(આમ નહીં, આમ… ….સિગલ્સ, લેહ, ૨૦૧૩)
૧.
એણે કહ્યું, આમ નહીં આમ.
મેં કહ્યું, આમ નહીં આમ.
એણે કહ્યું, આ નહીં તે.
મેં કહ્યું, ઓકે.
એની ઇચ્છાઓ સાથે એડજસ્ટ થવાનું
મેં શીખી લીધું હતું
બરાબર એ જ રીતે,
જેમ એણે પણ.
આખરે એને પણ
આ સંબંધ કોઈક રીતે ટકી જાય એમાં જ રસ હતો.
પણ
સંબંધની તકલીફ એ છે કે
એમાં ૩૫ માર્ક્સે પાસ નથી થવાતું,
સોમાંથી સો તો ભાગ્યે જ કોઈના આવે છે
અને
આ વાત જેટલી જલ્દી સમજી લેવાય એટલું સારું
કેમકે
સંબંધની સાંકડી ગલીમાં
એક તો રાત ઓછી છે ને વેશ ઝાઝા છે.
૨.
‘જે રીતે આપણે આજ સુધી મળતા આવ્યા
એ રીતે હવે નહીં મળી શકાય.
હવેથી આ નવા નામે મળવાનું રાખીએ,’
– એણે કહ્યું,
કોરી આંખોને ત્યાં જ ઊભી રાખી
મારી નજર પાછી વળી ગઈ ત્યાંથી.
એને કેમ કરીને સમજાવવું
કે
એક સંબંધની કબરની ઉપર
બીજા સંબંધનો મહેલ ચણાતો નથી
૩.
નો પેઇન, નો ગેઇન.
ફાટી ગયેલા સંબંધને સાંધવા
આપણી સોય તો
એકધારી સોંસરી નીકળતી જ રહે છે,
જેમ પહેલાં નીકળતી હતી.
ફરક એટલો જ કે આપણી જાણ બહાર
સોયમાંથી દોરા સરી ગયા છે…
૪.
મારું સૉરી
એને સંભળાયું જ નહીં.
મેં પણ
પછી
એનું આઇ લવ યુ જતું કર્યું.
આલિંગનનો વરસાદ તો રાતભર પડતો રહ્યો,
પણ પથારી કોરીની કોરી જ.
૫.
આજના સંબંધોમાં
વિશ્વાસનો શ્વાસ
સામાનો મોબાઇલ હાથમાં લઈએ
ત્યાં જ પૂરો થઈ જાય છે.
૬.
મોબાઇલની જેમ જ
આજકાલ સમ્-બંધમાં બંધાયેલા
બે જણ પણ
દિવસે-દિવસે
વધુ ને વધુ સ્માર્ટ બનતા જાય છે…
બે જણની વચ્ચે શું છે
એની ખબર
બે જણને પણ પડતી નથી.
૭.
આજ-કાલના સંબંધો
અગ્નિથી અગ્નિ સુધી લંબાય
તો તો
અહો અહો !
૮.
કેટલાક સબંધ
હકીકતમાં
અગ્નિની નહીં,
લોકોની સાક્ષીએ જ બંધાતા હોય છે
ને એટલે,
ફક્ત એટલે જ
એ
લોકોની સાક્ષીએ નહીં,
અગ્નિમાં જ ખતમ થતા હોય છે.
૯.
સમ્-બંધમાં
આજકાલ
‘બંધ’ન વધુ
અને
‘સમ’ત્વ ઓછું રહી ગયું છે.
૧૦.
કેટલાક સંબંધ
ફક્ત એટલા માટે જ ટકી જતા હોય છે
કે
બેમાંથી એકેય પાસે
નથી હોતા બીજા કોઈ ઓપ્શન
અને/અથવા
હિંમત..
૧૧.
મોટાભાગના છૂટાછેડા
કૉર્ટમાં નહીં,
કોઈપણ જાતના સહી-સિક્કા-સાક્ષી વગર
એક જ છતની નીચે
એક જ પથારીમાં
લેવાઈ જતા હોય છે.
૧૨.
સંબંધનો વિશાળ ડબલબેડ
જ્યારે ઈગોની સ્લિપિંગ બેગમાં
ફેરવાઈ જાય છે
ત્યારે
બેમાંથી એકેય માટે
હલવા-મૂકવાનું તો ઠીક,
શ્વાસ લેવુંય દુભર બની જાય છે.
– વિવેક મનહર ટેલર
(૧૯-૦૧/૦૧-૦૪-૨૦૧૭)
વાહ…અદભૂત…
‘‘સંબંધ મીમાંસા’’ ખૂબ ગમી. પાર્ટ–૨ની
રાહ જોઈશ.
Wow…
સરસ
સમ્બન્ધને શબ્દોમા અદ્ભુત રેીતે બાન્ધ્યા.
Good endeavor to understand today’s relationships
વાહ
Pehli ane triji rachna khub sundar
Waah …too good..👌
Vaishvik anubhav chand shabdo na sathavare
Khub sundar rajuvat
Aaha ! Ek se Ek… sir ji 👌🏻
Bandh hoy e Sam rahe ?
Satya …sachot rite varnvyu..
Khub sunadar rachna..
વાહ
સરસ
Simply awesome……
સમ્બન્ધ આજ કાલ…..sale બની ગયો છે
સરસ,સરસ,સરસ………બધી જ રચના અર્થસભર…… અભિનદન……..
સરળ સચોટ
સુંદર કાવ્ય.
આ પંક્તિઓ ખૂબ અસરદારઃ
કેટલાક સબંધ
હકીકતમાં
અગ્નિની નહીં,
લોકોની સાક્ષીએ જ બંધાતા હોય છે
ને એટલે,
ફક્ત એટલે જ
એ
લોકોની સાક્ષીએ નહીં,
અગ્નિમાં જ ખતમ થતા હોય છે.
વીચારો ની બહાર ની કવીતાઓ,
ખુબ ખુબ આભાર
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…
બધા બ્લેક સચોટ છે. એક વાંચીને આહ! થાય ત્યાં આગળ બીજી આહ એનાથી મોટી અનુભવાય. આજે સંબંધનો કાળો રંગ વધુ ને વધુ ઘેરો થતો જાય છે એના ઉદાહરણ અત્યંત સ્પષ્ટ સહજ રીતે આપ્યા છે.
ખૂબ ખૂબ આભાર મીના…