આઠે પગ ફેલાવી…



આઠે પગ ફેલાવી શિકારને ઓક્ટોપસ જે રીતે સઘળી બાજુથી ગ્રહે છે,
તું મને એ રીતે ઝબ્બે કરે છે.

તેં છોડી દીધેલા ગોકુળની ગલીઓમાં જનમોજનમથી હું રાત-દિન ભટકું,
કાંકરી દઈ ફોડશે તું મટકું એ આશામાં સદીઓથી માર્યું નથી મેં એકે મટકુ,
કોક દિ’ તું ચોરીથી આવે, ઉતારે મને છતથી એ ખ્યાલે હું શીકું થઈ લટકું,
કેમ તારું ‘ન હોવું’ મારા આ ‘હોવું’ને ‘ન હોવું’ કરવાને હરપળ મથે છે?
તું મને એ રીતે ઝબ્બે કરે છે.

નાનકડા ઢેફાં પર સ્ટીમરૉલર ફરે ને ઢેફાંના થાય જે, બસ, એ મારા હાલ છે,
રૉલર તો વહી ગ્યું પણ ઢેફું ફરીથી કદી ઢેફું થશે કે નહિ એ જ એક સવાલ છે;
થાય છે કે ખંજર હુલાવી દઉં છાતીમાં, કારણકે દિલ હતું તો આ ધમાલ છે,
જાગતાં તો તું ક્યાંયે છે જ નહીં, ઊંઘમાં પણ સપનામાં કારણ વગર તું વઢે છે…
કોઈ શું આ રીતે ઝબ્બે કરે છે?

– વિવેક મનહર ટેલર
(૦૯-૦૩-૨૦૧૮)

જરા કુરિયરનું નામ તો તું બોલ

ગોવાની મોસમની ઉઘરાણીના તું વગાડ નહીં વૉટ્સ-એપ પર ઢોલ,
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.

જાણું છું, મેમાં તો તારે ત્યાં આભેથી લૂના દરિયાઓ વરસે છે,
સમ ખાવા પૂરતુંય સૂરજને ઢાંકે એ વાદળને ધરતીયે તરસે છે;
અહીંયા તો વાદળાંના ધાબળાંની ભીતરની ભીતર એ એવો લપાયો
તડકાનું ટીપુંય પડતું ન આભથી, ભરબપ્પોરે ખોવાયો પડછાયો.
ઉપરથી ઝીણી ઝીણી વાછટ આપી રહી વાયરાને ભીનાં ભીનાં કોલ.
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.

હીલ્સ્ટેશન પર્વતથી દરિયાના કાંઠા પર પોરો ખાવાને આવ્યું હેઠે,
ને કાંઠાની ડોશીનો મેક-ઓવર થઈ ગયો કુંવારી કન્યાની પેઠે;
આછા વરસાદમાં એક-એક ઝાડપાન નહાઈ-ધોઈ રેડી થઈ ઊભાં,
વાયરાની બૉલપેન લઈ રેતીની નોટબુકમાં લખે છે કોઈ કવિતા.
આવી મોસમ મેં જરી શેર કરી એમાં તું ઈર્ષ્યાની પેટી ના ખોલ.
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૮)

પ્લાસ્ટિકનું ગીત

ટિક્ ટિક્ ટિક્ ટિક્ ટિક્ ટિક્ ટિક્
ઘડિયાળના કાંટાની સૌને છે બીક,
પણ હું છું અલગ, મારું નામ પ્લાસ્ટિક

કાલે જ્યાં દરિયો હતો, આજે હિમાલય છે; કચ્છના રણનુંય છે એવું,
સૃષ્ટિમાં કોઈ માટે ક્યારેય સંભવ નથી, છેકથી છેક એમ ને એમ રે’વું,
લોઢું કટાઈ જાય, માણસ ખવાઈ જાય, ચૂકવે છે કાળનું સૌ દેવું,
હું જ એકમેવ છું જે સદીઓની સદીઓ લગ કાળ સામે ઝાલે છે ઝીંક.
કોઈ મને ડારી શકે ન જરીક.

अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च** એમ આઠ ચિરંજીવીની ઉપર,
નવમો હું, અવતારીનોય અવતારી, હું કાળાતીત, અજર-અમર,
મારા સૂરજને કોઈ પશ્ચિમ નથી ને નથી ચાંદને અમાસનો ડર,
મને મારવાનો-ડારવાનો એક જ ઈલાજ–મારા સર્જનને રોકો લગરીક.
મને રિસાઇકલ કરો તો ઠીક.
આટલું સમજી શકો તો નસીબ.

– વિવેક મનહર ટેલર
(૧૪-૧૧-૨૦૧૯)

*

** अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः ।
कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् ।
जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥

(અશ્વત્થામા, બલિ, વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાતની ચિરંજીવીમાં ગણના થાય છે. આ સાત સિવાય આઠમા માર્કંડેય ઋષિ છે. આ આઠે પુરુષોનું નિત્ય સ્મરણ કરવાથી સર્વ વ્યાધિઓ દૂર રહે છે અને આયુ સો વર્ષથી ઉપર થાય છે.)

अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः ।
कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् ।
जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥

કોનો હતો કસૂર?

તારો પ્રેમ અકબંધ ને મારો ચકનાચૂર?
તારો એ સંબંધ પણ મારો તે ફિતૂર?
આ તે કેવું શૂર?

તું કહે છે તારી પ્રીતની તોલે કોઈ ન આવે,
તું કહે એ ભલભલા ઇતિહાસને શરમાવે;
મેં તો કંઈ કર્યું જ નથી, હું પૂછું છું રંકભાવે-
આવી ઉત્કૃષ્ટ પ્રણયકથાનું કેમ ઊડી ગ્યું નૂર?
કોનો હતો કસૂર?

આપણ બંને એમ જ જીવ્યા જાણે કે મનમીત;
પણ શું આપણ એકમેકમાં ઊતર્યા કદી ખચીત્?
હવાય જો પોલાણ ન હો તો બને નહીં સંગીત,
અવકાશ જ નહોતો વચ્ચે કે શું રહ્યાં હરદમ દૂર?
ના જન્મ્યા કો’ સૂર…

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૮)

બર્થ ડે પર…

ડાર્લિંગ હરજાઈ મારા!
કેમ એમ કહે છે જે આપ્યું’તું લાસ્ટ યર, એને જ તાજું ગણી, લેવું…?
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

નથી મને ઇચ્છા કંઈ સોના-ચાંદી કે પછી ડાયમંડ-પ્લેટિનમના સેટ્સની,
નથી મારે એવીય કોઈ ઇચ્છા, સમજ પ્યારે! બ્રાન્ડેડ કે ફોરેનના ડ્રેસની;
શાને તું ચાંદ-તારા તોડી લાવે ને કરે મારા માટે પર્સનલ ચાંદની?
અજવાળાં ઓલવીને હેપ્પી થવાનું એવી કેન્ડલ, બોલ! મારે શા કામની?
તું કેક આપે, હું ચપ્પુ ચલાવું, આ બર્થ ડેનું આવું તે કેવું?
હવે આથી વધીને શું કહેવું?
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

ઑનલાઇન કે મૉલમાં જઈ લાવી શકાય એવી ગિફ્ટોનું કરવાનું શું?
આડે હાથ એ તો ક્યાંક મૂકી દેવાય, વળી તૂટી જાય, ખૂટી જાય વસ્તુ,
કેમ કરી સમજાવું, માય ડિઅર! મારે મન તું જ છો ઘરેણું મારું સાચું;
આપવું જ હો તો જે પરમેનન્ટ રહે એવું, છો ને ના રહે વર્લ્ડ આખું,
હાર્ટમાંથી બે’ક વર્ડ્સ કાઢી ઘડે તું એ ઘરેણું કંઈ હોય જેવું-તેવું?
મારે બીજું કશુંય નથી કહેવું…
મારે તો બર્થ ડે પર ગીત જ ખપે ને તેય લેટેસ્ટ, હું કહું સાવ એવું!

– વિવેક મનહર ટેલર
(૩૦-૩૧/૧૨/૨૦૧૭ – ૦૭/૦૯/૨૦૧૯)

માસિકત્રયી : ૦૩ : મા દીકરીનો સંવાદ

પહેલીવાર માસિકમાં આવેલી દીકરીનો સવાલ અને માએ એને આપેલો જવાબ આપણે જોઈ ગયા. હવે, આ માસિકત્રયી ગુચ્છનું આ આખરી કાવ્ય…

*

મા! મને દાદી કહે છે, દૂર બેસ,
અડકાબોળો ન કર, માથાબોળ નહાઈ લે, આ કેવી આભડછેટ?

માસિકનું આવવું જો ઓળખ હો સ્ત્રીની તો શાને આ આઇ કાર્ડ કાળું?
હરદમ જે વળગીને જીવતી એ સખીઓનો સંગાથ કેમ કરી ટાળું?
બાકીના પચ્ચીસથી અળગા કરીને આ પાંચને હું શાને પંપાળું?
ઈશ્વર કને તો હું રોજરોજ જાતી, હવે કઈ રીતે જાતને હું ખાળું?
આ તો અપમાન, મા! ખુદને હું કઈ રીતે કહું કે લે, આને વેઠ!
મા! મને દાદી કહે છે, દૂર બેસ.

બેટા! તું સાચી છે, કુંડાળે પડ્યો છે દુર્ભાગ્યે દુનિયાનો પગ,
માસિક તો દીવો છે, એ વિના થાય નહીં માતૃત્વ ક્યાંય ઝગમગ;
રગરગમાં ભર્યા એ ઈશ્વરસમીપ જતાં થાતી ન સહેજ ડગમગ,
કહી દેજે સૌને, આ ગૌરવ છે નારીનું, આપવું જ પડશે રિસ્પેક્ટ.
ના બેટા! કોઈથીય અળગી ન બેસ.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૧૯)

માસિકત્રયી : ૦૨ : માનો જવાબ

પહેલવહેલીવાર માસિકમાં આવેલી દીકરીએમાને કરેલો સવાલ આપે ગઈ પોસ્ટમાં વાંચ્યો. હવે મા શું જવાબ આપે છે એ જોઈએ:

*

બેટા! તું થઈ હવે મોટી.
બીજું કશું જ નહીં, માસિક આવ્યું છે તને, ફિકર-ચિંતા ન કર ખોટી.

આજ કહું-કાલ કહું, શું કહું-કેમ કહું
હિંમત મારી જ પડી ટૂંકી,
આવી ગઈ આજે અચાનક તું ટાઇમમાં,
ને મા થઈ ટાઇમ હું ચૂકી;
મારી જ આળસ ને મારી જ અવઢવે
તને આજે આ હાલતમાં મૂકી,
તારો આ લાલ રંગ કંઈ નહીં, બસ, મારા માવતર પર પડેલી સોટી.

ભૂલ ગણી, પાપ ગણી, ચોરી-સજા કહી
ક્યાં લગી ખુદને સંતાપશે?
મનેય આવ્યું’તું, તનેય આવ્યું છે,
ને તારી બેટીને પણ આવશે;
કુદરતની દેણ, બસ, સ્ત્રીઓ પર મહેર છે,
આ જ તને મા-પદે સ્થાપશે.
ભાઈઓથી જુદી નહીં, ઊંચી એ કહેવાને એણે લીધી આ કસોટી.

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૯)

માસિકત્રયી : ૦૧ : દીકરીનો સવાલ

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કદાચ પહેલવહેલીવાર સુરતમાં માસિકને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી કવિતાઓનું કવિસંમેલન યોજાઈ ગયું. આ સંમેલનમાં માસિકધર્મમાં પહેલીવાર પ્રવેશતી યુવતી વિશેના ત્રણ ગીત મેં રજૂ કર્યાં હતાં. આ શનિવારે એમાનું પહેલું ગીત રજૂ કરું છું… આપ સહુના પ્રામાણિક પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે…

*

મા! મને આવતો નથી કંઈ ખ્યાલ,
ન પડી, ન આખડી, ન વાગ્યું-કપાયું તો કઈ રીતે થઈ હું લાલ?

જલ્દીથી મોટા થઈ જવાની લ્હાયમાં
હું ભાગભાગ તેર માળ ચડી,
ગઈ કાલ સુધી હું હતી પતંગિયું,
ને આજે અચાનક નદી?
સમજ્યો સમજાય નહીં ઓચિંતો ફેરફાર,
કેવી વિડંબનામાં પડી?
મા, બીજા કોને જઈ પૂછું સવાલ?

એવી તે કઈ ભૂલ, એવાં તે કયાં પાપ,
જેને લીધે આ થયા હાલ;
જૂઠ્ઠું બોલી કે શું? ચોરી કરી કે શું?
કરી ભગવાનજી સાથે બબાલ?
રાત્રે તો ચોખ્ખુંચટ પહેરીને સૂતી
ને સવારે આ શું ધમાલ?
મા! મને આપ થોડી સમજણ ને વહાલ.

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૯)

એક ટચલી તે આંગળીનો નખ…



એક ટચલી તે આંગળીનો નખ,
કોતરે છે ભોંય અને તાક્યા કરે છે એને મારી આ આંખ એકટક.

સત્તર શમણાંઓની ભારી લૂંટવાને આયો પાતળિયો ભારી નઘરોળ,
ને તારતાર ઊતરે રૂમાલમાં અત્તર એમ મારું જ છત્તર ઓળઘોળ?
પરબારા બેસી ’ગ્યા હાથ સૌ ધોવા, મેં એવા તે દીધાં શા દખ?
એક ટચલી તે આંગળીનો નખ.

શેરડા ને પાંપણ ને ઘૂંઘટ વીંધીને કોઈ ઠેઠ લગી મને ઝંઝોડે,
થાતું કે કાશ! હુંય ભોંયમાં ગરી જાઉં નજરુંની શારડીની સોડે;
ને ઝાડેથી ટહુકો એમ બારસાખમાંથી હું ઊડું ઊડું થાઉં લગભગ.
એક ટચલી તે આંગળીનો નખ.

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૩-૨૦૧૯)

*
(પુણ્યસ્મરણ: શ્રી વિનોદ જોશી ~ ટચલી આંગલડીનો નખ)

ગરમાળો ખીલ્યો છે આજે


(મારા ઘરના ગરમાળાની પહેલી સેર…. …૦૩-૦૫-૨૦૧૯)

*

આંખો વાવીને મે રોપ્યો’તો જેને એ ગરમાળો ખીલ્યો છે આજે,
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

ઉનાળે દર વરસે ખાલીખમ ડાળીઓ
રોજ મને કેવો ટટળાવતી!
ઓણ સાલ? પોર સાલ? એક સીંગ? એક કળી?-
લગરિક અણસાર નહોતી આલતી.
સઘળી નિરાશાનું સાટું વાળે એ પીળચટ્ટો દિ’ ઊગ્યો છે આજે.
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

પીળાં ખીલ્યાં છે એને ફૂલોનું નામ ન દો
દૃષ્ટિ ખુલી છે, મારી દૃષ્ટિ,
વર્ષોથી આવું આવું કરનારાં સ્વપ્નોએ
સર્જી છે સોનેરી સૃષ્ટિ.
પીળા પલકારાની ઈર્ષ્યાના તોરમાં સૂરજ પણ સળગ્યો છે આજે.
મારો ઈન્તજાર ફળ્યો છે આજે

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૫-૨૦૧૯)

જાત કહે એ સાચું

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૨-૨૦૧૯, ૦૪.૨૫)

અડતાળીસમે…

વર્ષગાંઠ હોય, શનિવાર હોય અને એ પણ SCSM પર પોસ્ટિંગનો શનિવાર હોય, એવું તો જવલ્લે જ બને… તો આજના દિવસનો સદુપયોગ કરીને ઉંમરના આ મુકામે આવીને શું અનુભવાય છે એની બે’ક વાત કરું? આપનો અભિપ્રાય જરૂર આપજો…
*

અડતાળીસમે,
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

કાન જરા ઝાંખા પડ્યા ત્યારે સંભળાયું,
ગીત ખરતાં પળિયાંએ જે વરસોથી ગાયું:
બોજ ખભે લઈ-લઈને જઈશ તું કેટલે આઘે?
છોડતાં રહીએ તો થાકોડો ઓછો લાગે,
મારું મારું મારું ક્યાં લગ? બોલ, ત્યાગીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

અકળાવે છે આંખ તળે કાળાં કુંડાળાં,
ચહેરા ઉપર કોણ બાંધતું રોજ આ જાળાં?
રોજ અરીસો ટાઇમ નામનો ટોલ ઊઘરાવે,
રોજ રોજ દેતાં રહેવાનું ક્યાંથી ફાવે?
જે આવે છે, જેમ આવે છે, સ્વીકારીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

હા, હા, હું ગિરનાર હજી પણ ચડી શકું છું
દીકરાની સામે હું નીચો નમી શકું છું
હાથમાં હાથ મિલાવી જે ચાલી છે સાથે
હવે પછીનાં સઘળાં વર્ષો એના માટે,
પળ પળ હવે છે મોજ, જિંદગી! મોજ કરીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?
અડતાળીસમે…

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૩-૨૦૧૯)

*

કાનની છે ભારી ધમાલ

મોબાઇલ અડે તો ફ્લાઇટ મોડ થઈ જાય પણ શબ્દો અડે તો ગુલાલ,
દોસ્ત! આ કાનની છે ભારી ધમાલ.

હવાના દોરડાઓ ઝાલીને ધ્વનિના રશ્મિ ઠેઠ અંદર લગ ઊતરે,
અંદર જઈ સીધા જ વેરવા માંડે છે દાણાઓ દિલના ચબૂતરે;
ને દાણાઓ ચૂગવા આવી ઊતરે છે પાછાં પંખીય કેવાં કમાલ!
ભાઈ! આ કાનની તો કેવી ધમાલ!

ગળણી લઈને બેઉ બેસે છે પાછા, ને ઇચ્છા પડે એને ચાળે
ને ગમી જો જાય પાછી વાત જો કોઈ, સીધી મગજ સુધી એ પહોંચાડે
એય પાછું ભારી છે, કોરટ જ જોઈ લ્યો! તે પૂછશે પચ્ચીસ સવાલ
બાઈ! આ કાન છે કે નકરી ધમાલ!?

ઊંચ નીચના કોઈ ભેદ ન જાણે, સૌ સરખો જ આવકારો પામે
પણ બેમાંથી એકેય ન રે’વા દે કોઈનેય પલભર માટેય નિજ ધામે,
એમ કરીને શું એ શીખવી રહ્યા છે જીવતરના ખરા સૂરતાલ?
હા, હા! આ કાનની છે જબરી ધમાલ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૧૮: ૦૨-૦૩.૦૦ મળસ્કે)

કઈ આંખથી વાંચું?

તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું,
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?

છાપાં, કાગળ, નોટબુક – તું જે મળે એ ધાપે,
ટાઇલ્સ હો કે ચાદર, તું બસ, એક માપથી માપે;
ભીંતોના મુડદાલ રંગોમાં આજે વર્ષો બાદ,
જાન આવી છે તારા ચિતરડાઓના જ પ્રતાપે,
તું કે’ તો એ પોકિમોન છે, તું કે’ તો પિકાચુ.
તું લખે એ સાચું, બેટા! તું લખે એ સાચું.

આ તારી એબીસીડી ને આ એકડા તારા,
આમ જુઓ તો કૈં નથી એ, છે નકરા ગોટાળા;
પણ જે રીતે તું મચી પડીને કામ આ કરે છે,
ખરું કહું તો થઈ રહ્યા છે સપનાંના સરવાળા,
પણ ભણી ગયેલી આંખો મારી, મારું ભણતર કાચું.
તારા કાલાઘેલા લીટા, કઈ આંખથી વાંચું?

– વિવેક મનહર ટેલર
(૨૪/૨૫-૧૦-૨૦૧૮)

એક અડધી કવિતાની ડાળે

એક અડધી કવિતાની ડાળે,
અટકી પડ્યો છું હું – લટકી પડ્યો છું ન ઊગતા કશાકની વચાળે.

કાગળ તો ઝંખે છે વર્ષા થાય, વર્ષા થાય,
શબ્દો આવે ને ડૂબાડે,
પણ વિચારનાં વાદળિયાં શલ્યા થઈ બેઠાં છે,
કોણ એને સ્પર્શે? જગાડે?
એંઠું ચાખીને ભૂખ ભવભવની ભાંગે એ ભાંગી આશાની કો’ક પાળે
મોઢું વકાસી વિમાસે છે પેન – ના થાવાનું થ્યું બનવાકાળે.
એક અડધી કવિતાની ડાળે…

એકાદું પાન ક્યાંક ફૂટે તો ડાળખીને
સધિયારો થાય કે હું છું,
પાનમાંથી પાન પછી આપોઆપ ફૂટે
ને ફૂલનેય થાય, ચાલ ખીલું.
પણ થાય શું જ્યાં મૂળ પોતે ચડી બેઠું હો કારમા દુષ્કાળના ચાળે.
પાણી ઊતરી ગ્યાં કૂવાના દેશે કિયો માટી માટીને પલાળે?
એક અડધી કવિતાની ડાળે…

– વિવેક મનહર ટેલર
(૨૪-૦૯-૨૦૧૮)

સુંદર કન્યા…

સુંદર કન્યા સ્મિત ઝરે પણ બોલે નહિ કંઈ,
મુજ શ્વાસ ન ભીતર ઉતરે, નીકળે બાહર પણ નંઈ.

મૌનના પડદા સાત હો તો પણ ચીરી દઈએ,
સ્મિતની મોનાલિસાને ક્યાંથી ઉકલીએ?
વાદળ હો કાળાં તો એને નીચવી દઈએ,
વીજળીના ચમકારા બોલો, કેમ પકડીએ?
ચાંદ ખીલ્યો પણ ચાંદનીનું એક ટીપું નઈં
આગિયાના ઝબકારે મારગ ક્યમ સૂઝે તંઈ?

દ્વાર ક્રોધના ખોલવાનું તો કંઈકે સહેલું,
સ્મિતની સીડી પર થઈ ચડવું, ભારે કપરું;
શબ્દ વેર્યા હો તો અર્થોને ચુગી લઈએ,
કેવું મુશ્કેલ મૌનની માયાજાળથી છૂટવું?
બોલો, હજીયે મૌન જ રહેશો? કહેશો નહીં કંઈ?
સમજણ સાથે જાત પાથરી દેશું રે સંઈ!

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૭-૨૦૧૮)

‘કદાચ’ની ઝીણી પછેડીને…

(મને પાનખરની બીક ન બતાવો…          …સાપુતારા, ૨૦૧૮)

*

તું આપી ગ્યો’તો એ ‘કદાચ’ની ઝીણી પછેડીને
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

તું ઠાંસી-ઠાંસીને ખાલીપો એવો દઈ ગયો છે કે,
હવે શ્વાસોય ભીતર સહેજ પણ પગરવ નથી કરતા,
અને તું ભીતરેથી સેલ પણ કાઢી ગયો કે શું?
હવે મારી ભીતર ઘડિયાળના કાંટા નથી ફરતા,

ને કરવાનુંય શું કાંટાઓને આગળ ધકેલીને?
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

કરે છે કોઈ કાનાફૂસી કે આપે છે કોઈ સાદ?
હવે સમજાય ક્યાં છે કે હું આઘે છું કે ઓરી છું?
હવે ભીતર કે બાહર ક્યાંય પણ મારો નથી વરસાદ,
વરસતા વાદળોની નીચે પણ હું સાવ કોરી છું,

રડી’તી ક્યારે છેલ્લું એય ક્યાં છે યાદ ઘેલીને?
હું ઓઢીને ઊભી છું યાદની ભીંતે અઢેલીને.

– વિવેક મનહર ટેલર

(ધુંઆ ધુંઆ સા હૈ શમા…         …સાપુતારા, ૨૦૧૮)

આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી

આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી,
રણ હવે થઈ ગ્યું છે જક્કી

આ રણ નથી, લાખો ને ક્રોડો ઇચ્છાઓના અશ્મિનો નાગો રઝળાટ છે,
દોડો દોડો ને હાથ આવે નહીં એવા ઝાંઝવાનો અંતહીન પથરાટ છે;
ને આટલું ઓછું હો એમ થોરિયાવ સાલા, પકડી પકડીને ભરે બક્કી…

રણ તો છે યુગયુગનું તરસ્યું, તું અનરાધાર વરસે ને તોય નહીં ભીંજે
પણ તારા એક રણદ્વીપની આશામાં ખાલીપો છોડી ન જાય ક્યાંય બીજે
રૂંવે રૂંવે ને ઢૂવે ઢૂવે પ્રતીક્ષા પણ રણ શું છે એટલુંય લક્કી ?

– વિવેક મનહર ટેલર
(૧૭-૨/૦૮-૦૩-૨૦૧૮)

 

ધસમસતું આવ્યું, જો! પૂર…

(આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૮-૧૦-૨૦૧૪)

*

ધસમસતું આવ્યું, જો! પૂર…
બારી ઊઘાડતાં જ સુગંધનું ત્સુનામી આવી ચડ્યું ભરપૂર-
બેઉ, રાતરાણી ને હું ચકચૂર!

પવનની પીઠ પર સુગંધ સવાર થઈ,
સુગંધ પર સંભારણાં હેતનાં;
આકંઠ બેહોશી એવી છવાઈ,
જાગી સદીઓથી સૂતેલી ચેતના,
વીતેલા દિવસોના અજવાળાં તાણી ગ્યાં અંધારાં ક્યાંય દૂરદૂર…
ધસમસતું આવ્યું, જો! પૂર…

આંખોથી ચાખી’તી, હોઠેથી સાંભળી’તી,
ઝાલી’તી મેં કે પછી શરમે?
રામ જાણે કયા કેલેન્ડરની વારતા પણ
લાગે જીવી હો કાલ-પરમે,
કિયા તે ભવની ઊઘડી ગઈ બારી તે એક થ્યાં પાછાં બે ઊર.
બેઉ જણ, રાણી ને હું ચકચૂર!

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૭)

સામાન્યરીતે રચના વિશે રચનાકાર કંઈ બોલે નહીં… એ કામ ભાવકનું… પણ કા રચના એક મિત્રને વંચાવી તો એણે કેટલાક પ્રશ્નો પૂછ્યા… જે જવાબ મેં આપ્યો એ અહીં મૂકવાની લાલચથી બચી ન શકાયું એટલે આ…

રાતના સમયે નાયક બારી ઊઘાડે છે એવામાં જ રાતરાણીનું સુગંધદળ બારીમાંથી ત્સુનામીના પૂરની જેમ ધસમસી આવે છે અને ઇંદ્રિયો તર કરી દે છે… જેમ સુગંધ પવનના સહારે આવી છે એમ જ સુગંધના સહારે અતીતના સંભારણાં પણ આવી ચડે છે. સુગંધની તીવ્રતાથી નાયક જાણે કે મદહોશ–લગભગ બેહોશ થઈ ગયો છે અને આ બેહોશી એવી છે જે સદીઓની સૂતી ચેતના જાગૃત કરી દે છે. વીતેલા દિવસોની આ યાદના અજવાળામાં રાતના અંધારાં દૂર દૂર તણાઈ ગયાં…

સ્મરણ અને સુગંધની તીવ્રતાના કારણે ઇન્દ્રિયવ્યત્યય થાય છે. હોઠનું કામ આંખે કર્યું હતું ને કાનનું કામ હોઠે કર્યું’તું, નાયકે નાયિકાને ઝાલી હતી કે નાયિકા શરમના હાથે ઝલાઈ હતી એય સ્પષ્ટ નથી. કયા જમાનાની વાત હતી એ તો ભગવાન જાણે પણ એવું જ લાગે છે જાણે કાલ-પરમમાં જ એ સહવાસની ઘટના ઘટી ન હોય! એક બારી ખૂલી એમાં તો બેય જણ ચકચૂર થઈ ગયાં…

પેન ઉપર બેઠી વસંત

કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત,
આખેઆખો કાગળ મલકંત.

માટી ને પાણીના તોડી સૌ રૂલ
મારી પેન ઉપર ખીલ્યાં છે ફૂલ;
તારી ઇચ્છાઓમાં એકાદું ટાંકુ તો
બોલ, તને છે એ કબૂલ?
સીધી છે વાત, નથી સ્ટંટ,
હું પ્રેમી છું, નથી કોઈ સંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

કાગળને સ્હેજસાજ ઊપડ્યું છે શૂળ,
તારા નામમાંથી ફૂટ્યાં છે મૂળ;
ઊતરી ગ્યાં મારાંમાં એટલા તો ડીપ
કે મારો ‘આઇ’ મારામાં ધૂળ,
જ્યાં જોઉં ત્યાં તુ હિ તુ દિસંત,
મને મારો જડે ન કોઈ તંત.
કાગળ પર જસ્ટ તારું નામ જ લખ્યું ત્યાં તો પેન ઉપર બેઠી વસંત…

– વિવેક મનહર ટેલર
(૧૪-૦૨-૨૦૧૮)

તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

(હેલો…. હેલો….                                                   …કૌસાની, ઉત્તરાખંડ, ૨૦-૦૫-૨૦૧૭)

*

હેલો! હેલો!
ધાર્મિક લાગણી દુભાઈ છે અમારી, તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

સૂરજને કેમ તમે સૂરજ કીધો ને વળી ચાંદાને કેમ કીધો ચાંદ?
કાણાને સાફસાફ કાણો કહીને તમે કર્યો છે સંગીન અપરાધ;
કૂવાના તળિયેથી ઊલેચી અંધારા ખુલ્લામાં શાને ધકેલો?
આવી આ જુર્રત ને બદતમીજીનો ફેલાઈ ગયો જો બધે રેલો?
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

ડાબે પગ મેલશો તો સેના અટકાવશે ને જમણે જો મેલશો તો ફતવા,
વાણી-સ્વાતંત્ર્યનાં ટિશ્યુ પેપર છે બસ, ઇચ્છાનાં આંસુઓ લૂછવા;
ચાહે એ કરવું એ કાનૂન છે જંગલનો, અહીંનો કાનૂન નથી સહેલો,
લોકના ચહેરા પર શાહી ઉછાળી છે, તૈયાર થાવ ખાવા હડસેલો.
તુમ તાબડતોબ સૉરી અબ કેહ લો!

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૭)

*

(સૂરજને કેમ તમે સૂરજ કીધો? ….                                          ….અંદમાન, ૦૩-૧૧-૨૦૧૩)

ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

(હરિતબુંદ….                               …બિન્સર, ઉત્તરાખંડ, ૨૦૧૭)

*

મૂળિયાં વાઢીને જીવવાનું ને વળી ફૂલ પણ માથે ખીલવવાનું,
ઝાડ! તને આવું આવ્યું છે કદી જીવવાનું?

હાથો કુહાડીનો કાયામાં રાખી તું મોટું થાય, સાચી એ વાત છે;
ફળો ભેટ દેવાને માટે તું મૌન રહી પથરા ખાય, સાચી એ વાત છે,
પણ જાતની જ આરી બનાવીને જાતને પોતાના હાથે જ કાપવાનું?
બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?

અંગારવાયુ પી પ્રાણવાયુ દેવાનું કામ, કહે લોક, ઘણું કપરું છે,
પણ અંગારા ખાઈનેય પ્રાણ પાથરવાથી વિશેષ, કહો, શું એ અઘરું છે?
હસતું મોં રાખીને સાવ લીલાં પાન સૌ એક પછી એક ખેરવવાનું,
હાય ! આ જીવવાનું કેમનું જીરવવાનું?
બોલ, કદી આવું આવ્યું છે તારે જીવવાનું?

-વિવેક મનહર ટેલર
(૨૩-૦૬-૨૦૧૫)


(ત્રિશૂલ….                       …બિન્સર, ૨૦૧૭)

નરી એકલતાથી હું મને આવરું

IMG_8881
(એકલું….                                …ઓફ આણંદ હાઇવે, 2016)

*

જંગલની વચ્ચોવચ ખીલ્યું છું એકલું, મને સમજી લ્યો છો ને અવાવરૂ,
નરી એકલતાથી હું મને આવરું.

એકલા જ આવવાનું, જવાનું એકલા જ,
એકલા રહેવામાં વળી શું ?
એકલા હોવાના ભાણામાં રોજરોજ
મને જ મને હું પીરસું,
વાયરોય હળવા અડપલાં જ્યાં આદરે, નમી જઈ જાતને હું છાવરું.
નરી એકલતાથી હું મને આવરું.

સાથે જો હોય કોઈ, સારું તો લાગે
એ વાત હુંય દિલથી સ્વીકારું;
હાથમાં લઈ હાથ કોઈ ચાલે સંગાથે
જીવતર તો લાગે હૂંફાળું,
પણ અધરસ્તે છોડી એ ચાલ્યું જો જાય તો જીવવું થાય કેવું આકરું!
નરી એકલતાથી હું મને આવરું.

– વિવેક મનહર ટેલર

*

IMG_8851
(જંગલની વચ્ચોવચ….               …ઓફ આણંદ હાઇવે, 2016)

તું આવે જો સાથે

IMG_2555
(હોવાને પેલે કાંઠે…            …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)

*

તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

પેલે કાંઠે રાહ તાકતી બેઠી દુનિયા આખી,
એકલતા સોંપી દઈ એને પરત આવીએ ભાગી;
ભાર આપણ બે સિવાયનો રહે ન આપણ માથે,
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

જીવતરની હોડીમાં મોટું કાણું એક કરીને
ડૂબી જઈએ, ચાલ, હોવાની નદીના તળિયે,
શ્વાસ બચ્યા જે થોડા, વીતે એ રીતે સંગાથે.
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૧-૨૦૧૬)

IMG_2443
(જીવતરની હોડી…            …બેકવૉટર્સ, અલેપ્પી, ૧૦-૧૨-૨૦૧૬)

ચલક ચલાણી

img_2579
(પાનખરનો વૈભવ.,….     …નિજાનંદ રિસૉર્ટ, આણંદ-બોરસદ હાઇ-વે, 2016)

*

ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી,
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?

સુબહ કા ભૂલા હુઆ યે સૂરજ
ફેર ઘેર સાંજે આવશે કે નહીં ?
ચિંતાની ચિતાએ પચ્છમના ચહેરે
પીળે અખ્ખર ચીતરી સહી.
વંધ્યા થઈ જાય જ્યાં સંધ્યાની કૂખ જ, કરેય શું પછી કોઈ સુયાણી ?
વાડ ચીભડાંની કરે ઉજાણી, તંઈ આખ્ખી વાડી ધૂળધાણી.
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

એક જ કાંઠો, કેટલી હોડી ?
થડ તો એક જ, કેટલી ડાળી ?
છેલ છોગાળા ! આડા દે આંક જે
એ આંગળી તો છે ઓશિયાળી.
એક જ અંતની ઉપર ચોડશો કેટકેટલી કહો, કહાણી ?
જે રાજાને ગમી તે રાણી કહી કેટલી પીડા પ્રમાણી ?
સંબંધ છે કે મુઠ્ઠીમાં પાણી ?
ચલક ચલાણી, ચલક ચલાણી,આ ઘેર ધાણી, પેલે ઘેર ધાણી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૫-૨૦૧૬)

*

img_9235

(સાથ-સાથ…….                                    ….તાપી, 2016)

હૈયાની વાત

 

IMG_7049

*

હોઠેથી કીધું, બસ કાને સંભળાય છે,
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે;
તારી આ વાત મને આજે સમજાય છે.

તારું બોલેલું મારા કાને અથડાય છે પણ સમજાતું કેમ નથી આજે ?
સૂરજ જાણે કે એનો રસ્તો ભૂલીને ફેર પૂરવ ન ચાલ્યો હો સાંજે ?
માડીવછોયું એક નાનકડું વાછરડું ધીમે-ધીમેથી કરાંજે –
એમ શબ્દો ને સમજણનાં સગપણ ડચકાય છે.
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

જીવતરના મઝધારે કૂદ્યો’તો હું તો બસ, એક જ ભરોસે કે તું છે !
પણ આજે આ રડતી બે આંખડીના આંસુ કોઈ પ્લાસ્ટિકના રૂમાલથી લૂંછે ?
ખોટી શેરીના નાકા પર આવીને ખોટું સરનામું કોઈ પૂછે,
એમ ઉપલકિયું’સૉરી’પણ ઉપલકથી જાય છે.
હૈયાની વાત સીધી હૈયામાં જાય છે.

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૧-૨૦૧૫)

એકસાથે જે ડાળે ઝૂલ્યાં

OLYMPUS DIGITAL CAMERA
(નિષ્પ્રાણ….                                           અંદમાન, નવે, ૨૦૧૩)

*

એક સાથે જે ડાળ ઝૂલ્યાં એ આખેઆખું ઝાડ જ ગુમ ?
છતાંયે ઊઠી ન એકે બૂમ ?!

એક સાથે જ્યાં કોડીઓના ખિસ્સામાં સપનાં ભર્યાં’તાં,
લખોટીઓના ઢાળે બેસી ભેરુતાના પાઠ ભણ્યા’તા;
સંતાકૂકડી, ચલક ચલાણું, લંગડી, ખો-ખો, ઘર-ઘર, ઢગલી,
એક સાથે લઈ હાથ હાથમાં ભરી આપણે પા પા પગલી,
એ પાદર, એ વડલો, કૂવો આજ કેમ મારી ગ્યાં સૂમ ?
ગયું ક્યાં ગામ દબાવી દૂમ ?

એક સાથેનું ઘણું બધું બદલાઈ ગયું છે, હવે તો વહાલી,
હું મારા રસ્તે ચાલ્યો ને જ્યાં તું તારા રસ્તે ચાલી;
ઊંધા માથે પટકાયા છે જીવતરના સઘળા સરવાળા,
એક તણખલું, એક-એક કરતાં ગયા ઉઝડતા સઘળા માળા,
“આપણ”ના અમિયલ અભરખા થઈ ગયા અંતે ‘હમ-તુમ’,
હવે બસ, એકલતાને ચૂમ.

– વિવેક મનહર ટેલર
(૨૪-૧૧-૨૦૧૫)

*

OLYMPUS DIGITAL CAMERA
(સ્થિતિ….                                          …અંદમાન, નવે, ૨૦૧૩)

આ વેળા…

IMG_9896
(આ વેળા….                                      ….ભરતપુર, 2013)

*

સદીઓથી આ છાતીમાં અટકી રહેલા પ્રગાઢ ઉન્મત્ત આલિંગનનું શું કરવું તે યાદ કરીને કહેજે આ વેળા તું,
કે હજી પણ રહીશું એમ જ આઘું ?

યુગોયુગોથી ખાલી ખખડતી રેતી જેવી નદી થઈને કોરા આ આકાશની નીચે આમ સતત ઝૂરવાનું ક્યાં લગ ફાવે ?
ગાભ વિનાના કોરાકોરા આભની કોરીકોરી આંખોમાં પણ એકદા એકાદું યે નાનું-મોટું કોઈ સપનું તો આવે;
આઠ પ્રહર ને બારે મહિના ડેરા તંબુ નાંખીને પથરાઈ રહેલી વૈશાખી ધખધખતી ધાખે તડ પડે તો સારું,
કદીક તો ડોકિયું કરે ચોમાસુ.

એક અંતરો પૂરો થઈ અધવચ્ચે અટ્ક્યા ગીતના જેવો જલદ મૂંઝારો છાતીના અંધિયાર કૂવામાં ડચ્ ડચ્ ડચ્ ડચૂરાતો,
સૂર્યકિરણથી લીલના ગાઢા લીસ્સા બંધિયારપણાના અતળ અકળ સૌ પડળ વીંધીને જળનો ગાલ ન પંપાળાતો,
એમ જ સંજોગના કડિયાને સમયની ઇંટ ઉપર ઇંટ ચણવા દઈને એક-એક ભીંત ભીંત કરતાં શહેર વચ્ચે ચણાઈ ગ્યું આખું,
તું જ કહી દે મારે શું કરવાનું ?

સદીઓથી આ છાતીમાં અટકી રહેલા પ્રગાઢ ઉન્મત્ત આલિંગનનું શું કરવું તે યાદ કરીને કહેજે આ વેળા તું,
કે હજી પણ રહીશું એમ જ આઘું ?

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૬)

*

V1
(આ જાઓ, તડપતે હૈં અરમાઁ….                          ….સાપુતારા)

તું ‘તરસ’ લખ છાતીમાં ને…

Female Cuckoo by Vivek Tailor
(ટહુકાને તરસ વગડાની….          ….કોકિલા, પુષ્કર, રાજસ્થાન, ૨૦૧૪)

*

તું ‘તરસ’ લખ છાતીમાં ને હું ત્યાં લખું ‘છિપાવું’,
થોડો તારી નજદીક આવું.

ધોળે દહાડે પાંપણના કાગળ પર તું લખ ‘સપનું’,
સાત રંગનો સૂરજ હું ના લાવું તો શા ખપનું ?
રંગ-રંગની ઘટનાથી તારું હોવું પ્રગટાવું,
હું લગરિક નજદીક આવું.

શબ્દોના લિસોટા વચ્ચે ‘મૌન’ લખી દે થોડું,
ગલી-ગલી ગૂંદીને હું ત્યાં જઈ એક ચુંબન ચોડું.
સદીઓ લાંબા ઈંતજાર પર ‘આલિંગન’ લખાવું.
એમ તને હું નજદીક લાવું.

– વિવેક મનહર ટેલર
(૨૯-૧૦-૨૦૧૫)

*

beggar by Vivek Tailor

(અલખની પ્યાસ….                         ….પુષ્કર, રાજસ્થાન, ૨૦૧૪)

મને ફરીથી હસતી કર

a_rituparna sen
(હસતી કર….      …રિતુપર્ણોસેન ગુપ્તા, કોલકત્તા, ૨૦૧૫)

*

હું મારામાં ઉજડી ગઈ છું, મને મારામાં વસતી કર,
મને ફરીથી હસતી કર.

મારી આજ સાવ તૂટી ચૂકી છે ગઈકાલના ભારણથી,
વધુ નથી બચ્યું કારણમાં, એક બિસ્માર તારણથી;
ઝેરમાં જાતે મરવા પડ્યું છે, કેમ બચાશે મારણથી ?
ભીંતની જેમ જ નથી ખુલાતું શક્યતાના બારણથી,
તું જ કહી દે આંસુઓને, ચાલ, અહીંથી વસ્તી કર.
મને ફરીથી હસતી કર.

તૂટ્યું ફરી સંધાશે પાછું ? જીવ્યું ફરી જીવાશે પાછું ?
ભારઝલ્લી આ આજથી ક્યારેક હળવાફૂલ બનાશે પાછું ?
એ નાદાન, હસીન જીવનના વળાંક ભેગા થવાશે પાછું ?
‘હું’ ને ‘તું’ ના ટુકડાઓથી ‘આપણ’ ફરી રચાશે પાછું?
તારામાં જ વહી/અટકી છું, તું જ ફરી ધસમસતી કર.
મને ફરીથી હસતી કર.

– વિવેક મનહર ટેલર
(૧૯-૦૫-૨૦૧૫)

*

a_tree
(વેરાન….                                              ….રાજસ્થાન, ૨૦૧૪)

આલિંગન : ૦૨

ko khabhe

*

વાત-બાત, હાથ-બાથ છોડ મારા બાલમા, સીધેસીધું આલિંગન આપ,
આમ અંતરથી અંતર ન માપ.

ખાલી કશકોલ જેવા વરસોના ઓછાયા મારામાં સૌને દેખાય,
આવીને હૈયે તું ચાંપે તો સાગના આ સોટાનું વાંસવન થાય;
તંગ કમખાના દિવસો ભરાય,
ચંદ પગલાંની વાટમાં રસ્તાએ ક્યાં લગી વેઠવાના શલ્યાના શાપ ?
આમ અંતરથી અંતર ન માપ, સીધેસીધું જ તું આલિંગન આપ.

કાંઠાઓ તોડીને ધરણી ધમરોળવા દરિયા છે મારા તૈયાર,
‘કેમ છો’ની હોડીઓ તરતી મેલીને શાને તું મૂંઝવે મઝધાર ?
વેઠી વેઠાય નહીં વાર,
આતમના ઓરડિયે ‘તું હિ તું’ ‘તું હિ તું’; ‘તું હિ તું’ એક જ છે જાપ.
આ અંતર તું અંતરથી કાપ, ચાલ, સીધ્ધું જ આલિંગન આપ.

– વિવેક મનહર ટેલર
(૨૭-૨૮/૦૭/૨૦૧૫)

(કશકોલ = ભિક્ષાપાત્ર)

*

aalingan 02

આલિંગન : ૦૧

IMG_3480b
(કશ્મકશ……                     ……કાન્હા નેશનલ ફૉરેસ્ટ, 2015)

*

મેલ મૂઆ ઢંઢેરા પીટવાનું પ્રીતના, આવ મુંને બથ્થ મહીં ઝાલ,
આખા ગામમાં શું મચવે ધમાલ ?

ફાગણમાં સે’જ તેં રંગી’તી ઈમાં તો ઝમકુડી જીવ લે છ, બોલ,
રસિયો નખ્ખોદિયો પાદર બેહીને મારી ચામડીનો બજવે કાં ઢોલ?
મારી ઓસરિયું સીમમાં ન ખોલ.
ભીંતનેય કાન નહીં જાય ગીત ઢોલિયાના, ઈ જ તો સે હાચી કમાલ.
ગામ આખામાં કરતો ધમાલ ? ઝટ આવ મુંને બથ્થ મહીં ઝાલ

મનડામાં મોતી જો વીંધાણું હોત તો તું વીજળીના ચમકારે પ્રોત,
દખના કે વખના કટોરાં જે દેત તું એ હરખેથી માંડત હું હોઠ,
ક્યાંક છાનું મળાય ઈમ ગોત
ઢેફાને તરબોળી નાખે , દેખાય નંઈ; પાણી જ્યમ કરવાનું વહાલ,
ગામ આખામાં કર મા ધમાલ, આવ ઓરો ને બથ્થ મહીં ઝાલ!

– વિવેક મનહર ટેલર
(૨૬-૨૮/૦૭/૨૦૧૫)

*

aalingan 01

હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

Lady by Vivek Tailor
(આ જીવતરના બોજાને…..              ….અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

*

આ ફોટોગ્રાફ ફેસબુક પર મૂક્યો હતો ત્યારે બે પંક્તિ લખી હતી. વૉટ્સએપ પર આ ફોટો મિત્રો સાથે ‘શેર’ કર્યો ત્યારે ભૂલી જવાયેલ એ બે પંક્તિઓ ધ્યાનમાં આવી અને આ ગીત લખાયું…

*

આ ડાંગર તો પળભરમાં ફાવે ત્યાં પટકું,
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

ચોમાસે ઘાસ એમ કૈં કૈં કૈં ઇચ્છાઓ બારમાસી ફૂલે ને ફાલે,
સપનાં જરાક નથી ઊગ્યા આજે કે માંહે બળદ ઘૂસ્યા નથી કાલે,
એકાદા ખણખણતા ડૂંડાને કાજ બોલ, કેટકેટલા ખેતરવા ભટકું ?
પોરો ખાવો છ મારે બટકું.
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

‘કંઈ નહીં’ની ભીંત ઉપર ઓકળીની જેમ બસ, લીંપાતો જાય જન્મારો,
‘ક્યાંય નહીં’ના છાણાંમાં ધુમાતી જાતને ચૂલો જ દિયે છ આવકારો.
કણકણ ઓગાળ્યા તોય જિંદગીની આંખ્યુંમાં શાને કણાં જેમ ખટકું ?
ક્યારેક ને ક્યાંક તો અટકું !
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૫)

*

Farm by Vivek Tailor
(શમણાંના ખેતર….                               …અરુણાચલ પ્રદેશ, ૨૦૧૦)

તું લાખ બચાવ તારી ચોળી

IMG_8654

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનાને પૂછ્યું મેં પાંપણ પછીતેથી
કઈ રીતે આ’યું તું આગળ ?
સાજન ગિયો છ મારો આઘે મલક,
નથ કોઈ એનો ફોન, નથ કાગળ.
હોળીના નામના કાં લે છે બલૈયા ? હું વાખી ન દઉં બારી મોરી ?
એકલી દીઠી ન જરી છોરી, તે કરવાને મંડ્યું તું આમ જોરાજોરી ?
ઓ રી !
ભલે લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનું કહે કે અલી ! સાજનના નામનો જ
રંગ હું લા’યું છું, જરા જો તો !
પાંપણની પાળ અને આંસુની વાડ ઠેકી
આવ્યો છે ઘરમાં ગલગોટો,
ફાગુનનો ફાગ ! ઠેઠ ભીતર છે આગ ! હવે રાખવી શી મારાથી ચોરી ?
આઘી જશે કે આવે ઓરી, તું ક્યમ અને ક્યાં લગ રે’વાની કોરી ?
ઓ રી !
છો લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૩-૨૦૧૫)

IMG_0939

યસ ! આઇ કેન !

Boat by Vivek Tailor
(માર હલેસાં માર, ખલાસી….                       ….નામેરી, આસામ, ૨૦૧૦)

*

નથી દિશા કે મંઝિલ-રસ્તો, હોય તો એની ખબર નથી,
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

ભર મઝધારે કયા ભરોસે જાત મેં ખુલ્લમખુલ્લી છોડી ?
હોડીને તો એક જ કાંઠો, કાંઠાને ક્યાં એક જ હોડી ?
દરિયો પાછો કેવો જડિયો ?! એક્કે લહેરો સજળ નથી.
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

લખચોરાસીના વન-વે પર પૂરપાટ છે મારી વેન;
જનમ-જનમના મીલના પથ્થર ! સાંભળતા જાઓ : યસ ! આઇ કેન !
કાલ ઊઠીને ફ્રી-વે થાશે, આજ ભલે ને સગડ નથી.
હું જેના પર મરી મીટી છું એને એની કદર નથી.

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૧-૨૦૧૫)

*

P5167244
(વન-વે….                                               ….કેલિફૉર્નિઆ, ૨૦૧૧)

આ તે શો જાદુ ?!

trees by Vivek Tailor
(મારી સામે હું…..         …સાન્તા ક્રુઝ, કેલિફોર્નિઆ, ૨૦૧૧)

*

નથી અરીસો સામે તો પણ મારી સામે હું,
આ તે શો જાદુ ?!

હાથ મિલાવી બોલ્યો, “પ્યારે ! તું મને ‘હું’ ગણ,
શાને થઈ ગ્યો સ્તબ્ધ ? મટકાવી તો લે પાંપણ !”
– હું શું બોલું ? હવા-હવા થઈ ગઈ મારી સમજણ,
મારી સાથે કેવી રીતે બાંધું હું સગપણ ?
આજ અચાનક ‘હું’ મને ખુદ થઈ ગયો રૂ-બ-રૂ.
આ તે શો જાદુ ?!

ભૂલી પડેલી સમજણ અંતે આવી ફરી મુકામે-
મૃગજળમાં તરનારા ક્યાંથી કિનારાને પામે ?
ચૂકી જવાયેલ તકના ખાલી રસ્તાઓની સામે,
હું મને જડ્યો છું મારા પોતાના સરનામે.
જાત સુધીની જાતરા થઈ ગઈ, આખી દુનિયા છૂ !
આ તે શો જાદુ ?!

– વિવેક મનહર ટેલર
(૩૧/૦૭ – ૨૩/૦૮/૨૦૧૪)

*

jelly fish by Vivek Tailor
(નથી અરીસો સામે તો પણ….                              ….શિકાગો, ૨૦૧૧)

કેવી પ્રીત ને કેવી રીસ !

lotus by Vivek Tailor
(ત્રીજું લોચન….                                          …શબરીધામ, ૨૦૦૯)

*

દૂર તો કેવા સદીઓ દૂર ને પાસ તો કેવા ભીંસોભીંસ,
આ કેવી પ્રીત ને કેવી રીસ !

એક નવી કોઈ ટ્રેન જ્યાં આવી, આપણી વચ્ચે ફાટક બંધ,
એક સાંજના ઓળા ઊતરે, પોયણીઓના ત્રાટક બંધ;
એક વીતી ક્ષણ ફરી પ્રવેશતાં અધવચ્ચેથી નાટક બંધ,
પણ ‘બંધ’ સ્કંધ પર બે જ ઘડી પણ વધુ રહે તો નીકળે ચીસ.
આ કેવી પ્રીત ને કેવી રીસ !

કેમ માંડવું સંબંધોમાં તડકા ને છાયાનું ગણિત ?
સાથમાં જુદા, જુદા:સાથે એવી થઈ જીવનની રીત;
ક્યારેક એક જ ઇંટ નડે, ક્યારેક નડે ન આખી ભીંત,
આમ ને આમ જ વીસ ગયાં, શું આમ ને આમ જ જાશે ત્રીસ ?
આ કેવી પ્રીત ને કેવી રીસ !

– વિવેક મનહર ટેલર
(૨૫-૦૭-૨૦૧૪)

 *

shades by Vivek Tailor
(ધૂપ-છાંવ….                                                 …અંદમાન, ૨૦૧૩)

હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

tree by Vivek Tailor
(મને પાનખરની બીક ન બતાવો….         …પહલગામ, કાશ્મીર, મે, ૨૦૧૪)

*

ક્યારેક તો એવુંય થાય કે કવિનેય કવિતા લખવાનો સામાન ખૂટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

જાણ છે મને કે મારા ગીત અને ગઝલો છે તારા રૂદિયે વસ્યા પ્રાણ,
તારી નિત નિત નવી રચનાની માંગથી યે હું નથી લગરિક અણજાણ;
બોલે છે કો’ક જ્યાં હું કાગળ-પેન પકડું છું – वो ही धनुष, वो ही बाण,
તાણી જાય વાયરો ગોરંભો એમ કોઈ મારા લખવાના ઓધાન લૂંટે,
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

કોરા કાગળ જેવા ખુલ્લા પગ લઈને હું શોધું સબદ નામે જણ,
સમદર-આકાશ-ધરા ખૂંદી કાઢ્યા, નથી બચ્યો એકે ત્રિભુવનનો કણ,
પણ રસ્તામાં ક્યાંય નથી કાંટા કે કાંકરા, કેમ કરી પડશે આંટણ ?
અલખ અ-લખ કહી બેઠો છે ને તું હું લખલૂંટ લખું એ અરમાન ગૂંથે ?
હું ઝાડ નથી કે રોજ પાન ફૂટે !

– વિવેક મનહર ટેલર
(૨૦-૦૬-૨૦૧૪)

*

tree by Vivek Tailor

(થ્રી ઇડિયટ્સ….       …પહલગામ, કાશ્મીર, મે, ૨૦૧૪)

કદી મોસમ થઈ આવ, કદી માવઠું…

wait by Vivek Tailor
(પ્રતીક્ષાના રંગ…..                                   ….અંદમાન, નવે, ૨૦૧૩)

*

વરસોવરસ બસ, રાહ વરસાવવાનું કામ તને કેમ કરી ફાવતું ?
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
આ જિંદગીમાં એકવાર આવ તું.

છપ્પનિયા જેવી આ છાતી જો, ફાટી પડી, ચાસ-ચાસ બન્યા છે ચીલા,
નજર્યુંની કેડીઓ વગડો થઈ નજરાણી, બાવળિયા ફાલ્યા હઠીલા,
આરતના ઓરડામાં બાવાંઓ ઠોકે છે વહી જતાં વરસોના ખીલા,
સૂક્કી પ્રતીક્ષાની કોરીકટ નદીયું પર બંધ કોણ આળા બંધાવતું?
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
બસ, એકવાર જિંદગીમાં આવ તું.

સૂરજમુખી થઈને દિવસો ન ખીલતા, ન મહોરે થઈ રાત રાતરાણી,
મારા આ હોવાના કણકણ ચૂંથીને કરે ક્ષણક્ષણના ગીધડાં ઉજાણી,
પાણીવછોઈ આંખ દેખીને મૃગજળિયાં ભરરણ વચાળ પાણીપાણી,
આવું આવું કરવાનો ગોરંભો મેલીને ઓણસાલ જાત વરસાવ તું.
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
તું આવ, આવ, આવ, બસ, આવ તું.

– વિવેક મનહર ટેલર
(૨૧/૨૨-૦૧-૨૦૧૪)

*

andaman by Vivek Tailor
(રસ્તા મોસમના…..                                  ….અંદમાન, નવે, ૨૦૧૩)

સહેવાસના સંગીતને સાંભળ

storks by Vivek Tailor
(સંગાથની સૂરતાલની છમ-છમ……            …પેઇન્ટેડ સ્ટૉર્ક, થોળ, ૨૦૧૪)

*

બી.એ.ની પરીક્ષાના કારણે ફરી એકવાર એક નાનકડું વેકેશન લેવું પડ્યું… ખેર, પરીક્ષા હવે પતી ગઈ છે અને સારી પણ ગઈ છે… ફરી નિયમિત મળવાની શરૂઆત કરીએ?

*

શબ્દોના પડઘમને મેલીને પાછળ, કર મૌન તણી સરગમને આગળ,
તું સહેવાસના સંગીતને સાંભળ.

મટકુંય ન લાગે એમ આંખોમાં આંખ પ્રોવી
બેસીએ થઈ બંને કિનારા;
આરા ન આવે એ તારામૈત્રકના
પનારામાં બાંધ છૂટકારા,
સદીઓની સદીઓ છો દુનિયા વહ્યા કરતી વચ્ચેથી એકધારી ખળખળ.
તું સહેવાસના સંગીતને સાંભળ.

એક-એક શ્વાસ મારા માંડીને બેઠા છે
તારે રૂંવે-રૂંવે મહેફિલ;
અડવાનાં મંચ ઉપર અક્કેકા રક્તકણ
તાક્ તાક્ ધિન, ધક્ ધક્ ધક્ દિલ,
સંગાથની છમછમના સૂર-તાલ કેમ કરી બાંધી શકે ભાષાની સાંકળ ?
બસ, સહેવાસના સંગીતને સાંભળ.

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૧-૨૦૧૪)

 *

Meerkuts by Vivek Tailor
(સહેવાસનું સંગીત…..                          …..? મીરકત, લદાખ, ૨૦૧૩)

તું પાંચ મિનિટ બેસીને વાત કર…

yellow feet green pigeon
(બેસીને વાત કર…    …yellow feet green pigeons, ભરતપુર, 15-02-2014)

*

ખુદ મને જ મારી સાક્ષાત્ કર,
તું પાંચ મિનિટ બેસીને વાત કર.

કંદોરે બાંધી તેં ઘર પહેરાવ્યું છે
પચ્ચીસ્સો સ્ક્વેર ફૂટ પહોળું;
અક્કેકાં પગલાંના અક્કેકા બોલ ઝીલે
રાત-દિવસ ભીંતોનું ટોળું,
ખાલીપો ખોંખારે, રાજીપો થાય – એ હાલ જરા તુંય આતમસાત કર.
તું પાંચ મિનિટ બેસીને વાત કર.

મોઘમ ઇશારા ને મૂંગી પ્રતીક્ષાના
ક્યાં સુધી ગાવાનાં ગાણાં ?
લાખ તારા ઇમ્પૉર્ટન્ટ કામોની યાદીમાં,
બોલ, અમે ક્યાંયે સમાણા ?
આયખાની ચાદરમાં એક-બે કરચલી દે, કોરેકોરી ન બાકાત કર.
બસ, પાંચ મિનિટ બેસીને વાત કર.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૪)

*

herons
(જરા સખણો બેસ, બે ઘડી……       ગ્રે હેરોન, ભરતપુર, 15-02-2014)

જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે !

natural mirror by Vivek Tailor
(ડિસ્ટન્સ…..     ….કુદરતી અરીસો, રાધાનગર બીચ, અંડમાન, નવે-૨૦૧૩)

*

મારી આંખોની પાર નથી એક્કે કવિતા, મારી આંખોમાં આંખ તું પરોવ મા,
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

આંખોમાં આંખ અને હાથોમાં હાથ હવે લાગે છે થોડું આઉટડેટેડ,
વ્હૉટ્સએપ ને ફેસબુક છે લેટેસ્ટ ફેશન, બેબી ! એનાથી રહીયે કનેક્ટેડ.
વાઇબર કે સ્કાયપી પર મેસેજ કરીને નેક્સ્ટ મિટિંગ રાખીશું આજકાલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

ડેઇલી મૉર્નિંગમાં હું સ્માઇલી મોકલાવીશ, તું બદલામાં કિસ મોકલાવજે,
‘લાસ્ટ સીન’ સ્ટેટસમાં અંચઈ નહીં કરવાની, એટલી ઑનેસ્ટી તું રાખજે.
તારી એક્કેક ટ્વિટ ફોલૉ કરું છું હુંય, એક-એક પિરિયડના દરમિયાનમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

કાગળ-પેન લઈ હું લખતો નથી કે આ છે કમ્પ્યૂટર-મોબાઇલનો યુગ,
ફૂલ અને ઝાકળ ને સાગર-શશી ને આ કવિતા-ફવિતા, માય ફૂટ !
સાથે રહી લઈશ પણ એક જ કન્ડિશન- તું તારા, હું મારા મોબાઇલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૩)

 

ખુશબૂને કેમ કરી મોકલું ?

flower by vivek tailor
(ખુશબૂનો ફોટો…..                                       …ઘર-આંગણાની મહેંક)

*

ફોટો પાડીને ફૂલ મોકલી શકાય પણ ખુશબૂને કેમ કરી મોકલું ?
વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

ભીતરના કાશ ! ચાસ પાડી શકાય તો તો
મબલખ હું પાક લહેરાવું;
અક્કેકા ડૂંડાના અક્કેકા દાણામાં
અક્કેકુ ખેતર ઊગાડું.
શબ્દો તો શક્ય, પણ ઊર્મિના કોશને ચલાવવાનું કામ નર્યું સોણલું.
વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

લાકડીને ઠોકીને કાન જરા માંડીને
દાખવીએ લગરીક યકીન;
ભીતરમાં કેટલો ભંડારો ભર્યો છે-
કહેવાને આતુર જમીન
પાણી કળાય એમ લાગણી કળાય નહીં એવું જીવતર સાવ ખોખલું.
વાત માંહ્યલાની કરવાનું દોહ્યલું.

-વિવેક મનહર ટેલર
(૧૬-૦૧-૨૦૧૪)

*

Thol by Vivek Tailor
(પાણીકળો….  ….થોળ, અમદાવાદ, જાન્યુ. ૨૦૧૪)

અત્તર જેવાં સત્તર વરસો…

Vivek and Vaishali
(લગ્નજીવનની સત્તરમી વર્ષગાંઠે…..                        ….૨૬-૦૧-૨૦૧૪)

*

attar-sattar

છવ્વીસમી જાન્યુઆરી… આમ તો પ્રજાસત્તાક દિવસ ગણાય પણ અમારા માટે તો આ દિવસ ‘હું’સત્તાક અને ‘તું’સત્તાકમાંથી ‘અમે’સત્તાક બન્યાનો દિવસ…લગ્નજીવનની સત્તરમી વસંત પર એક ગીત એના માટે અને આપ સહુ માટે પણ…

*

અવ્વાવરૂ ખંડેરની ઝીણી-ઝીણી જાળીમાં સૂરજ જેમ હળવેથી પેસે,
બસ, મારામાં એમ તું પ્રવેશે.

સાંજનો અરીસો ક્યાંક તૂટી ન જાય એમ હળું હળું પગ મેલે વાયરો,
સરવરની વચ્ચોવચ પોયણીઓ ચાંદાની સાથે માંડે છે મુશાયરો,
બીડાતી પોયણીમાં પેસીને ભમરો જેમ એક-બે કવિતાઓ કહેશે…
હળવેથી એમ તું પ્રવેશે.

ભાનની અગાશીને ઠેલીને એક દિવસ આવ્યું’તું થોડું અજવાળું,
ભાળું છું તું જ તું ચોગરદમ, બોલ, હવે કોને નિહાળું, કોને ટાળું ?
શબ્દોમાં જેમ મૌન, મારામાં એમ ઠેઠ છેવટ લગી શું તું રહેશે?
ઇચ્છું કે એમ તું પ્રવેશે.

-વિવેક મનહર ટેલર
(૨૫-૦૧-૨૦૧૪)

*

Vaishali and Vivek tailor
(મારામાં એમ તું પ્રવેશે…..                                  …..૨૬-૦૧-૨૦૧૪)

નૉસ્ટાલ્જિઆ

shanti stup by Vivek Tailor
(યાદોનું અજવાળું….                              ….શાંતિ સ્તૂપ, લેહ, ૨૦૧૩)

*

વીતી ક્ષણોએ ફરી ઘેર્યો છે આજ,
આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

વીતેલી જિંદગીના ઓરડામાં ઘુસતાં જ અજવાળું, અજવાળું, અજવાળું;
જંગલમાં જંગલમાં જંગલમાં જંગલ, હું કોને ભાળું ને કોને ટાળું ?
ને તોય એક એક સ્મરણોને મળતાં જ થાય – મારા જીવતરનો સરવાળો આ જ.
આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

અલમારી, અભરાઈઓ, ગોખલા ફંફોસતા જ આવી ઊભો એક જણ;
આંખમાં જોઈ બોલ્યો એ : “તારું ખોવાયલું સરનામું મને તું ગણ”
કમરાને તાળું દઈ ચાવી ફેંકી દઉં ત્યાં આજે દઈ દીધો અવાજ.
આ નૉસ્ટાલ્જિઆનો છે કોઈ ઇલાજ ?

– વિવેક મનહર ટેલર
(૧૬-૧૦-૨૦૧૩)

*

lamps by Vivek Tailor
(અંદર તો એવું અજવાળું, અજવાળું…                 …લેહ મોનાસ્ટેરી, ૨૦૧૩)

મને પડ્યો નથી કંઈ ફરક

tree by Vivek Tailor
(સલૂણુ એકાંત….    ….નામેરી, અરુણાચલ પ્રદેશ, નવે-૨૦૧૦)

* * *

થોડા દિવસો પહેલાં આપણે “ને હા, તું જો આવે તો” એમ કહીને પહેલી મુલાકાતે આવનાર સ્ત્રી માટેના પુરુષના મનોભાવ આકારતું એક ગીત માણ્યું… પહેલી મુલાકાત પૂરી થઈ ગઈ… હવે? સ્ત્રીને જાણવાની ઉત્કંઠા હોય ને કે હવે પુરુષ એના વિશે શું વિચારતો હશે? તો લ્યો… આ રહ્યું પહેલી મુલાકાત પછીના પ્રતિભાવોનું આ ગીત… એ જ ચાલમાં “ને હા”ના ઉઠાવવાળું આ ગીત કેવું લાગ્યું એ જણાવશો?

* * *

ને હા તું તો આવીને ચાલીય ગઈ, અહીંયા પડ્યો નથી કંઈ ફરક,
લગરક બદલાઈ નથી મારી આ દુનિયા, હું મસ્તરામ ખુદમાં ગરક.

ને હા હું મળીશ તો આમ અને તેમ
એમ મનસૂબા કંઈ કંઈ તેં બાંધ્યા;
યુગયુગથી ધીખેલા સહરાની આંખે જાણે
વરસાદી શમણાંઓ આંજ્યા,
આવું આવું કરતા આ ઝાંઝવા હડસેલી તું બોલી’તી, બાજુ સરક !
પણ મને પડ્યો નથી કંઈ ફરક.

ને હા જેમ ઇંતેજારી અદના એક આદમીની
એમ મારો અદનો હરખ;
મોસમને પકડીને બેસી રહેવાય નહીં,
શ્વાસ લીધો દેવો પરત,
ને તોય તારું ગીત જ્યાં પેન લઈ માંડ્યું ત્યાં કાગળ તો મરક મરક.
શું મને પડ્યો નથી કંઈ ફરક ?

– વિવેક મનહર ટેલર
(૦૧-૦૨/૧૦/૨૦૧૩)

*

rhino by Vivek Tailor
(વ્યાખ્યાયિત વિશાળતા….                ….કાઝીરંગા, આસામ, નવે-૨૦૧૦)

ને હા, તું જો આવે તો…

Vaishali by Vivek Tailor
(ઊંબરે ઊભી સાંભળું રે બોલ સાજનના….          …પુષ્કર, રાજસ્થાન)

*

ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ,
રૂનો અવતાર લઈ ઊભો છું દ્વાર થઈ, કાગળ તણી છે બારસાખ.

ને હા, નથી બોર એકે ચાખેલા મારી કને,
નથી કો વીંટી ખોવાયલી;
એકે કટોરો નથી પીધું મેં ઝેર,
નથી વાટ થઈ આંખ પથરાયલી,
અદના એક આદમીની અદની પ્રતીક્ષા છે, લગરિક વિશેષ નથી સાખ.
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.

ને હા, નથી લાગણીના ખળખળતા ઝરણાં
જ્યાં આલિંગનોની તરે હોડી;
હાથમાં લઈ હાથ જરા મલકી લેશું ને
પછી આંખ પ્રોશું આંખડીમાં થોડી,
સપનાંના અંગારા વાસ્તવની દુનિયાને જો જે કરે ન ક્યાંક ખાખ.
ને હા, તું જો આવે તો એટલું જ કહેવાનું, જો જે છલકાય નહીં આંખ.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૧૩)

*

Nubra Valley by Vivek Tailor
(લીલી પ્રતીક્ષા….                            …હુદસર, નુબ્રા વેલી, લદાખ)

એવો વરસાદ થઈ આવ…

Nubra Valley desert by Vivek Tailor
(એક અને અનંત……           ….હુડસર, નુબ્રા વેલી, લદાખ, ૨૦૧૩)

*

ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ,
ના સપનું, ના યાદ થઈ આવ.

sms, ફેસબુક ને વ્હૉટ્સએપના લટકણિયા
ક્યાં સુધી લઈ-લઈને ચાલું ?
યુગ-યુગનું પ્યાસુ મન વર્ચ્યુઅલ પાણીથી
ભીંજ્વ્યું ભીંજાય નહીં, સાલું !
આંખોના કૂવામાં અંતહીન ઘુમરાતો સાચુકલો સાદ થઈ આવ.
ઠે…ઠ ભીતરનો નાદ થઈ આવ…

પાનાં કેલેન્ડરનાં, કાંટા ઘડિયાળના-
પ્રેમ છે કે પ્રેમની વિભાવના?
જાગું તો યાદ અને ઊંઘું તો ખ્વાબ
ઝાંઝવાં ને તેય પાછાં માપનાં?
એક-એક અજંપાને શામી દે-સાંધી દે એવો સમ્-વાદ થઈ આવ.
નકરો અપવાદ થઈ આવ.

મળવું તો બસ, મારે મળવું છે એમ
જેમ કાંઠા ધમરોળે ત્સુનામી,
કાયા આ કાયામાં ઓગાળી દેવી છે
જે ઘડી આવે તું સામી,
આકંઠ પ્રતીક્ષાની ઓ’ કાંઠે નર્તંતા જિન્સી ઉન્માદ થઈ આવ.
તું ‘તું’માંથી બાદ થઈ આવ…

(૦૨/૦૩-૦૮-૨૦૧૩)

*

sunset colours by Vivek
(સમીસાંજનો ગોરંભો…                                    …દુબઈ, ૨૦૧૨)

મારામાં જીવે યયાતિ !

Monk by Vivek
(કાળની કેડીએ કંડારાયેલું શિલ્પ…    ….લેહ, જુન-૨૦૧૩)

*

વીતતા આ વરસોના પોટલાં ઉપાડી મારે કરવા નથી કંઈ ઢસરડા,
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

વીત્યાનો ભાર નથી, આવનારા વર્ષ !
તું આટલું જાણી લે ભલીભાંતિ;
રંગો-પ્રસાધન પર જીવતો નથી ને તોય
મારામાં જીવે યયાતિ !
રોમ-રોમ હર્ષંતા હણહણતા હય અને કાળ ! તને સૂઝે ગતકડાં ?
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

આમ-તેમ ભાગ્યા છે તોડીને દોરડાં
આ ખોરડાના પાંચેય ઓરડા;
થાળીમાં બત્રીસું પકવાન હોય તોય
કરવા પડશે શું નકોરડા?
અકબંધ આ ટહુકાના અંગ-અંગ ઉપર પાડે છે કોણ આ ઉઝરડા ?
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

शिशिरवसंतौ पुनरायात:
काल: क्रीडति गच्छत्यायु;
પણ મન મારા ! બોલ જરા તું-
લગરિક ઘરડા તુજથી થવાયું ?
ઘડિયાળના આંક સમ સ્થિર છું ને રહેવાનો, કાંટા બને છો ભમરડા.
ઘડપણને કહી દો કે ઉફરું જ ચાલે, મને ફાવે ન ચાલવું અધૂકડાં.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૧૩)

(शिशिरवसंतौ पुनरायात: काल: क्रीडति गच्छत्यायु = શિશિર અને વસંત ફરી-ફરીને આવે છે. કાળ રમત કરે છે અને આયુષ્ય પૂરું થાય છે)

*

old lady by Vivek
(સમયના શરીરે કરચલીનું જાળું …    ….લેહ, જુન-૨૦૧૩)

શું તું સમજી શકે છે મારી દ્વિધા?

Viveks Leh n ladakh
(તોફાનની વચ્ચોવચ્ચ…         ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)

*

તારા પર ગીત શું લખું હું કે તું છે મારી જીવતી ને જાગતી કવિતા,
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

પાસે તું હોય તો બસ તારામાં લીન રહું,
દૂર હો તો ઓર લાગે પાસે;
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
શાહીમાં ડૂબેલ આ બ્લૉટિંગ પેપર ઉપર કેમ કરી પાડું હું લીટા ?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?

-વિવેક મનહર ટેલર
(૧૩-૦૪-૨૦૧૩)

*

Viveks Leh n ladakh2
(એક અકેલા…                          ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩)