સુખની થોડી ક્ષણો

PB022982
(દેવબાગ બીચ રિસૉર્ટ, કારવાર, કર્ણાટક…               …નવે. 2008)

*

બધું જ પાછળ છોડીને
આજે હું અહીં આવ્યો છું.
આકાશને ગળી જવાની હોડમાં
ઊંચે ને ઊંચે વધતા જતાં મકાનો,
જન્મતાંની સાથે જ
કદી ન ઊંઘી શકવાનો શાપ પામેલી ગીચ સડકો,
કવચિત્ જ ઘરમાં આવી શકતો ટુકડાબંધ તડકો,
વ્યાજખોર શાહુકારના પેટની જેમ વધતું જતું મારું બેન્ક બેલેન્સ,
વસૂકી ગયેલી ગાયના આંચળ જેવા મારા સંબંધો,
મારી ઑફિસ,
મારી એપોઇન્ટમેન્ટ્સ, મારી વિઝિટ્સ,
પડછાયાની જેમ વળગી રહેતી મારી ઓળખાણ…
…આ બધું પાછળ છોડી દઈને
હું અહીં આવ્યો છું આજે.
એ બધાંનો મને કદી મોહ હતો જ નહીં.
પણ જીવતરની સોય નસમાં ઘૂસી
ત્યારથી
આજ બધું દવાની જેમ લોહીમાં ભળી ગયું હતું.
આજે અહીં
એકબાજુ નજર હાંફી જાય એનીય પેલી પાર સુધી વિસ્તરેલ
અનંત ફેનિલ ભૂરો સમુદ્રકિનારો,
બીજી તરફ સૂર્યના કિરણોથી
રસ્તાની ચામડીને દાઝતી બચાવતા
પરગજુ ઘટાટોપ જંગલો,
પર્વતો-ધોધ-જળાશય-પશુ-પક્ષીઓની વચ્ચે
ટ્રી-હાઉસમાં બેઠો છું.
પણ મને આ કશાયનો પણ મોહ નથી.
મને યાદ આવે છે-
-હોટલના બસો રૂપિયાના રૂમમાં પંખાની ઠંડકે
મઘમઘી ઊઠેલા એ દિવસો
અને રસ્તાની કોરે
ફૂટપાથ પર બેસીને ખાધેલું લારી પરનું ચાઈનીઝ ફૂડ.
સાથે પીધેલી
પહેલવહેલી ગૉલ્ડસ્પૉટની બોટલ પરનું રેપર પણ હજી સાચવી રાખ્યું છે, નહીં?!
તારી કોઈ જ વાતમાં મને
કે મારી કોઈ જ વાતમાં તને ફરિયાદ જ નહોતી.
પણ ત્યારે
તારી કે મારી – એવી કોઈ વાત જ ક્યાં હતી?
જે હતું તે આપણું જ હતું.
સમયની સાથે વહેતાં વહેતાં આ નદીને
ક્યારે
બે કિનારા ઊગી આવ્યા એ વર્તાયું જ નહીં.
આજે
પાંચ-પંદર હજારના વાતાનુકૂલિત રિસૉર્ટ્સના
ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટમાં હાથમાં કૉકનું ટિન લઈ કૉન્ટિનેન્ટલ ફૂડ ખાઉં છું
ત્યારે હું શું શું ‘મીસ’ નથી કરતો!!
વરસો પછી
આ ટ્રી હાઉસમાં મને મારો સમય જડ્યો છે
ત્યારે સમજાય છે કે
જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
હું તો માત્ર
મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
પાછી મેળવવા આવ્યો છું!

-વિવેક મનહર ટેલર
(31-10-2008, વિલ્ડરનેસ્ટ હીલ રિસૉર્ટ, સ્વપ્નગંધા વેલી, ગોવા)

25 thoughts on “સુખની થોડી ક્ષણો

  1. બહોત ખૂબ વિવેકભાઈ!
    આ સંવેદના માત્ર અને માત્ર એક તીવ્ર અને તિક્ષ્ણ સંવેદનથી છલોછલ હૃદયનો સ્વામી જ વ્યક્ત કરી શકે…..!

    જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
    જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.

    – આ, બે પંક્તિમાં જ જેને આપણે જિંદગીની ફિલોસોફી તરીકે ઓળખીએ છીએ
    અથવા,
    પ્રત્યેક જીવને આ આવાગમનની સમગ્ર પ્રક્રીયામાંથી જે શીખ લેવાની છે,એ અહીં અભિભૂત છે.
    મારા હિસાબે,આ અસામાન્ય પ્રતિભા જો ગુજરાતી બ્લોગ જગતપાસે હાથવગી હોય તો,બીજી બધી વૃત્તિઓને અલગતારવી,જેટલો લઈ શકાય એટલો સર્વ બ્લોગર્સ લાભ લઈ હરપ્રકારે સધ્ધરતા અર્જીત કરી શકે – જો ધારે તો…….!
    ખૂબ ખૂબ પ્રભાવિત અભિનંદન પાઠવતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું.

  2. Dear Vivek Bhai

    મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
    પાછી મેળવવા આવ્યો છું!

    Nive Line….. Everybody is searching….સુખ….

    Ajay Nayak “Dhadkan”
    Ahmedabad

  3. વાહ વિવેક્ભાઈ!

    આજની તદ્દન યંત્રવત દુનિયામાં વધતા જતાં ભૌતિક સુખોની પાછળ મને-કમને પોતાની લાગણીઓ ને ઢસડતાં અને યંત્રવત જીવન જીવતાં માનવીને એટલું વિચારવાનો પણ સમય નથી કે પોતનું સાચુ સુખ શેમાં છે ? આજે માનવીનાં બધાંજ સંબંધોમાં લાગણી કરતાં ઔપચરિકતા વધારે ડોકિયા કરતી હોય તેવું લાગે છે.

    આપે આપની રચનામાં આજની યંત્રવત દુનિયા અને તેમાં યંત્રવત રીતે જીવતાં માણસોનું આબેહુબ અને અદૂભુત વર્ણન કરી ખરેખર કમાલ કરી છે ! આખીજ રચના ખુબજ હૃદયસ્પર્શી છે અને તેમાંયે

    તારી કોઈ જ વાતમાં મને
    કે મારી કોઈ જ વાતમાં તને ફરિયાદ જ નહોતી.
    પણ ત્યારે
    તારી કે મારી – એવી કોઈ વાત જ ક્યાં હતી?

    અને

    જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
    જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
    હું તો માત્ર
    મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
    પાછી મેળવવા આવ્યો છું!

    આ પંકિતઓ તો હૃદય સોંસરવી નીકળી ગઈ.
    ખરેખર ખુબજ સુંદર !!!!!!!!!!

    પ્રજ્ઞા.

  4. વાહ …સુન્દર રચના ….

    આકાશને ગળી જવાની હોડમાં….

    કદી ન ઊંઘી શકવાનો શાપ પામેલી ગીચ સડકો,
    કવચિત્ જ ઘરમાં આવી શકતો ટુકડાબંધ તડકો,……

    પણ ત્યારે
    તારી કે મારી – એવી કોઈ વાત જ ક્યાં હતી?
    જે હતું તે આપણું જ હતું.
    સમયની સાથે વહેતાં વહેતાં આ નદીને
    ક્યારે
    બે કિનારા ઊગી આવ્યા એ વર્તાયું જ નહીં…..

    જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
    જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી….

    આ બધું જ ઉત્તમ રીતે આવ્યું છે ….
    તમે લઘુ નિબન્ધ સરસ લખી શકો ……..

  5. આંખો બંધ હોય છે ત્યારે ક્યાં કશું દેખાય છે?
    આંખો ખૂલે છે ત્યારે પણ ક્યાં કશું દેખાય છે?
    ખેલ આ આંખોનો નથી, મારા પ્યારા દોસ્તો!
    આંખો બંધ,નજર ખુલ્લી,અને બધું દેખાય છે.

  6. મધુરું અછાંદસ
    મન અને આંખમાં થી ડોકાતા
    અગણિત પ્રશ્નો…..
    જાતજાતના અને ભાતભાતના.
    મશીનો વચ્ચે ગોઠવાતા માનવશરીરો
    યંત્રવત ચાલતી રે’તી….
    દુનિયા છોડી
    આજે અહીં
    એકબાજુ નજર હાંફી જાય એનીય પેલી પાર સુધી વિસ્તરેલ
    અનંત ફેનિલ ભૂરો સમુદ્રકિનારો,
    બીજી તરફ સૂર્યના કિરણોથી
    રસ્તાની ચામડીને દાઝતી બચાવતા
    પરગજુ ઘટાટોપ જંગલો,
    પર્વતો-ધોધ-જળાશય-પશુ-પક્ષીઓની વચ્ચે
    ટ્રી-હાઉસમાં બેઠો છું.
    પણ મને આ કશાયનો પણ મોહ નથી
    વા હ
    ાને
    જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
    જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
    હું તો માત્ર
    મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
    પાછી મેળવવા આવ્યો છું!
    કોઈ સંત જેવ ચિંતન
    ખૂબ સરસ

  7. ક્યા બાત કહી ,

    બસ બધું છોડીને આવવું તો છે..
    પણ હજી સ્પંજ ના ગાદલા છોડતા નથી…
    ક્યારેક તો પાછો કુદરતને ખોળે..
    આવી શકું …
    હું મુંબઈ ની માયાજાળ છોડી ને……

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  8. “Being no one…..on the lost land…..of the lonely planet “…thanx 4 transforming “Nijanand” through ur lence & pen….
    keep celebration of”LIFE” alive….tc

  9. જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
    જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.

    ફૂટપાથ પર બેસીને ખાધેલું લારી પરનું ચાઈનીઝ ફૂડ.
    ને રાત્રે બાર વાગ્યે પીવા જતા ચામુન્ડા ની ચા ,
    રવિવાર સાન્જ ની ક્રિકેટ મેચ નો આનન્દ ….

    કોણ કહે છે કે સુખી થવા ઘણા પૈસા જોઈએ ???

    જિન્દગી પુરી થઈ જશે આ ભૌતિક સુખો ની હોડ મા
    ને અન્તે ખબર પડે સાચુ સુખ છે ભીતર મા…

    આ જીવન નુ સત્ય છે , કોઈ ને વહેલુ સમજાય છે ને કોઈને મોડુ …

    “સાદુ જીવન અને ઉન્ચા વિચારો” જે અનુસરે તેને ક્યારેય ભૌતિક સુખો માટે હોડ મા ઉતરવાની જરુર નહી પડે.

  10. speechless creation, you took me in my past when i was passed the same things and i really tell you that i heartly miss my those days when i enjoyed full of life…. thanks a lot for giving me my past again for live…..

    Ketul Patel

  11. આ તો કદાચ આપણા બધાની જ ‘આત્મકથા’ ડોક્ટરસાહેબે લખી નાંખી છે..! અભિનંદન…!

  12. કેટ્લુ સરસ..
    શબ્દો જ નથિ.
    એકે એક પન્ક્તિ સરસ છે.
    મન ને સ્પર્શિ ગયુ.
    તમને ઘણી બધી શક્તિ ઓ આપી છે ભગવાને અને તમે સરસ રિતે તેને સાચવિ ને
    ટ્રેઇન્ડ કરિ ને બધાનિ સામે મુકિ શક્યા છો.
    અમને ગર્વ છે તમારા માટે.
    આભાર ભગવાન નો…

  13. i fully agree with dr. mahesh raval and pragnaju.very well thought and well worded ACHHANDAS RACHANA.
    i loved it.
    congratulations dr. vivekji.
    igvyas

  14. ભાઇશ્રી વિવેક
    આપની આ કૃતિ વાંચ્યા બાદ મને જગજીતસિંહની ગાયેલી ગઝ્લ “વો કાગઝકી કસ્તી વો બારીશકા પાની”ની યાદ અપાવી ગઇ.
    ૬ વરસ અમરાવતી(મહારાષ્ટ્ર)માં અને ૪૦ વરસ ઓમાનમાં અને ૨ વરસ પુણેમાં રહ્યા બાદ પણ હજુ અમારા નાના ગામડા મોટા રતડીઆ-કચ્છ જાઉ છું ત્યારે ત્યાંના તળાવની પાળે ઊભેલા ઘેઘુર વડલાની લટ્કતી વડવાઇમાં હું મને ઝુલતો જોઊ છું.
    જે આનંદ ગામડાના આંગણામાં ખુલ્લા આકાશ નીચે મુકેલા ખાટલામાં મંદ મંદ સમીરની લહેરખીમાં છે એ એરકંડીશન્ડ રૂમની સુંવાળી બેડમાં ક્યાંથી આવે?
    અસ્તુ
    -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

  15. અરે વિવેક સર…

    આ ખૂબ જ સુંદર લખ્યું છે તમે…આ તમારી જ નહી..પણ ઘણાઓની..અને ખાસ કરીને મારી જ દાસ્તાન છે…અને એ સત્ય બહું જ કડવું છે..કે ગયેલો સમય કદી મળતો નથી… ઃ(

    પણ એ વીતેલી પળો યાદ કરાવવા માટે ખૂબ ખૂબ આભાર્. આમ જ લખતા રે’જો…

    જય માતજી ઃ)

  16. બહુ જ સરસ વિવેક્ભાઇ, મારુ ગામ છોડ્યે ૪૫ વર્ષો થયાઁ અને તમે તો મને એ દિવસો યાદ કરાવી દીધા. ખરેખર ખૂબ સુન્દર … ધન્યવાદ !!! . . . . . . નટુ સોલઁકી, અમદાવાદ

  17. દિલ કો છુ લેનેવાલી બાત…. સબકો લગતી અપની હી બાત… !!!!
    કુદરત નાં સાંનિધ્યમાં જ માણસ ખૂદ ને પામી શકે છે કદાચ…

  18. જે છોડીને આવ્યો છું એનો મને મોહ નહોતો.
    જેની વચ્ચે આવ્યો છું એનો પણ મને કોઈ મોહ નથી.
    હું તો માત્ર
    મારા ખોવાઈ ગયેલા સુખની થોડી ક્ષણો
    પાછી મેળવવા આવ્યો છું!….એકદમ સાચી વાત વિવેકભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *