એવો વરસાદ થઈ આવ…

Nubra Valley desert by Vivek Tailor
(એક અને અનંત……           ….હુડસર, નુબ્રા વેલી, લદાખ, ૨૦૧૩)

*

ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ,
ના સપનું, ના યાદ થઈ આવ.

sms, ફેસબુક ને વ્હૉટ્સએપના લટકણિયા
ક્યાં સુધી લઈ-લઈને ચાલું ?
યુગ-યુગનું પ્યાસુ મન વર્ચ્યુઅલ પાણીથી
ભીંજ્વ્યું ભીંજાય નહીં, સાલું !
આંખોના કૂવામાં અંતહીન ઘુમરાતો સાચુકલો સાદ થઈ આવ.
ઠે…ઠ ભીતરનો નાદ થઈ આવ…

પાનાં કેલેન્ડરનાં, કાંટા ઘડિયાળના-
પ્રેમ છે કે પ્રેમની વિભાવના?
જાગું તો યાદ અને ઊંઘું તો ખ્વાબ
ઝાંઝવાં ને તેય પાછાં માપનાં?
એક-એક અજંપાને શામી દે-સાંધી દે એવો સમ્-વાદ થઈ આવ.
નકરો અપવાદ થઈ આવ.

મળવું તો બસ, મારે મળવું છે એમ
જેમ કાંઠા ધમરોળે ત્સુનામી,
કાયા આ કાયામાં ઓગાળી દેવી છે
જે ઘડી આવે તું સામી,
આકંઠ પ્રતીક્ષાની ઓ’ કાંઠે નર્તંતા જિન્સી ઉન્માદ થઈ આવ.
તું ‘તું’માંથી બાદ થઈ આવ…

(૦૨/૦૩-૦૮-૨૦૧૩)

*

sunset colours by Vivek
(સમીસાંજનો ગોરંભો…                                    …દુબઈ, ૨૦૧૨)

9 thoughts on “એવો વરસાદ થઈ આવ…

  1. યુગ-યુગનું પ્યાસુ મન વર્ચ્યુઅલ પાણીથી
    ભીંજ્વ્યું ભીંજાય નહીં, સાલું !

    સાલું…! મજાનું ગીત છે હોં વિવેકભાઈ…
    ‘રમેશાઈ’ શૈલી ‘વિવેકી’ શૈલીમાંથી પ્રગટી… રમેશ પારેખ જેવી શૈલીમાં તમારી પોતીકી શૈલીની છાંટ પણ તરત દેખાય છે. તમારું પોતિકાપણું પણ સાથે રહ્યું છે તેનો ગીતમય અને વરસાદ આનંદ…

  2. ઠે…ઠ ભીતરનો નાદ થઈ આવ
    ** *** **** *****
    નકરો અપવાદ થઈ આવ.
    ** *** **** *****
    તું ‘તું’માંથી બાદ થઈ આવ…
    ** *** **** *****

    સરસ મજાની માગણી.
    અને એટલુજ સુદર ગીત.
    મજાનુ ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *