એક સંઘ સાથે તમે ક્યાંક જઈ રહ્યા છો
અને અચાનક જ
સસલાના માથે શિંગડાં ફૂટી આવ્યાં હોય એમ
ક્યાંકથી
કોઈક
ધસી આવે છે
ને
ધડાઅમમમમમઅઅ
પ્રચંડ ધડાકા સાથે
અચાનક જ તમારા કેટલા બધા સાથી મિત્રો
‘છે’માંથી ‘હતા’ થઈ જાય છે…
બૉમ્બના અવાજથી તમારા કાન
લાં…બા સમય સુધી હવે સૂન્ન જ રહેવાના છે…
આગ, ધુમાડા અને રાખના વાદળની વચ્ચેથી
તમારે તમારા સાથી મિત્રોના ટુકડા
કાળજીપૂર્વક વીણવાના છે
અને
ઝિગ-સૉ પઝલ રમતાં હો એ રીતે
એકનો ટુકડો બીજામાં ને બીજાનો ત્રીજામાં
ભળી ન જાય એમ
લોહી-માંસના બચી ગયેલા લબાચાઓમાંથી
તમારા મિત્રો ઘડી કાઢવાના છે,
જેથી એમના ઘરવાળાંઓ એમને ઓળખી કાઢી શકે.
હવે આજે આખો દિવસ દેશભરના ટીવીઓ ચીસો પાડશે,
ને આવતીકાલે સવારે અખબારો.
પરમદિવસે આખો દેશ
કેન્ડલ માર્ચ કાઢશે, સભાઓ ભરશે, રસ્તાઓ ગજવશે ને યુદ્ધ માંગશે.
મદદ માટેના પૈસાનું એક ઘોડાપૂર ઊઠશે
ને એમાંથી થોડાં લિટર તમારા મિત્રોમાંથી કેટલાકના ઘરના ઉંબરા ભીંજવશેય ખરાં.
સાંજે લગ્નમાં જવાનું હતું, એ લોકો ગયા.
વરઘોડામાં બેન્ડ પર નાચવું પણ પડશે.
ગલીબૉય ફિલ્મ હિટ થઈ ગઈ છે.
આવતીકાલની સાંજની ટિકીટ પણ આવી ગઈ છે.
એ જોવા જવું પડશે.
બધું ઠેકાણે પડી જશે, પડી જ ગયેલું છે
પણ તમારા કાનમાં પડી ગયેલી ધાક
જીવનભર દૂર થવાની નથી.
હવે બાકી આખી જિંદગી
તમે સસલાના માથે ફરી શિંગડાં ક્યારે ઊગી આવશે
એની દહેશતમાં જ પસાર કરવાના છો…
કેમ કે
સસલાના માથે શિંગડાં ઊગતા રોકનાર તો કોઈ છે જ નહીં.
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૨-૨૦૧૯)
સરસ,સરસ,…..
કડવું સત્ય
આભાર!