(કુંવારી નદી… …રણથંભોરના જંગલમાં, 04-12-2006)
તું સાગર છે.
તારા માટેનો મારો પ્રેમ
એટલે કુંવારી નદીની તરસ.
રેતીના સાગર સાથેના મારા સંવનનમાં
મુખપ્રદેશના મદોન્મત્ત ચુંબનનો અનંગવેગ નથી
ને અલિપ્ત છું જહાજોના આલિંગનથી…
હું તો ખડકને ઊગેલું
ને રેતીમાં ચૂર થયેલું સ્વપ્ન…
પાણીમાં જ વિસ્તરેલું
પણ પાણીથી જ દૂર રહેલું ક્રંદન…
મારી પૂર સમી ઉત્કંઠાઓને જન્મવાનું વરદાન નથી
ને ચંદ્ર દ્વારા પાગલ ભરતી-ઓટના પ્રદાન નથી.
કોઈ સહસ્ત્રબાહુ ખેલ છોડે
યા ભગીરથ તપ આદરે
કે અગત્સ્ય કોગળો કરે
તો-
-તો સાગર, નદી, નદી, સાગર…
તું સાગર છે…
…પણ રેતીના કિલ્લામાં ધરબાઈ ગયેલા ખજાના સમી
મારી ઈચ્છાઓને ક્યાં ફળી છે ?!
-વિવેક મનહર ટેલર
(સહસ્ત્રબાહુ, ભગીરથ અને અગત્સ્ય- આ ત્રણે ય ક્યાંક કોઈક સ્વરૂપે પાણીને બાંધવાની અથવા બંધાયેલા પાણીને વેગ આપવાની દંતકથાઓ સાથે સંકળાયેલા છે. સહસ્ત્રબાહુ રાજાએ એના હજાર હાથ વડે બંધ બાંધી નદી રોકી લીધી હતી. ભગીરથે તપ વડે ઉદ્દંડ અને ઉચ્છ્રંખલ ગંગાને પૃથ્વી પર અવતારી એને દિશા આપી તો અગત્સ્ય રાક્ષસોને મારવા માટે આખો સાગર જ ગળી ગયા….)