માસિકત્રયી : ૦૩ : મા દીકરીનો સંવાદ

પહેલીવાર માસિકમાં આવેલી દીકરીનો સવાલ અને માએ એને આપેલો જવાબ આપણે જોઈ ગયા. હવે, આ માસિકત્રયી ગુચ્છનું આ આખરી કાવ્ય…

*

મા! મને દાદી કહે છે, દૂર બેસ,
અડકાબોળો ન કર, માથાબોળ નહાઈ લે, આ કેવી આભડછેટ?

માસિકનું આવવું જો ઓળખ હો સ્ત્રીની તો શાને આ આઇ કાર્ડ કાળું?
હરદમ જે વળગીને જીવતી એ સખીઓનો સંગાથ કેમ કરી ટાળું?
બાકીના પચ્ચીસથી અળગા કરીને આ પાંચને હું શાને પંપાળું?
ઈશ્વર કને તો હું રોજરોજ જાતી, હવે કઈ રીતે જાતને હું ખાળું?
આ તો અપમાન, મા! ખુદને હું કઈ રીતે કહું કે લે, આને વેઠ!
મા! મને દાદી કહે છે, દૂર બેસ.

બેટા! તું સાચી છે, કુંડાળે પડ્યો છે દુર્ભાગ્યે દુનિયાનો પગ,
માસિક તો દીવો છે, એ વિના થાય નહીં માતૃત્વ ક્યાંય ઝગમગ;
રગરગમાં ભર્યા એ ઈશ્વરસમીપ જતાં થાતી ન સહેજ ડગમગ,
કહી દેજે સૌને, આ ગૌરવ છે નારીનું, આપવું જ પડશે રિસ્પેક્ટ.
ના બેટા! કોઈથીય અળગી ન બેસ.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૫-૨૦૧૯)

13 thoughts on “માસિકત્રયી : ૦૩ : મા દીકરીનો સંવાદ

  1. ફરી એક વાર સંવેદનશીલ રજુઆત, ખુબ જ સરસ કાવ્યમય આલેખન દ્વારા ગભીર વિષયની રજુઆત…..કવિશ્રીને અભિનદન…..

    • માસિક તો દિવો છે શું જોરદાર વાત કરી છે સર
      🧢 Off to u sir 🌹🌹🌹🌹👌👌👌👌👌👌

  2. માસિક તો દીવો છે એ વીના થાય નહીં માતૃત્વ ક્યાંયે ઝગમગ.
    ખુબજ સુંદર

  3. અદ્ભૂત…… અભિવ્યક્તિ….
    પ્રણામ સાહેબ..

  4. સામાજિક કુરિવાજ સામે સુંદર અભિવ્યક્તિ 👍

  5. ગંભીર વિષય ની સરળ અને સરસ રજૂઆત।
    માત્તૃત્વ નું બહુમાન
    ” માસિક તો દીવો છે એ વીના થાય નહીં માતૃત્વ ક્યાંયે ઝગમગ.”


    Narendra Mehta (not Modi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *