કાનની છે ભારી ધમાલ

મોબાઇલ અડે તો ફ્લાઇટ મોડ થઈ જાય પણ શબ્દો અડે તો ગુલાલ,
દોસ્ત! આ કાનની છે ભારી ધમાલ.

હવાના દોરડાઓ ઝાલીને ધ્વનિના રશ્મિ ઠેઠ અંદર લગ ઊતરે,
અંદર જઈ સીધા જ વેરવા માંડે છે દાણાઓ દિલના ચબૂતરે;
ને દાણાઓ ચૂગવા આવી ઊતરે છે પાછાં પંખીય કેવાં કમાલ!
ભાઈ! આ કાનની તો કેવી ધમાલ!

ગળણી લઈને બેઉ બેસે છે પાછા, ને ઇચ્છા પડે એને ચાળે
ને ગમી જો જાય પાછી વાત જો કોઈ, સીધી મગજ સુધી એ પહોંચાડે
એય પાછું ભારી છે, કોરટ જ જોઈ લ્યો! તે પૂછશે પચ્ચીસ સવાલ
બાઈ! આ કાન છે કે નકરી ધમાલ!?

ઊંચ નીચના કોઈ ભેદ ન જાણે, સૌ સરખો જ આવકારો પામે
પણ બેમાંથી એકેય ન રે’વા દે કોઈનેય પલભર માટેય નિજ ધામે,
એમ કરીને શું એ શીખવી રહ્યા છે જીવતરના ખરા સૂરતાલ?
હા, હા! આ કાનની છે જબરી ધમાલ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૧૮: ૦૨-૦૩.૦૦ મળસ્કે)

19 thoughts on “કાનની છે ભારી ધમાલ

  1. જીવતરના ખરા સૂરતાલ?
    હા, હા! આ કાનની છે જબરી ધમાલ. Yes tru 👌🏻

    -વિવેક મનહર ટેલર

  2. વાહ..મજાનું ગીત.
    બીજો અને ત્રીજો બંધ વિશેષ ગમ્યા

  3. જીવતરના ખરા સૂરતાલ?👌👌👌👌
    મજાનું ગીત
    મોજ પડી સાહેબ🌹🌹🌹

  4. ગીતમાં આ ધમાલ .. બહુ મજા આવી.
    ‘ધ્વનિ’ અને ‘રશ્મિ’ શબ્દો આ કાવ્યના વાતાવરણ કરતાં જુદા નથી પડતાં ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *