એક ટચલી તે આંગળીનો નખ…



એક ટચલી તે આંગળીનો નખ,
કોતરે છે ભોંય અને તાક્યા કરે છે એને મારી આ આંખ એકટક.

સત્તર શમણાંઓની ભારી લૂંટવાને આયો પાતળિયો ભારી નઘરોળ,
ને તારતાર ઊતરે રૂમાલમાં અત્તર એમ મારું જ છત્તર ઓળઘોળ?
પરબારા બેસી ’ગ્યા હાથ સૌ ધોવા, મેં એવા તે દીધાં શા દખ?
એક ટચલી તે આંગળીનો નખ.

શેરડા ને પાંપણ ને ઘૂંઘટ વીંધીને કોઈ ઠેઠ લગી મને ઝંઝોડે,
થાતું કે કાશ! હુંય ભોંયમાં ગરી જાઉં નજરુંની શારડીની સોડે;
ને ઝાડેથી ટહુકો એમ બારસાખમાંથી હું ઊડું ઊડું થાઉં લગભગ.
એક ટચલી તે આંગળીનો નખ.

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૩-૨૦૧૯)

*
(પુણ્યસ્મરણ: શ્રી વિનોદ જોશી ~ ટચલી આંગલડીનો નખ)

26 thoughts on “એક ટચલી તે આંગળીનો નખ…

  1. વિવેકભાઈ
    ખૂબ સુંદર અનુભૂતિ
    ભાષાકર્મ દાદ માંગી લે એવું..
    સંવેદના સભર કાવ્ય
    દિલીપ વી ઘાસવાળા

  2. પરબારા બેસી ’ગ્યા હાથ સૌ ધોવા, મેં એવા તે દીધાં શા દખ?
    એક ટચલી તે આંગળીનો નખ.
    વાહ સુંદર સંવેદનશીલ રચના

  3. ગીત એટલું ગમ્યું કે ‘ગમતી કવિતા’ની મારી ડાયરીમાં સંગ્રહી લીધું.
    આટલું સુંદર ગીત આપવા બદલ કવિશ્રીને વંદન.

  4. જાનકીની જેમ હું તો ગરકું છું ભોંયમાં નજરુંની શારડીની સોડે;
    ઝાડેથી ટહુકો એમ બારસાખમાંથી હું ઊડું ઊડું થાઉં લગભગ.
    એક ટચલી તે આંગળીનો નખ.

    – વિવેક મનહર ટેલર Waah ! 👍🏻

  5. “એક ટચલી તે આંગળીનો નખ” કન્યકાના આંતરિક મનોભાવને અભિવ્યક્ત કરતું સુંદર કાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *