શાપગ્રસ્ત

P5168407
(ઉડ્ડયન…                                                     ….સાપુતારા, ૧૬ મે, ૦૯)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

*

પૂરી સજ્જતા
સભાનતા
ને કર્તવ્યપરાયણતાથી
મારો રથ
હું
વિજયશ્રી તરફ
સડેડાટ હંકારતો હોઉં
ત્યારે જ
દર વખતે
રણમધ્યે જ
શા માટે એ કળણગ્રસ્ત થઈ જાય છે ?
મેં તો
માત્ર
એટલું જ ઇચ્છ્યું’તું
કે
તારી નિદ્રામાં ખલેલ ન પડે…

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૯-૨૦૦૯)

23 thoughts on “શાપગ્રસ્ત

  1. એક પળ કૃષ્ણને ઝોકું આવે ને અર્જુનનો રથ પૃથાપદ પામે એ રૂપક……સર્જકની સ્રર્જનયાત્રામાં જાગ્રત અને આંશિક્જાગ્રત મનનો દ્વંદ્વ……..

    સરસ કાવ્ય.

  2. માત્ર
    એટલું જ ઇચ્છ્યું’તું
    કે
    તારી નિદ્રામાં ખલેલ ન પડે…
    એક વખત ગુરુ-શિષ્ય બંને આશ્રમથી દૂર નીકળી જાય છે. બપોરે ગુરુ એક વિશાળ વૃક્ષની છાયામાં, શિષ્યના ખોળામાં માથું મૂકી નિદ્રાધીન થયા હતા. એ જ સમયે એક હિંસક કીડાએ કર્ણની જાંઘ કોરી નાખી. ગુરુની નિદ્રામાં ભંગ થશે એ ડરથી કર્ણ જરા પણ વિચલિત થયો નહીં, પરંતુ ગરમગરમ લોહી જયારે ગુરુના શરીરને અડયું ત્યારે અચાનક ગુરુ જાગ્યા
    અને
    પરશુરામે તત્કાલ શાપ આપતા કહ્યું, ‘આ બ્રહ્માસ્ત્ર વિધા તને યુદ્ધની કટોકટીના પ્રસંગે જ યાદ નહીં આવે.’ આને કર્ણની કમનસીબી જ કહી શકાય
    દર વખતે
    રણમધ્યે જ
    શા માટે એ કળણગ્રસ્ત થઈ જાય છે ?

    અને આ શાપ-‘ જા તારા રથનું ચક્ર યુદ્ધમાં ખરે વખતે ધરતીમાં ખૂંપી જશે.’
    છતાં પણ જીતી શકતે પણ
    સૂર્ય એને ચેતવે છે છતાં પોતાની દાન દેવાની નિષ્ઠા ઉપર એ આંચ ન આવે તેથી જીવનના રક્ષણરૂપ કવચ અને કુંડળ એ દાનમાં આપી દે છે!!!
    કર્ણને થતા અન્યાયનું વેધક નીરુપણ
    ધન્યવાદ્
    કર્મની ગતિ ન્યારી!!

  3. જન્મ્યો ત્યારથી જ જાણે એવું લાગે છે કે કર્ણ શાપગ્રસ્ત છે. જન્મતા જ માતા ત્યાગ કરે છે. સ્વયંવરમાં દ્રૌપદિ તીરસ્કાર કરે છે. ગુરુની સેવા કરવા છતાં ગુરુ પાસેથી પણ શ્રાપ મેળવે છે. રક્ષક એવા કવચ કુંડળ પણ શ્રીકૃષ્ણ પડાવી લે છે. અલબત શ્રાપનું કારણ છે કે તે ખોટું બોલીને વિદ્યા મેળવે છે અને કુકર્મીઓનો સાથીદાર બને છે. ત્રાસવાદીઓના હાથમાં અણુશસ્ત્ર આવતાં અટકાવવા પડે તેવી રીતે કુકર્મીઓનો સાથ દેનારની બ્રહ્માસ્ત્ર વિદ્યા ભુલવાડવી પડે.

  4. કવિની કવિતા ખુબ સરસ અને ઉપર ના ત્રણે મીત્રોનો રસાસ્વાદ પણ એટલોજ આલ્હાદક.
    મને હમેશા કર્ણ પ્રત્યે સહાનુભુતી રહી છે.કમનસિબ કર્ણ હમેશા અન્યાય નો ભોગ બન્યો છે.આજ કારણે તેણે કુકર્મીઓને સાથ આપ્યો હશે.જેમ અન્યાય સહન થતાં કેટલાક બાગીઓ બની જતાં હોયછે ,તેમ્.
    ડૉ.વિવેક્ ને દાદ્ ! રસાસ્વાદકોને સલામ્…

  5. રે પઁખીની ઉપર પથરો ફેઁકતાઁ ફેઁકી દીધો !
    સ્વ. કલાપીની યાદો તાજી થઇ ગઇ હોઁ !

  6. સુંદર તો ખરી જ પણ ગંભીર વિષયને સાંકળતી રચના કહેવી જોઈએ કારણ કે,સહુથી અઘરૂં છે કોઈની વેદનાને વાચા આપવું.
    કર્ણ જેવી સક્ષમ અને સર્વથા શ્રેષ્ઠ વ્યક્તિત્વની મનોવ્યથાને કોઈ સર્જક પોતાની કલમે ચડાવવાનો વિચાર અમલમાં મૂકે એ જ પ્રથમ ઉપલબ્ધિ ગણાવી જોઈએ!
    -અભિનંદન વિવેકભાઈ.

  7. એક ખુલાસો કરી લઉં…

    આ કવિતા કર્ણની વ્યથાની કવિતા નથી.. આ કવિતા જો કર્ણની કથની હોય તો તો આ કવિતા જ નથી… એ તો આત્મકથા જ બનીને રહી જાય છે… આ કવિતા તો મારામાં-તમારામાં-આપણા સહુમાં વસતા એક કે અનેક કર્ણની છે.

    ‘તારી નિદ્રામાં’ આ શબ્દો પરશુરામ માટે ન જ હોઈ શકે અને એ પણ કર્ણ જેવાના મોઢેથી તો ન જ નીકળી શકે. આખી કવિતાની બે મુખ્ય ચાવીમાંની આ બીજી ચાવી છે. ‘તારી નિદ્રા’ એવું એકવચનનું સંબોધન આ કવિતામાંથી કર્ણની બાદબાકી સૂચવે છે.

    પહેલી ચાવી છે ‘દર વખતે’… મહાભારતનું યુદ્ધ તો એક જ વાર થયું હતું અને કર્ણના રથનું પૈડુ એક જ વાર જમીનમાં ખૂંપ્યું હતું. તો પછી દરવખતે જેવા શબ્દપ્રયોગનું વળી અહીં શું પ્રયોજન? આ કવિતા કોઈક એવા કર્ણની કવિતા છે જેણે જિંદગીમાં વારંવાર સારી ભાવના સેવી હોવા છતાં અણીના ટાંકણે દર વખતે હાનિ જ મળી છે…

  8. વિવેકભાઈ તમે ખૂલાસો કર્યો કર્ણ વિષે તે પહેલા મને પણ આપણી રોજ બરોજની વાત લાગી!આપણે રોજ એક કર્ણ બનીએ છીયે.રંણમધ્યે કોઈ ખલેલ હોય છે.અને લોકોની અશુશ્પ્ત નિંદ્રામાં ખલેલ પડી જાય છે .અને પછી દોષનાં ટોપલાં.રોજ ઉઠીને કરણ બની જઈએ.તમારી આ રચના હ્રદયમાં સોસરવી ઉતરી.
    સપના

  9. કર્ણનાં જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાનો ‘આધાર’ લઈને રચાયેલું અને સાવ પોતીકું લાગતું સુંદરતમ અછાંદસ !

  10. થોડા દિવસ પહેલા જ્યારે પહેલીવાર આ અછાંદર વાંચ્યું હતું ત્યારે ‘તારી નિદ્રા’ અને ‘દર વખતે’ શબ્દો પર ખાસ ધ્યાન ગયું હતું, એવું યાદ આવે છે ખરું… 🙂

  11. શ્રી વિવેકના ઈમેઈલ પરની પ્રાસ્તાવિક વાત અને આરંભમાંની ટિપ્પણીઓને કારણે હું આ વાતને કર્ણના જ રથની સમજી બેઠો હતો !!

    સાધારણીકરણની વાત કરનાર પણ આવી ભૂલ કરી બેસે ત્યારે શું કહેવું ?? મેં મારી શંકા શ્રી વિવેકને લખી અને તેમણે ખુલાસો કર્યો ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું….

    તમારો આભાર, વિવેક !

  12. તેથી અમે અમારા સંગીત વર્ગમાં કવિને ભાવ દર્શન માટે આમંત્રિયે છીએ
    તારી નિદ્રા’ એવું એકવચનનું સંબોધન આ કવિતામાંથી કર્ણની બાદબાકી સૂચવે છે.
    વાત નીકળી ‘તુ ‘ની
    તો ડો મુકુલને સાંભળો
    મારી આજ તું, મારી કાલ તું
    મારો પ્રેમ તું, મારું વ્હાલ તું

    જેનો ટેકો લઇને હું બેઠી છું
    એ જરા ઝુકેલી દિવાલ તું

    તું અંત છે, તું છે પ્રથમ
    તું ક્યાં છે કહે, તને મારા સમ…

    મેહુલ સુરતીએ સ્વર સંગીત આપ્યું ત્યારે મુકુલ હાજર હતો.
    ઉખાણા જેવા અછાંદસમા અમારી ઉકેલ જેવી વાત
    મેં મારી શંકા …સંશ્યાત્મા વિનશ્યતિ

  13. ખૂબ સરસ અછાંદસ….

    કર્ણ એક નથી, તે એક હોઇ શકે જ નહીં,

    મારામતે મહાભારત એક ઘટના નથી, પણ એક પરિપેક્ષ છે. તેની વ્યથા તેની એકલાની નથી….. અણીના વખતે પ્રાપ્તિના સમયે જેમને વ્યથાઓ મળે છે એવા દરેક કર્ણને ખૂબ સરસ રીતે આલેખ્યો છે.

    અભિનઁદન વિવેકભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *