આખ્ખું આકાશ પહેરી

આખ્ખું આકાશ…. . …નેત્રંગ, 2021

*

આખ્ખું આકાશ પહેરી આવી તું સામે, મને સૂઝયું નહી મારે શું કરવું,
ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું.

આમ તો પટોળું હતું આસમાની તોય ઝાંય વર્તાઈ સઘળે ગુલાબી,
ધરતીથી વ્હેંત-વ્હેંત ઊંચો હું ચાલું, જાણે હાથ લાગી ઊડવાની ચાવી;
વરસોનાં વહેણ એક પળમાં ભૂંસીને ઋત સોળવાળી પળમાં થઈ હાવી,
રોમરોમ નર્તંતા હોય એવી પળમાં શીદ પાંપણ ભૂલી ગઈ પલકવું?
ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું.

હાથોમાં હાથ લઈ ‘કેમ છો’ પૂછી, હોય શોધવાની બેસવાની જગ્યા,
કોફીના કપમાં ઓગાળવાના ધીમેથી મીઠા એ દિવસો, જે વહી ગ્યા;
નકશો તૈયાર હતો મનમાં પણ ટાણે જ અહલ્યાબાઈ થઈ ગયાં શલ્યા,
અંતરથી અંતરનું અંતર ઘટાડવાનું, ત્યાં જ અંતરનેટનું બટકવું…
મને સૂઝયું નહી મારે શું કરવું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૨/૦૫-૦૬-૨૦૨૨)

*

વારકા બીચ, ગોવા, ૨૦૨૧

10 thoughts on “આખ્ખું આકાશ પહેરી

  1. નકશો તૈયાર હતો મનમાં પણ ટાણે જ અહલ્યાબાઈ થઈ ગયાં શલ્યા, Indra(maya)jaal.
    અંતરથી અંતરનું અંતર ઘટાડવાનું, ત્યાં જ અંતરનેટનું બટકવું…
    મને સૂઝયું નહી મારે શું કરવું…
    – વિવેક મનહર ટેલર – mast !

  2. કોફીના કપમાં ઓગાળવાના ધીમેથી મીઠા એ દિવસો, જે વહી ગ્યા;

    વાહ શું મજાની વાત….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *