બે અક્ષર…

*

X આઇ લવ યૂ બોલે,
કે તરત Y પણ આઇ લવ યૂ બોલે.
X ડાબે જાય તો Y પણ ડાબે જાય,
ને X જમણે તો Y પણ જમણે.
જાણે પડછાયો જ.
હરદમ સાથે ને સાથે.

એકવાર દુનિયાએ ધોબીવાળી કરી,
ત્યારે
X એ પાછળ ફરી જોયું
તો Y સાથે મળે નહીં.
X કહે-
આ જબરું.
તડકામાં પડછાયો ગાયબ?
Y કહે-
દુનિયા બોલે બુરા તો ગોલી મારો.
X કહે, સામી છાતીએ સાથે ઊભાં કેમ ન રહીએ?
Y કહે, ગોલી મારો.
કહે- આપણે સાથે છીએ એ જ આપણો જવાબ.

X એ રિવર્સ રામવાળી કરી.
એણે જાતે જ જંગલનો રસ્તો લઈ લીધો.
X બને Ex
તો Y કહે, Why?
X એ કહ્યું-

સાથે રહેવું
અને
સાથે ઉભા રહેવું
આ બે વચ્ચે આમ તો
બે જ અક્ષરનો ભેદ છે.
પણ આ બે અક્ષર જિંદગીના બે પગ જેવા છે.
બંને પગ કાપી નાખ્યા હોય તો
જિંદગી શી રીતે ઊભી રહી શકે
પોતાના પગ પર?
કહો તો…

– વિવેક મનહર ટેલર
(૧૧-૧૭/૦૯/૨૦૨૨)

*

22 thoughts on “બે અક્ષર…

  1. સંવાદ પદ્ધતિ વડે વિષય ખૂબ સુંદર રીતે પ્રસ્તુત થયો છે.ખરેખર સાથે રહો નહીં તો ચાલે પણ સાથે હોવ‌ એનુ મૂલ્ય અનેકગણું વધારે છે.

  2. કવિશ્રી હર્ષદ ચંદારાણાનો એક શેઅર યાદ આવે છે:
    હાથમાંથી જો હાથ સરકે છે
    વિશ્વ આખાનું કેન્દ્ર સરકે છે.

    જિંદગીનાં બે પગ કહો કે જીવનરથના બે ચક્ર કહો, તેના વગર બધું ધરાશાયી થઈ જાય છે એ વાત X, Y નો પ્રતીકાત્મક ઉપયોગ કરીને તેમજ Z ને ગોપિત રાખીને પ્રયોગશીલ રચના આપવા માટે અભિનંદન.

  3. વાહ
    નાવીન્યથી ભરપૂર અલગ પ્રકારની રચના,
    મજા આવી ગઈ સર

  4. અત્યંત પ્રવાહી કાવ્યપંક્તિની સરવાણી અને તેની ગહનતા પણ ખૂબ સરસ..મઝા પડી ગઈ..👌👌

  5. વાહ… ખૂબ સરસ રચના
    નાવીન્ય વાંચવા મળ્યું 😊💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *