દ્વિકાફિયા- દ્વિરદીફ ગઝલ

(જા નથી રમતા સજનવા…. ….બ્લેક નેક આઇબીસ અને સ્નેકબર્ડ, ભરતપુર, ફેબ્રુઆરી-૨૦૨૫)

સારા અને નઠારા વચ્ચે જે છે તે શું છે?
સમજો તો બે કિનારા વચ્ચે જે છે, બધું છે.

લડવા દો પંડિતોને જીવનભર, આપણે તો
શ્રદ્ધાના બે મિનારા વચ્ચે જે છે, ઘણું છે.

દુઆ, વુજૂ, નમાજો; સમજો તો વ્યર્થ સઘળું,
તસ્બીહના બે પારા વચ્ચે* જે છે, ખરું છે.

બીજા કશાય માટે જગ્યા બચે શી રીતે?
મારા અને તમારા વચ્ચે જે છે તે ‘હું’ છે.

મોડી તો મોડી પણ, હા! સાચી સમજ તો જાગી,
તંતુ બે હાશકારા વચ્ચે જે છે, ઋજુ છે.

મનભેદ છે હજારો, મતભેદ લાખ તો પણ
સમજણ બે પ્રાણપ્યારા વચ્ચે જે છે, બહુ છે.

ટાણે ભૂલી ન જાઉં એ ગીત હું, દુઆ કર!
વાહ-વાહ અને દુબારા વચ્ચે જે છેડવું છે.

– વિવેક મનહર ટેલર
(૧૮-૨૦/૦૪/૨૦૨૫)

(*તસ્બીહના બે પારા વચ્ચે = શબ્દસમૂહ સૌજન્ય: શબનમ ખોજા)

(એક અકેલા……… ….લિટલ કોરમોરન્ટ, ભરતપુર, ફેબ્રુઆરી-૨૦૨૫)

46 thoughts on “દ્વિકાફિયા- દ્વિરદીફ ગઝલ

    • @શબનમ ખોજા:

      ખૂબ ખૂબ આભાર…
      તસ્બીહના બે પારા વચ્ચે – એ તારી પાસેથી છિનવીને લીધેલ ભેટ છે. જૂની પોસ્ટ પબ્લિશ કરી હોવાથી સૌજન્ય પ્રકટ કરવાનું રહી ગયું હતું, પણ હવે એ સુધારો ઉમેરી દઉં છું.

  1. દરેકે દરેક શેર પર નવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું મન થાય એવી રીતે વ્યક્ત થયા છે … વાહ!

  2. ઓહો, અદભૂત ગઝલ સાહેબ👌💐
    # મોડી તો મોડી પણ હાશ! સાચી સમજ તો જાગી,
    (હાશકારા પહેલાં હાશ હોય તો વળી મોજ👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *