદન

  19. આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
    એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

    બહુજ સરસ ભાવ વ્યક્ત કર્યો છે

  20. hello sir… kem cho..? sir tamari rachanao aaje vanchi, khubaj gami mane… kharekhar khubaj saras che…

  21. હું ‘હું છું’ના અમલમાંથી છૂટી શકું તો બસ,
    જગની ભૂંડી નકલમાંથી છૂટી શકું તો બસ.
    – ખુબ સરસ અને અર્થસભર ગઝલ…
    અભીનંદન….

  22. બહુ સારી રીતે રદીફ-કાફિયાને નિભાવતી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  23. બરાબર આ બ્રાહ્મણી કાઈટના પન્જામાં ફસાયેલા શિકારીની મનોવ્યથા ,,,…….છૂટી શકું તો બસ!!!

  24. સુંદર ગઝલ, અભિનંદન,

    ડો.મહેશભાઈ અને ઇન્દ્રવદનભાઈ સાથે હું પણ સહમત છું. છુટી જવાય તે પણ કદાચ ન જચે.

  25. મને નીચેની પઁક્તિઓ ગમી.

    આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
    એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

  26. રદીફ અને કાફિયા ખૂબ ગમ્યા.
    ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.
    ખૂબ જ અર્થસભર ગઝલ થઈ છે.
    અભિનંદન !

    ગઈ ક્ષણમાંથી હર ક્ષણે છૂટી શકાય છે
    પણ વીતી વાતમાંથી ક્યાં છૂટી શકાય છે.

  27. તારા વિશેનો માર્ગ તો સીધો છે, જાણું છું;
    થોડો અગલબગલમાંથી છૂટી શકું તો બસ !

    સરસ શેર અભિનદન્…વાહ્.

  28. ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

    ગઈકાલના એટલે કે વીતેલા વખતના સંકલ્પ-વિકલ્પો આજના કર્મો બને છે અને એના સકંજામાંથી છૂટવાનું …. ઉંડા અર્થથી ભરેલ આ સુંદર શેર ખાસ ગમ્યો.

  29. આળી પળ પણ આપડે જ ઉભી કરેલી ને ? કેમ છુટી શકાય્ ?

    હા પસ્તવો વિપુલ ઝરણુ, સ્વર્ગથી ઉતર્યુ જે
    પાપી તેમા ડુબકી દૈ ને પુન્યશાળિ બને છે.

    બાકી તમે સામાન્ય માણસ ની ગડમથલ ખુબ સરસ રીતે લખી છે.

    “I” સાલો હંમેશા કેપિટલજ રહે છે.

    ને આજકાલ લોકો ને આડે માર્ગેજ ચાલવાની આદત પડી ગૈ છે !

  30. આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
    એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

    વાહ્!

    ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

    બહુત ખુબ્!!!

  31. પહેલા “છૂટકો છે!!” અને હવે “છૂટી શકુ તો બસ!!” ગઈકાલે આજનુ ગળું આખરે ટૂંપ્યુ જ…
    ………………………………………
    સુંદર શબ્દોમા ભાવ નિરુપતી એક વધુ ઉત્તમ ગઝલ..

  32. છૂટી શકવાની વાત સારી લાગે છે પણ એમ છૂટી શકાય છે ક્યા? અને એની જ મઝા-આનન્દ છે, એ જ જીવન છે, એક જ વાર કાયમને માટે છુટી જઈએ એ જ સાચુ છુટ્યા કહેવાય ખરુને????

  33. છૂટી શકું તો બસ !……

    રદ્દીફ વાંચીને જ હાશકારાની લાગણી થઈ આવે … !!

    આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?
    એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

    best one ……!!

    ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ. – nice gazal

  34. વિવેકભાઈ, રવિવારની શુભ પ્રભાત. સમગ્ર ગઝલ માણી.સાથે સાથે મિત્રોના પ્રતિભાવો થકી પણ ઘણું જાણવા મળ્યું. ધન્યવાદ.

  35. ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,
    ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *