અરીસો

PB031707
(Nature’s mirror…                          ….અંદમાન, 2013)

૧.
થાકી-હારીને
અરીસાએ
પોતાને જાતે જ
ટક-ટક કોચવા માંડ્યું.
આદત પડી ગઈ’તી, કરેય શું ?
ને હવે
ચકલીઓ તો ગાયબ થઈ ગઈ છે.

૨.
અરીસો સાચો શિક્ષક છે.
એ શીખવે છે સ્વની માયા
કેટલું આસાન બની જાય છે,
અરીસા પર બેઠેલા
મચ્છરને મારવું!

૩.
અરીસાનો ચળકાટ
કંઈ એમનેમ નથી આવ્યો.
એની પીઠ તો જુઓ –
– નકરું લોહી !

૪.
છોકરાં મોટાં પણ થઈ ગયાં
એની જાણ
મા-બાપ કરતાં પણ
અરીસાને પહેલી થાય છે.

૫.
નવી વહુ
પાણી ભરવા આવી
ને
વાવ
અરીસો બની ગઈ.

૬.
સૂરજને થયું,
સંધ્યાને મળતા પહેલાં
લાવ, જરા વાળ ઓળી લઉં
ને એણે
તળાવ પરનો પવન અટકાવી દીધો.

૭.
આપણો હું
કંઈ અજબ કેદ છે અરીસામાં
ભાનનો કાચ તૂટે
ત્યારે
ચકનાચૂર થઈ જવાના બદલે

એકનો હજાર થઈ જાય છે

૮.
દર્પણ જૂઠ ન બોલે
નાનપણથી આ સાંભળતા આવ્યા
પણ તોય કોઈના ઘરમાં અરીસો ન હોય
કે કોઈ અરીસામાં કદી જોતું જ ન હોય
એવું તો કદી જોયું જ નહીં.
જૂઠ તો આપણા લોહીમાં જ વસી ગયું છે.

૯.
તારી આંખોના અરીસામાં
મારું જે બિંબ પડે છે,
દુનિયાનો કોઈ અરીસો
શક્તિમાન નથી
એ બિંબ બતાવી શકવા.

૧૦.
સાંજના અરીસામાં
હું મારો ચહેરો જોઈ નથી શકતો.
મારી ઘેરી થતી જતી ઉદાસીના સળ
એમાં સાફ નજર ચડી આવે છે.

૧૧.
ભાનનો અરીસો
તો મારો એ જ દિ’ તૂટી ગયો’તો,
તડાક કરતોક ને;
જે દિ’
તારી સામે જોવાનું ભાન થયું’તું.

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૯-૨૦૧૬)

OLYMPUS DIGITAL CAMERA
(સાંજનો અરીસો…                                 …અંદમાન, 2013)

18 thoughts on “અરીસો

  1. અરીસાને આટલા દ્રષ્ટિકોણોથી જોઇને મૂલવ્યો! વાહ વિવેકભાઇ!

  2. અરીસાને થયું,
    શેલ્ફી લઇ લઉં,
    દુલ્હનની કીકીમાં,
    પોતાને જોઇ,હસી પડ્યું.

  3. અરીસો જૂઠ ના બોલે…સાજના અરીસામા સળ દેખાઇ !કેટલુ વાસ્તવિક !!!

  4. મોનો ઇમેજ અને એ પણ અરીસા પર!

    દરેક ઇમેજ પર રસાસ્વાદ કરી શકાય એટલા અર્થસભર! એકથી એક ચડિયાતા… ને છતાંય જે બે ખૂબ જ ગમ્યા ..

    સાંજના અરીસામાં
    હું મારો ચહેરો જોઈ નથી શકતો.
    મારી ઘેરી થતી જતી ઉદાસીના સળ
    એમાં સાફ નજર ચડી આવે છે.

    તારી આંખોના અરીસામાં
    મારું જે બિંબ પડે છે,
    દુનિયાનો કોઈ અરીસો
    શક્તિમાન નથી
    એ બિંબ બતાવી શકવા.

    કદાચ બીજી વાર વાંચું તો બીજા જ બે વધુ ગમતાં ઉપસી આવશે… તો નવાઈ નહીં .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *