માસિકત્રયી : ૦૧ : દીકરીનો સવાલ

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કદાચ પહેલવહેલીવાર સુરતમાં માસિકને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી કવિતાઓનું કવિસંમેલન યોજાઈ ગયું. આ સંમેલનમાં માસિકધર્મમાં પહેલીવાર પ્રવેશતી યુવતી વિશેના ત્રણ ગીત મેં રજૂ કર્યાં હતાં. આ શનિવારે એમાનું પહેલું ગીત રજૂ કરું છું… આપ સહુના પ્રામાણિક પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે…

*

મા! મને આવતો નથી કંઈ ખ્યાલ,
ન પડી, ન આખડી, ન વાગ્યું-કપાયું તો કઈ રીતે થઈ હું લાલ?

જલ્દીથી મોટા થઈ જવાની લ્હાયમાં
હું ભાગભાગ તેર માળ ચડી,
ગઈ કાલ સુધી હું હતી પતંગિયું,
ને આજે અચાનક નદી?
સમજ્યો સમજાય નહીં ઓચિંતો ફેરફાર,
કેવી વિડંબનામાં પડી?
મા, બીજા કોને જઈ પૂછું સવાલ?

એવી તે કઈ ભૂલ, એવાં તે કયાં પાપ,
જેને લીધે આ થયા હાલ;
જૂઠ્ઠું બોલી કે શું? ચોરી કરી કે શું?
કરી ભગવાનજી સાથે બબાલ?
રાત્રે તો ચોખ્ખુંચટ પહેરીને સૂતી
ને સવારે આ શું ધમાલ?
મા! મને આપ થોડી સમજણ ને વહાલ.

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૯)

24 thoughts on “માસિકત્રયી : ૦૧ : દીકરીનો સવાલ

  1. ખુબજ સરસ્. Thinking about this is very nice.
    nothing objective. keep it up. Waiting for other two.
    Narendra

    • જ્યારે પુરૂષ સ્ત્રીની આવી નાજુક સ્થિતિ આબેહૂબ વર્ણવે ત્યારે એની કલમ માટે સન્માન ઉપજે…..સેલ્યુટ સર..🙏

  2. ગઈકાલે પતંગિયું અને આજે નદી..

    ખૂબ જ સુંદર ઉપમા..

  3. યુવતીના મનોભાવનું સરસ નિરૂપણ.. અભિનન્દન કવિ

  4. નાની બાળકીમાથી યૌવનમા પ્રવેશતી યુવતીને ઉદ્દેશીને લખાયેલી આ રચના મન સવેદનના ભાવને જે રીતે એક પુરુષ હ્રદયથી વ્યક્ત થયા છે એ કાબીલે દાદ કહી શકાય, આપને અભિનદન….

  5. “જલ્દીથી મોટા થઈ જવાની લ્હાયમાં
    હું ભાગભાગ તેર માળ ચડી,
    ગઈ કાલ સુધી હું હતી પતંગિયું,. ”

    બસ માત્ર આટલુ જ લખ્યુ હોત્.. તો પણ્… કવિતા સ્મ્પુર્ણ થઇ જાત્..
    સરસ ! વાહ્!

  6. ખરેખર એક ક્રાતિકારી અને જરૂરી પ્રયત્ન છે

  7. Pingback: માસિકત્રયી : ૦૨ : માનો જવાબ | શબ્દો છે શ્વાસ મારા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *