ડંખીલો


(કણકણમાં સૌંદર્ય…                …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

ઉંબરેથી
બ્હાર ઓટલા પર
પગ મૂકતાની સાથે જ
મોઢેથી ચીસ નીકળી ગઈ…
ઝાટકાભેર પગ પાછો ખેંચાયો…
હાથમાંથી સવારનાં પેપર છટકી ગયાં…
…ઊભી ખીલી ઘૂસી ગઈ કે શું?
જોયું તો
એક મંકોડો !
એનો ડંખ વધુ ઊંડે ઉતરી જાય એ પહેલાં જ
ઝડપી ને જોરદાર ઝાપટ મારીને
એને દૂર ફગાવી દીધો.
મોઢાની ચીસ અટકી તો પગની ચાલુ !
લોહી પણ નીકળી આવ્યું.
‘ખતમ કરી નાંખ એને’-
-મારી ત્રાડના દોરડે બંધાયેલ
અને હજી આ દૃશ્ય પચાવવા મથતા
મારા નાના-અમથા દીકરાએ
ચંપલ ઊપાડી
અને પેલા મંકોડાને
એકવાર, બે વાર, ત્રણવાર- બરોબર ચગદી નાંખ્યો.
હજી એનો ડંખ ચટકા ભરતો હતો પગમાં….
…એના માટે તો એ ડંખ
માથે પડી રહેલા વિશાળકાય પગ સામેની
આત્મરક્ષાની કોશિશ હતી કદાચ…!
લોહીના કાળા લિસોટાને જોઈને
મારા દીકરાએ પૂછ્યું-
‘પપ્પા, બહુ ડંખીલો હતો?’
‘કોણ બેટા?’

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૭-૨૦૦૭)

28 thoughts on “ડંખીલો

  1. અને આ ડંખ જે દિલમાં વાગ્યો મંકોડા મારવાનો તેનું શું
    તે ડ્ંખનું હળાહળ ઝેર રગરગમાં વ્યાપી ગયું ને !!

    આત્મગ્લાનિ પરપીડનની આત્મપીડન બની ગઈ……..??

    વિવેકભાઈ ,
    એ મંકોડાનો મોક્ષ થઈ ગયો ……… આપના પાદપ્રહારે !!
    એમ જ માનો …..!!

  2. અછાંદસ પણ સારું લખી શકો છો..એનો પુરાવો આપ્યો ?

    મંકોડાનો તો સ્વભાવ જ છે ડંખ મારવાનો..એ એની પ્રકૃતિ છે. પણ માનવી ની પ્રકૃતિ…….?
    જેને ઇશ્વરે વિચારવા માટે મગજ આપ્યું છે..એ પણ ….?

  3. “મંકોડાનો તો સ્વભાવ જ છે ડંખ મારવાનો..એ એની પ્રકૃતિ છે. પણ માનવી ની પ્રકૃતિ…….?”
    સાચે જ … મંકોડો તો સ્વબચાવ માટે કરડ્યો હસે … પણ માણસે તો જીવ લીધો …

  4. મંકોડાનો સ્વભાવ તો છે જ ડંખ મારવાનો- આ વાક્ય મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આ દુનિયામાં મનુષ્ય સિવાય કોઈ પ્રાણી કારણ વિના હુમલો કરતું નથી.

  5. નાનપણમાં સાંભળેલ વાર્તા યાદ આવી જાય છે.. અપસુકનિયાળ કોણ્ ? ખરો ડંખીલો કોણ્?

  6. એક બાજુ કણ કણમાં સૌદર્ય જોવામાં પડ્યા અને અમને અગિયાર વર્ષે મંકોડો ડંખ્યો! આખું અછાંદસ માણ્યા બાદ-‘કોણ, બેટા?’ વાંચતા જ સહજતાથી વિચારવાની વાત પર આફ્રીન. આદરણિય, અહીંસા પચાવનાર રવિશંકર મહારાજ યાદ આવ્યાં. રીએકશનવાળો સ્વભાવ સુધારવા
    તેમણે ઘરડે ઘડપણ લાકડી છોડી હતી!
    બીજી બાજુ ધીરે રહીને હું મંકોડાને હટાવવા ગઈ તો ગુલોટીનની જેમ -ધડ મારા હાથમાં અને માથું પગનાં અંગુઠા પર-!મારી પૌત્રી નેહાનો એકસીડન્ટ, જેમાં તેનું માથુ બસનાં વ્હીલમાં અને ધડ કાદવમાં તડફડે તે યાદ આવ્યું!…શું સત્ય? દાદા ધર્માધિકારીની વિચાર ક્રાંતીમાં પણ ઉતર ન જડ્યો!…માણ્યું,અનુભવ્યું

  7. કાવ્ય ગમ્યુ. વિચારની દ્રષ્ટિએ કોઈ સૂચન નથી પણ સંરચનાની દ્રષ્ટિએ વિચારતાં એવું સૂઝે કે કાવ્યનાયક જ મન્કોડાને મારે અને દિકરો પૂછે, ડંખીલો હતો?..ત્યારે મન્કોડાની લાશ અને પગની શમી ગયેલી પીડા અનુભવી કાવ્યનાયકને વિચાર આવે, કોણ?.. તો વધુ અસરકારક ન લાગે?..જો કે આ મારો અંગત મત છે.

  8. રઇશભાઇ વાત એ દ્રષ્ટિકોણ થી સાચી હોય શકે કારણ કે “કોણ બેટા” નો સવાલ એક તમે કહ્યા પ્રમાણે “નાના અમથા દીકરા” તરફ જવાબ ભરેલી આંગળી લઇ જાય તે જરાક (આમ તો ઘણુ) કઠી ગયુ. પુત્ર જ્યારે મંકોડા ને મારી રહ્યો હશે ત્યારે ડંખ કરતા પિતા પ્રેમ નુ, પરોપકારના ભાવ પલ્લુ ઘણુ વધુ ભારે હશે. નાનુ બાળક ક્યારેક પરપીડનની સાવ પાતળી રેખા ન ઓળખી શકે તેવુ બને. (ફરી રઈશભાઇની જેમ જ આ મારો અંગત મત છે. એમનુ સુચન પણ યોગ્ય છે)

    ઓકે ઓકે… સો……રી……
    અહિ ફરી કાવ્ય વાચ્યુ અને જ્યારે આ વાચ્યુ ‘ખતમ કરી નાંખ એને’
    અને ફરી વિચાર્યુ..
    અરે… બાળક ને કોઇ દોષ નથી આમા.. એતો બિચારુ પિતાની ડંખીલી વૃત્તિથી provoked છે.
    ખરેખર નવી જ ભુલ ભુલૈયા જેવુ રહ્યુ કાવ્ય. ઉપર લખેલા સંશયને ઝડમૂળ થી ખતમ કરવા ચાલો એક કપ ચા પી લઉ. (કાવ્ય ને પુર્ણ રીતે માણતા માણત જ.)

  9. ઘણા સમય બાદ ખરા અર્થમા ….. વાઊ ખુબજ સરસ શબ્દો સર્યા છે….
    ખુબ જ સરસ સમ્પાદન કર્યુ છે ….. આખી વાર્તા જાણે નજર સામે જ ભજ્વાઈ રહી એમ લાગ્યુ….

  10. એકે ડંખ દિધો – એકે જીવ લિધો

    જીવ લેતા તો લિધો પણ એનો ડંખ જીવનભર રહી ગયો.

    મકોડાનો ડંખ તો ઘડીભર રહ્યો, પણ પોતાનાથી થઈ ગયેલા દૂષ્કૃત્યનો ડંખ તો કેમે કરીને જતો નથી.

    જેના હ્રદયમાં ડંખ છે તે ડંખીલો નથી.

  11. ડઁખ મારનારે માર્યો ;
    ડઁખ મારનારાને માર્યો !તાત્વિકપણે સૌનો ઉદ્ધાર !
    ભલુઁ થયુઁ ભાઁગી જઁજાળ,સુખે ભજીશુઁ શ્રી ગોપાળ !!

  12. વિવેકભાઈ તમારા જેવા મહાનુભાવ મારા બ્લોગની વિઝીટ કરે એ મારા માટે મોટી વાત છે..

    આભાર સહ,
    દિગીશા શેઠ પારેખ.

  13. ચેતન, જમાનો એવો આવ્યો,
    બીચારા નાગને,
    માનવી ના ઝેર નું મારણ પામવા,
    છેક હોસ્પિટલ સુધી જાવું પડ્યું….

    જય ગુર્જરી,
    ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *