મોરપિચ્છની રજાઈ ઓઢો…

મોરપિચ્છની રજાઈ ઓઢો, બંધ કરી દ્યો આંખ્યું,*
અમે તમે પોઢો એ માટે મઢી વીંઝણે જાત્યું,
કાનજી! આ તો પ્રેમ, પ્રેમની વાત્યું!

સરજનહારની લીલા અપરંપારનું એ ઉખાણું,
પાઠ ભજવવા બેઠા એનો, તંઈ જઈને સમજાણું;
સકનભર્યા રે’ દન અમારા, સપનભરી રે’ રાત્યું-
એથી એણે કદી ન પોપચું વાખ્યું.

ચૌદ ભુવનના નાથનું આજે કરવા મળ્યું રખોપુ,
ઉજાગરા ભવભવના લઈને નીંદર બે પળ સોંપું;
હળવા-હળવા શ્વાસના દોરે સપનું આ એક કાંત્યું,
પ્રભુ! અમે પણ ધ્યાન જરા તો રાખ્યું!

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૧-૨૦૨૦)

( *પુણ્ય સ્મરણ: શ્રી સુરેશ દલાલ: મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સૂઓને શ્યામ, અમને થાય પછી આરામ…)

કાન્હા, મે-૨૦૧૭

21 thoughts on “મોરપિચ્છની રજાઈ ઓઢો…

  1. મૂળ કૃતિની હારોહાર એવી સુંદર રચના. જલસો.

  2. અમે પ્રેમ નગરના છીએ

    તુજ પ્રેમ વગરના છીએ

    અમે ભક્ત થૈ પોકારીએ

    પ્રીત તણું પાનેતર ઓઢીએ

    અરરરર એમ હાથ ન આલીએ…અમે પ્રેમ નગરના છીએ

    હું તો મીઠાં જળ ની માછલી

    હાથ નહીં લાગું ઝટ તારી

    હેતની હેલી રોમે રોમમાં ભરીએ

    પાણીકાં ફોરા ઉલાળતાં મળીએ….અમે પ્રેમ નગરના છીએ

    રાત્યું ની વાતો થોડી સપનેય કરીએ

    છેડાછેડી ટીખણ ટીપણી કદીક કરીએ

    ભડવીર હો તો સામો પડકાર ફેંકીએ

    સામો સાવજ હોય તો તેને શું કહીએ….અમે પ્રેમ નગરના છીએ

    —- રેખા શુક્લ

  3. ઉડી ફર ફર ફૂલોની રંગીલી રંગોળી

    મૂળિયાં થઈને ઉગી ફરી ગઈ રંગોળી

    ઓ હેલો પતંગિયા ઉભું તો રે’ જરાં

    એના કેશ ની મહેંક સૂંધી લેને જરાં

    અટકચાળો વાંકડિયા વાળે લટોમાં

    ઉપરથી છેડતો છબીલો એક મૂંછાળો

    લીંબુની ફાડ જેવી આંખુયે તાંકતો

    મન લલચાવી મૂવો તન ને માંગતો

    એક વાર સાવજ થૈ ફરતો નજરે ચડ્યો

    દેવી કેમે ગાળુ ઇ અધરો ચૂમી ગયો

    ખોંસી ગુલાબનું ફૂલ ચિતડું ચોરી ગયો

    ચોળી મારી તંગતંગ અસવસ્થ ચોટી ગયો

    આમને સામને દિલે રૂબરૂ જ થઈ ગયો

    મુજને ચોરી મુજમાંથી લગોલગ થૈ ગયો

    —- રેખા શુક્લ

  4. ઘણા વખતે આટલું સુંદર કાવ્ય મળ્યુ.. ધન્યવાદ અને અભિનંદન..

  5. ખૂબ જ સરસ… વાહ વાહ..
    ચૌદ ભુવનના નાથનું આજે કરવા મળ્યું રખોપુ,
    ઉજાગરા ભવભવના લઈને નીંદર બે પળ સોંપું;..
    આ પંક્તિઓ ખૂબ જ ગમી

  6. કાનજી ! આ તો પ્રેમ પ્રેમની વાત્યું

    વાહહહ …👌
    પઠન કરવાની પણ મજા આવી

  7. હળવા-હળવા શ્વાસના દોરે સપનું આ એક કાંત્યું,
    પ્રભુ! અમે પણ ધ્યાન જરા તો રાખ્યું! Najul ne namanu sundar 👌🏻

    – વિવેક મનહર ટેલર –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *