*
‘લખે છે શું તું?’ -તેં પૂછ્યું; મેં કહ્યું કે, ‘પ્રેમનાં ગીત!’
‘પ્રેમ વળી કઈ ચીજ?,’ તું બોલી, ‘કહે કે વહેમનાં ગીત.’
‘પ્રેમ ઉપર લખવાનું કોણે બાકી રાખ્યું, બોલ?
પ્રેમના નામે જગ આખામાં ઓછા ફાટ્યા ઢોલ?
પોચટ સપનાં, પોચું બિસ્તર છોડી આંખો ખોલ;
પ્રેમનાં ગીતો પડતાં મૂક તું, પ્રેમ છે પોલંપોલ,
નવું કશું પણ બચ્યું નથી તો લખશે કેમનાં ગીત?
‘પ્રેમ નહીં પણ પ્રેમના ભ્રમમાં રાચે છે સંસાર,
પ્રેમના નામે કરે છે સઘળાં જાતની સાથે પ્યાર;
પ્રેમ છે ઈશ્વર સમ, છો એનો કરે બધા સ્વીકાર,
પણ કોઈને સાચા અર્થમાં થયો શું સાક્ષાત્કાર?
મળ્યા નથી, ન મળશે કોઈ દી લખે તું જેમના ગીત.’
વાત સાંભળી તારી મેં પણ પેન મૂકી બાજુએ,
પ્રેમ નથી એ માની લઉં છું, વ્હેમ છે રૂંવે રૂંવે;
પણ ચશ્માં કાઢી તારાં તું જો નજરથી મારી જુએ-
દેખાશે કે ટકી છે દુનિયા ભ્રમના આ તંતુએ
પ્રેમનાં ગીતો બીજું તો શું છે? કુશળક્ષેમનાં ગીત!
– વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૨૦)
Prem..etle.l.vishwas…ehsas
વાહ ખૂબ સરસ ગીત
સુંદર ગીત
Waaah
Saras 👌🏻
કુશળક્ષેમનું ગીત એટલે પ્રેમ👌💐
વાહ મજાનું ગીત
વાત સાંભળી તારી મેં પણ પેન મૂકી બાજુએ,
પ્રેમ નથી એ માની લઉં છું, વ્હેમ છે રૂંવે રૂંવે;
પણ ચશ્માં કાઢી તારાં તું જો નજરથી મારી જુએ-
દેખાશે કે ટકી છે દુનિયા ભ્રમના આ તંતુએ
પ્રેમનાં ગીતો બીજું તો શું છે? કુશળક્ષેમનાં
આ બંધમાં તો મોજ મોજ
પ્રેમ છે ઈશ્વર સમ, છો એનો કરે બધા સ્વીકાર,
પણ કોઈને સાચા અર્થમાં થયો શું સાક્ષાત્કાર?
Sundar…
વાહ વાહ…સરસ પ્રેમ ગીત,બધી જ પંક્તિઓ પ્રેમભાવ વ્યક્ત કરે છે,
ડો. વિવેક્ભાઈને અભિનંદન….….
વાહ સરસ ગીત
વાહ