ફરી ખીલ્યું કાસાર

એક બુંદ પણ બચ્યું નથી લગાર… કમળકાસાર, ડુમસ, મે ૨૦૨૨

*

તળ લગ જળનું એક બુંદ પણ બચ્યું નથી લગાર,
ખાલીખમ કાસાર,
કમળનાં ક્યાંથી મળે આસાર?

ઓણ તાપ વરસ્યો કંઈ એવો
ધરતીનાં ભીનાં સ્વપ્નોને અંગઅંગથી ફૂટ્યો લૂણો,
દૂર દૂર લગ આંખ જ્યાં પહોંચે
એ તો ઠીક પણ આંખમાં સુદ્ધાં બચ્યો ન એકે ભીનો ખૂણો,
સૂરજ ના ઊતર્યો ઊણો
તો પાણીનાં પાણી ઊતર્યાં ને ફાટ્યું પડી અપાર…
કમળનાં ક્યાંય નથી આસાર…

તરસ્યા પાસે સામે ચાલી
કૂવો આવે એવું કૌતુક થયું પ્યાસ જ્યાં આવી નાકે,
વાદળનાં ધણનાં ધણ આવ્યાં
કોઈ ન જાણે, ક્યાંથી આવ્યાં આમ અચાનક ને કોણ હાંકે?
હવે ના લગરીક બુંદો થાકે,
તિરકીટ તિરકીટ ધા ધા તિરકીટ થતું રહે દેમાર,
જુઓ તો, ફરી ખીલ્યું કાસાર.

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૮/૧૬-૦૯-૨૦૨૨)

*

જુઓ તો, ફરી ખીલ્યું કાસાર… …કમળકાસાર, ડુમસ, ઓગસ્ટ ૨૦૨૨

22 thoughts on “ફરી ખીલ્યું કાસાર

  1. વાહ કવિ.એક પછી એક, ચુસ્તીપૂર્ણ કલ્પનો ,જે ભાવ ને એક આખું આકાશ આપવા માં સફળ નિવડે છે.લૂણો,ખૂણો,ઉણો,થી ખાલી કાસાર સુધી નું ચિત્ર જબરદસ્ત છે.અભિનંદન વિવેકભાઇ.

  2. સરસ મજાનું ગીત.
    પ્રાકૃતિક ચિત્રાવલી અને કાવ્યબાનીનું રસાળ સંયોજન!
    દુષ્કાળ ના વસમા વરસ પછી ,તરસના તરડા નાખી ગયેલી ભોં ઉપર જ્યારે પહેલવારકા વરસાદના અમી છાંટણા પડે અને તરસી જમીન મહેકી ઉઠે..એવી જ તરસી ભોં ઉપર જ્યારે બારેમેઘ ખાંગા થાય અને એ ભોં તૃપ્ત તૃપ્ત થઈ જાય એવી જ રસબર કાવ્ય ભાષા…!
    અભિનંદન

  3. વાહ વાહ.. વાસ્તવિક ઘટનાને કાવ્યબાની આપી સફળ કવિતા બનાવી. સુંદર કવિકર્મ.

  4. તિરકીટ તિરકીટ ધા ધા તિરકીટ થતું રહે દેમાર,
    જુઓ તો, ફરી ખીલ્યું કાસાર. ♻️
    – વિવેક મનહર ટેલર –

    Nirajan che ye Niraj thashe…

  5. ખૂબ સરસ રચના . એક સરસ મજાનું કાસાર ચિત્ર નજર સમક્ષ તરવરી ઉઠ્યું. કાવ્ય ખૂબ જ સરળ અને રસાળ લયબાની લઈને સરકતું રહ્યું. ખૂબ જ સરસ રચના .
    અભિનંદન વિવેકભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *