સમજણ

તમે તો બસ, એમ જ ધારી લીધું હતું
કે આને નહીં સમજાય
પણ
એવું કશું હતું નહીં.
એવું કદી પણ હોતું જ નથી
કે
તમે કંઈ કરો અને સામાને સમજાતું જ ન હોય.

કંઇક હોય છે-
તમે એને શરમનુ નામ આપો કે પછી લિહાજનું,
સંકોચનું નામ આપો કે પછી બીજા કશાયનું –
-જેના કારણે સામી વ્યક્તિ
એની સમજણનો અરીસો તમારી સામે ધરતી નથી.
કદાચ એમ વિચારીને કે –
– વાત બિનજરૂરી લંબાય,
કે અનિચ્છનીય ઝઘડો ઊભો થાય,
કે અકારણ તણાવ જન્મે,
કે નાહક મનદુઃખ થાય,
કે મફતમાં વાતનું વતેસર થાય,
કે એનો કોઈ અર્થ નથી;
કે એનાથી કશું ફાયદાકારક પ્રાપ્ત થવાનું નથી,
કે એનાથી પ્રવર્તમાન શાંતિ ડહોળાશે,
કે બંનેને અસુખ થશે,
કે સાથે રહેવું દોહ્યલું થઈ પડશે…
શી ખબર !

તમે શું કરો છો,
શું કહો છો,
તમારો હેતુ શું છે
એ તો એ સમજે જ છે;
પણ એ કેમ નાસમજની જેમ પેશ આવે છે
ખરે તો એ તમે જ સમજતા નથી.

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૨-૨૦૨૦: ૦૪.૦૦ પ્રાત:)

*



Twelve Apostles, Australia 2019



18 thoughts on “સમજણ

  1. પણ એ કેમ નાસમજની જેમ પેશ આવે છે
    ખરે તો એ તમે જ સમજતા નથી…. Badhiya 👌🏻

    Kuch na samjoya bahot samajdar hoti he…

  2. સીધું, સ્પષ્ટ છે સત્ય,તો પણ સમજવા –
    કરે આનાકાની સમજદાર કેવળ
    – પંકજ વખારિયા

  3. સમજુ છું બધું પણ માન એમનું ના ખોવાય
    દુઃખ એ મારું છે બધાને ના કહેવાય,
    એ ભલે ન સમજે કે આને નહિ સમજાય
    પણ ભીતરની સમજણની સંદૂક એમનાથી નહીં ખોલય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *