સંબંધ – બ્લેક & વ્હાઇટ : ૦૨ : વ્હાઇટ

IMG_6957 copy
(તેરા સાથ હૈ તો….                                   ….ગોવા, ૨૦૧૫)

*

૧.
કાપડ ભલે ધસુ-ધસુ થઈ જાય
પણ દોરો બે પડને
ચસોચસ પકડી રાખે
એ સમ્-બંધ !

૨.
લગ્ન
મોટાભાગે
ચામડીના સ્વિમિંગપુલમાં
ડબ્બો બાંધીને તરતા રહેવાનું બીજું નામ છે,
દોસ્તી
ચામડી ચીરીને ઝંપલાવે છે
તળિયા સુધી
ને
શોધી લાવે છે મોતી.

૩.
ડિઅર જિંદગી!
તારો હાથ
હાથમાં લઉં છું
અને રસ્તો
આપમેળે કપાઈ જાય છે.
તું શું છે ?
પગ કે પગથી?
રથ, રથી કે સા-રથી?

૪.
થર્મૉમીટરમાં
વચ્ચેની
પારાવાળી કાચની સાંકડી નળીની આજુબાજુ
ફેરનહીટ અને સેલ્શિયસની
જેમ પડખોપડખ ગોઠવાયેલા આપણે બે.
પારાની જેમ
વચ્ચેથી
વિશ્વાસ ઉતરી જાય
પણ શ્વાસ રહી જાય
એ દુનિયાદારી
અને
શ્વાસ ઉતરી જાય
પણ વિશ્વાસ રહી જાય એ સંબંધ.

૫.
ચાર પગલાં
રેતીમાં
હાથ હાથમાં લઈને
ચાલ્યાં જતાં હોય
તો
દરિયાને પણ
ચાલુ ભરતીએ
ઓટે ચડવાનું મન થાય.

૬.
નાડાછડી,
અગ્નિના ફેરા
અને
સાથે ભરાતાં સાત પગલાં
કરતાંય
મોટાભાગે
આઠમા પગલાના સંબંધ
વધુ ટકી જતાં હોય છે.

૭.
વાત
જીભ ઊઘડે
એ પહેલાં
સંભળાઈ જાય
ને પલક ઊંંચકાતા
પહેલાં જ સમજાઈ જાય
એવા સંબંધના સમીકરણ
ચોપડી ને ખોપડીની બહારનાં હોય છે.

૮.
ચાદરના સળ
ચામડીના સળ
પછી પણ ટકી રહે
એ ખરો સંગાથ.

૯.
નામ વિનાના સંબંધ
હંમેશા
વધારે એવરેજ આપતા હોય છે.

૧૦.
જાતના પ્રેમમાં ન પડીએ
ત્યાં સુધી
બીજાને
કરેલો પ્રેમ
ગણતરીથી વિશેષ હોતો નથી.
જાત વિનાની જાતરા નકામી
એ કંઈ એમનેમ કહ્યું હશે?!

૧૧.
બે જણનું મળવું-ચાહવું-જોડાવું
-બધું ‘એમ’ જ હોવાનું.
પોતાની જાતને
પૂર્ણપણે ચાહવાનું ફેવિકૉલ હાથ ન લાગે
ત્યાં સુધી
આ ‘એમ’ની આગળ
‘પ્ર’ ચોંટશે જ નહીં.

૧૨.
સંબંધ એટલે
એવા ચશ્માં
જે
સામી ચોપડીમાં
આંસુની પ્રસ્તાવના
લખાતા પહેલાં જ
વાંચી શકે.


Two

(સાથ-સાથ….                          …..જાંબુઘોડા, એપ્રિલ- ૨૦૧૭)

16 thoughts on “સંબંધ – બ્લેક & વ્હાઇટ : ૦૨ : વ્હાઇટ

  1. બધ્ધીજ રચનાઓ લાજવાબ.
    “બે જણનું મળવું-ચાહવું-જોડાવું…” તો શિરમોર!

  2. ષબ્દો ક ચયન કર્na ર્ઔર ઉસે સુન્દર બનાના કોઇ આપ્સે સિખે..

  3. બધી જ રચનાઓ સરસ છે .
    5 6 8 9 મને ખુબ જ ગમી.
    વાહ

  4. વાહ…ભાગ –૨ પણ મઝાના કાવ્યો લઈ આવ્યો છે.
    મોજ પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *