…પણ હું તો છું પિંજરમાં કેદ!

નીલ ગગન કે તલે… …હિમાલયન ગ્રિફન વલ્ચર, મેકલિઓડ ગંજ, ૨૦૨૨

*

આભ મહીં ઊડનારું પંખી તું ઝંખે પણ હું તો છું પિંજરમાં કેદ,
મને ઊડવાનો નથી નિર્વેદ, પણ તને આટલું હું કહું છું સખેદ.

ઝરણાંને બાંધ્યાં બંધાય નહીં, કલરવ પણ કંઠ મહીં કેમ રહે બંધ?
વેલીને વધવાની સાથે, ને વાયુને વહેવાની સાથે સંબંધ;
કુદરતમાં કોઈનોય આઝાદી સાથે શું જોવા મળે છે વિચ્છેદ?
ના કોઈ સરહદ, ના ભેદ,
…પણ હું તો છું પિંજરમાં કેદ.

પણ મારા પગને તો જોડામાં રહેવાનું શિખવાડાયું છે જનમથી,
કાયા જેમ કપડાંમાં એમ મારું હૈયું પણ છાતીમાં રહે છે નિયમથી,
દુનિયાએ બાંધેલા નિયમોની વાડ મારી આંખોને માટે છે વેદ.
ક્યાંય ના કો’ બારું- ના છેદ
મને ઊડવાનો નથી નિર્વેદ.

અડચણ જગ આખાની જાઉં વળોટી પણ જાતને વળોટવાની કેમ?
તાણાવાણા જે ગળથૂથીએ ગૂંથ્યા એ તોડતા શીખવશે શું પ્રેમ?
ઓગાળ્યે ઓગળતો કેમ નથી ભીતરની સાંકળ પર જામેલો મેદ?
મેં તો લોહીનોય કર્યો પ્રસ્વેદ…
બસ, આટલું હું કહું છું સખેદ.

– વિવેક મનહર ટેલર
(૨૮-૦૨-૨૦૨૧)

*

કેચ મી ઇફ યૂ કેન… …હિમાલયન ગ્રિફન વલ્ચર, મેકલિઓડ ગંજ, ૨૦૨૨

6 thoughts on “…પણ હું તો છું પિંજરમાં કેદ!

  1. મેં તો લોહીનો ય કર્યો પ્રસ્વેદ…….
    વાહ વાહ…….

  2. મને ઊડવાનો નથી નિર્વેદ, પણ તને આટલું હું કહું છું સખેદ. Humm
    (Kyarek Gamavavo padtopinjaro )
    – વિવેક મનહર ટેલર – 😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *