(ગ્રામીણકન્યા… … અરુણાચલ પ્રદેશ, નવેમ્બર, ૨૦૧૦)
*
મંગી શહેરમાં રહે છે,
મારા બંગલાથી થોડે જ દૂર.
રોજ સવાર પડતામાં કામે આવી જાય.
એની મા કાછડો વાળતી હતી.
મંગી નથી વાળતી.
એ મોબાઇલવાળી થઈ ગઈ છે.
એ આવે કે તરત
મારો દીકરો એના દૂધનું મગ એને બતાવે-
જુઓ ! આમાં તળિયે બૉર્નવિટા રહી ગયું છે.
એ પોતું મારતી હોય ત્યારે
પત્ની એને મેં બતાવેલા ડાઘા બતાવે –
દાબીને પોતું મારતી હોય તો !
આ ડાઘ બબ્બે દિવસથી એમના એમ જ છે.
કપડાં ધુએ ત્યારે એને ખાસ સૂચના.
અંડરગાર્મેન્ટ્સ પર બ્રશ નહીં મારવાનું. ખરાબ થઈ જાય.
હાથથી જ ધોવાના.
ગઈકાલે સાંજે ખાતા બચેલું શાક
-માંડ ચાર-પાંચ કોળિયા જેટલું-
મમ્મી એને આપે-
તારે તો જલસા છે, નહીં ?
બધાના ઘરેથી જાતજાતનું ખાવા મળે રોજ જ.
મંગી ચુપચાપ શાકની વાડકી લઈ
પાછળ ચોકડીમાં બેસી જાય છે.
મારો દીકરો પણ પૂછતો નથી
કે એ શાક શેની સાથે ખાશે ? લુખ્ખું?
એ કામ પર ન આવે તો બધા ધુંઆપુંઆ.
આખું ઘર ઉથલપાથલ.
મમ્મી એને મિસ્ડ કૉલ કરે.
એનો ફોન આવે તો ખખડાવે-
આવવાની ન હોય તો આગળથી ફોન ન કરાય ?
તમે સાલાવ…
જવાબદારીનું કંઈ ભાન જ નહીં?
…
મંગી મોબાઇલવાળી થઈ ગઈ છે.
મંગી મારા જ શહેરમાં રહે છે.
મંગી કાછડો વાળતી નથી.
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૪)
*