ભ્રમનિરસન

એની સાથે બે પગલાં ચાલી લીધા બાદ
અચાનક
એને લાગ્યું
કે
ક્યાંક થોડી ઉતાવળ તો નથી થઈ ગઈ ને?
હાથ હાથમાં લઈને ચાલવાનું શરૂ કર્યું હતું
ત્યારે તો ક્ષિતિજ પણ આખી અને સાફ નજરે ચડે
એવી સમજણના જૂતાં પગમાં પહેર્યાં હતાં.
સમજણ આમ તો માપની જ હતી
પણ ચામડું બરાબર તેલ પાયેલું ન હોય,
કડક-નવુંનકોર હોય,
અને સાઇઝ ચપોચપ હોય
તો જેમ આંટણ પડી જાય
એમ જ એનો અહેસાસ શરૂથી જ છોલાવા લાગ્યો હતો.
સાથે ચાલવાની લ્હાયમાં
ક્યાંથી ક્યાં નીકળી જવાયું એનો ખ્યાલ પણ રહ્યો નહોતો.
ને ખ્યાલની ખીલી પગમાં વાગી
ત્યારે અચાનક ‘આઉચ’ કરતોકને હાથ હાથમાંથી છૂટી ગયો.
હાથ છૂટવાની સાથે જ પગ અટક્યા
ને વિચાર દોડ્યા.
જીવનમાં ધારેલું બધું થવું જરૂરી તો નથી ને?
અને થયેલું બધું ધારેલું હોવું પણ ક્યાં અનિવાર્ય છે?
પગરખાં હોય કે સમજણ, પહેરતાં-પહેરતાં જ છૂટાં થાય ને?

થયાં.

હવે?

આ પ્રવાસ એનો પ્રવાસ હતો જ નહીં
એટલું સમજાઈ ગયા બાદ પણ
શું ફરી હાથ હાથમાં લઈ આગળ જવું જ પડે?
કે અહીંથી પાછાં પણ વળી શકાય?
એ વિમાસણમાં ત્યાં જ ખોડાયેલો રહી ગયો
ને
એના પગ હાથ હાથમાં લઈને આગળ વધી ગયા…

– વિવેક મનહર ટેલર
(૧૬-૦૧-૨૦૨૦)

17 thoughts on “ભ્રમનિરસન

  1. પગરખા હોય કે સમજણ પહેરતા પહેરતા જ છુટા થાય ને!
    વાહ

  2. ખૂબ સરસ.

    ખરેખર “હાથ છૂટવાની સાથે જ પગ અટક્યા” હાથ છૂટે છે ત્યારે પગ અટકી પડ્યા હોય એવું લાગે છે.

  3. ક્યાંથી ક્યાં નીકળી જવાયું એનો ખ્યાલ પણ રહ્યો નહોતો.
    ને ખ્યાલની ખીલી પગમાં વાગી
    બહું સરસ!

  4. ખૂબ સરસ કવિતા
    મને અભિપ્રાયમાં થોડું લખવાનું મન થાય છે.

    કવિની વાત સાચી છે કે
    વિષમ-બંધમાં એક વખત તો ગુંગણામણની હદ સુધીની સ્થિતિ આવે જ છે.

    પણ મને એક સવાલ એ પણ થાય છે કે શું સુ-સંબંધોમાં પગમાં ખીલી નથી વાગતી!?
    હાથ નથી છૂટતાં?
    યુ ટર્ન નથી આવતો?
    અને જો જવાબ હા હોય તો શું ત્યારે પણ આપણે એક જ ઝાટકે સામેનાં પાત્રને એમ કહી શકીએ કે મને તારી સાથે comfortable નથી લાગતું તેથી આજથી આપણાં સંબંધ હવે પૂરા!

    વિષમ-બંધમાં પણ જો પૂર્વજન્મનાં ૠણાનુંબંધ જીવંત હોય અને યુ ટર્ન લીધાં પછી પણ પાછું વળીને જોવાની તીવ્ર ઈચ્છાને રોકી ના શકાતી હોય તો વિષમ-બંધને પણ એકબીજાનાં પૂરક બનીને શ્વાસ આપી શકાય અને ફરીથી જીવી શકાય ક્યાંક સમજવામાં કદાચ રહી ગઈ હોય તો તેનું પણ નિવારણ કરી શકાય.

  5. વાહ! કયા બાત

    સાથે ચાલવા છતાં જો સાથ માણી શકતા ન હોય તો સફર અને મંઝિલનું મહત્વ જ નથી રહેતું. છતાં એ પણ છે કે આટલું બધું સાથે ચાલવા પછી સમજણ આવી તો શું જેટલી સફર સાથે કાપી એ બિલકુલ નિરર્થક હતી?
    કદાચ ના! પણ કોઈ પણ સમ- બંધ ક્યારેક જાણવા છતાંય એક ઝાટકે તોડી શકાતા નથી અને તેથી જ, આ સમજાયું ત્યાંથી જ મન અને તનની અલગ સફર શરૂ થાય છે.

  6. લાજવાબ….
    કાલગ્રસ્ત ન થાય એવી જૂજ રચનાઓમાં
    આ સ્થાન પામશે એવી મારી પ્રતિતિ નિસંકોચ પાઠવું છું…

  7. ખુબ જ સાચી વાત છે જીવન માં બધુજ ધારેલું થવું જરૂરી નથી અને બધું થયેલું ધાર્યું હોય એવું જરૂરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *