સોશ્યલ ડિસ્ટન્સિંગ

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]