‘કદાચ’ની ઝીણી પછેડીને…

(મને પાનખરની બીક ન બતાવો…          …સાપુતારા, ૨૦૧૮)

*

તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

તું ઠાંસી-ઠાંસીને ખાલીપો એવો દઈ ગયો છે કે,
હવે શ્વાસોય ભીતર સહેજ પણ પગરવ નથી કરતા,
અને તું ભીતરેથી સેલ પણ કાઢી ગયો કે શું?
હવે મારી ભીતર ઘડિયાળના કાંટા નથી ફરતા,

ને કરવાનુંય શું કાંટાઓને આગળ ધકેલીને?
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

કરે છે કોઈ કાનાફૂસી કે આપે છે કોઈ સાદ?
હવે સમજાય ક્યાં છે કે હું આઘે છું કે ઓરી છું?
હવે ભીતર કે બાહર ક્યાંય પણ મારો નથી વરસાદ,
વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,

રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

– વિવેક મનહર ટેલર

(ધુંઆ ધુંઆ સા હૈ શમા…         …સાપુતારા, ૨૦૧૮)

19 thoughts on “‘કદાચ’ની ઝીણી પછેડીને…

  1. વાહ… મઝા આવી…
    વૈશાલીનો એક ફોટો છે, એ ભીંતને અઢેલીને ઉભી છે એમાં, એ યાદ આવ્યો ઃ)

    અને આમાં સેલ વાંચીને થયુ કે આ સેલ ગીતમાં ક્યાંથી આવ્યુ? પણ એના માટેનો ગુજરાતી શબ્દ જડ્યો જ નઇ..

    અને તું ભીતરેથી સેલ પણ કાઢી ગયો કે શું?
    હવે મારી ભીતર ઘડિયાળના કાંટા નથી ફરતા,

    • સેલ શબ્દના બદલામાં શું મૂકી શકાય એ વિચારી-વિચારીને મારા પણ મગજનું દહીં થઈ ગયું… ચાવીવાળી ઘડિયાળ તો હવે ઇતિહાસ થઈ ગઈ છે…

      ‘કદાચ’ની જગ્યાએ ‘પરહેપ્સ’ મૂકવાનું પણ મનમાં આવ્યું હતું…

  2. ને કરવાનુંય શું કાંટાઓને આગળ ધકેલીને?
    હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને…
    Waah !

  3. પારાવાર.. વેદના.. સરસ જીલાઈ છે.. આ ગીતમાં
    શરૂઆત જ જોઈલો..

    તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
    હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

    *તે તો કહી દીધું.. કે કદાચ..! એ કદાચ માં દાયકાઓ નિકડે તોય.. પ્રેયસી હસ્તે મોથે સ્વીકારે એવું લાગી રહ્યું છે.. કેમ કે એની પાસે યાદની ભીંત છે.. અદ્ભુત.*

    તું ઠાંસી-ઠાંસીને ખાલીપો એવો દઈ ગયો છે કે,
    હવે શ્વાસોય ભીતર સહેજ પણ પગરવ નથી કરતા,
    અને તું ભીતરેથી સેલ પણ કાઢી ગયો કે શું?
    હવે મારી ભીતર ઘડિયાળના કાંટા નથી ફરતા,

    *આમાં તો એક જ ગીત યાદ આવે છે.. કે.. મેરા મુજમે કુછ નહીં.. સબ તેરા..*

    કરે છે કોઈ કાનાફૂસી કે આપે છે કોઈ સાદ?
    હવે સમજાય ક્યાં છે કે હું આઘે છું કે ઓરી છું?
    હવે ભીતર કે બાહર ક્યાંય પણ મારો નથી વરસાદ,
    વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,

    રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?
    હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

    એક એક પંક્તિઓ હ્રદય સ્પર્શી..

  4. વાહ વાહ … મજા આવી ગઈ

    વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,
    👌👌👌✌✌✌

    રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?
    મસ્ત..
    અને ઘડિયાળનો સેલ..નવું લાવ્યા હોં 😄😄😄

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *