સૂરજ પડ્યો શું માંદો?

તમારી યાદનો માંડવો…. …છત્તેડી, ભુજ, 2022

*

સૂરજ પડ્યો શું માંદો?
દીસે છે કેવો, ઊગ્યો હો જાણે ધોળે દહાડે ચાંદો.!

રણમધ્યે પૂગવા આવ્યો પણ તીર ન એકે તાતા,
રસ્તાઓના ચહેરા જુઓ, જરા થયા ન રાતા;
ધુમ્મસના ગોટાય હજી પડ્યા છે આળસ ખાતા,
દિ’ તો થ્યો પણ દિ’ જેવા એંધાણ જ ક્યાં દેખાતા?
એય વિમાસે, ઊગીને આણે કાઢ્યો છે શો કાંદો?

નાડ બતાવો, સૂરજ જેવો સૂરજ શીદ અળપાયો?
કુપોષણ છે? થાક ચડ્યો? બોરિંગ લાગ્યો ચકરાવો?
વૈદ મેલે હથિયાર તો જોષી-ભૂવા પણ તેડાવો-
કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?
ધરતી-અંબર એક કરો, પણ આણો કંઈક ચુકાદો.

એકસરખા તો જાય નહીં ને કોઈના સુખના દા’ડા?
બીજું કશું નહીં, શ્રાવણ-ભાદોના જ છે આ ઉપાડા,
વાદળ-ધુમ્મસ, ભેજ-મેઘ તો હંગામી રજવાડાં,
આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો.

– વિવેક મનહર ટેલર
(૦૩/૧૩-૦૯-૨૦૨૨)

*

ધોળાવીરા, 2022

18 thoughts on “સૂરજ પડ્યો શું માંદો?

  1. સરસ મજાનું ગીત… કલ્પન જ કેવું મજાનું!

    સાવ નવી જ તરેહની વાત અને ઉમદા માવજત… મજા આવી…

  2. કિયા તે ગ્રહનો ગ્રહસ્વામી પર પડ્યો છે પંછાયો?
    વાહ ખૂબ સરસ કલ્પનો સાથેની ખૂબ સુંદર રચના 👌🙏🏻

  3. વિષયનું નવીન્ય પર ઉમદા અભિવ્યક્તિ..
    ગીત ખૂબ ગમ્યું.. અભિનંદન. 🌹

  4. આજ નહીં તો કાલ ઊતરશે ફરી તેજનાં ધાડાં;
    શ્રદ્ધા રાખો, રાહ જુઓ, નબળી ક્ષણ વીતી જવા દો. 👍🏻 Vivekbuddhi rakho…😊
    – વિવેક મનહર ટેલર –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *