જાત કહે એ સાચું

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૨-૨૦૧૯, ૦૪.૨૫)

19 thoughts on “જાત કહે એ સાચું

  1. ખુદનું ખુદ લખે તે સાચું,
    જાતનું પુસ્તક વાંચું.
    સુંદર રચના

  2. વાહ ખૂબ સુંદર છણાવટ..
    અભિનંદન કવિ

  3. ખુદનું ખુદ લખે તે સાચું,
    જાતનું પુસ્તક વાંચું.
    વાહ સરસ
    ઘણીવાર આજ વાત માટે ખુદ સાથે લડીએ છીએ

  4. પાઠય પુસ્તકમાં સામેલ કરવા જેવી ખૂબ સુંદર રચના. અભિનન્દન કવિશ્રી

  5. અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
    વાહ. . ગમ્યું
    જાતનું પુસ્તક વાંચું..
    ઉત્તમ રચના..

  6. લાખ ગુરુ પડતાં મેલીને,
    ખુદની ભીતર જાંચું.
    Satya…

    ખુદનું ખુદ લખે તે સાચું,
    જાતનું પુસ્તક વાંચું… Sahemat
    -વિવેક મનહર ટેલર –

  7. સરસ વાત કરી, પોતની જાતનુ નીરીક્ષણ કરવાની, જેમા સહજ માનવ ચુકી જતો હોય છે,
    માનવને સરસ રીતે નુક્તેચીની કરી દીધી, સરસ રજુઆત, ખુબ ગમી આપને અભિનદન અને આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *