જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે !

natural mirror by Vivek Tailor
(ડિસ્ટન્સ…..     ….કુદરતી અરીસો, રાધાનગર બીચ, અંડમાન, નવે-૨૦૧૩)

*

મારી આંખોની પાર નથી એક્કે કવિતા, મારી આંખોમાં આંખ તું પરોવ મા,
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

આંખોમાં આંખ અને હાથોમાં હાથ હવે લાગે છે થોડું આઉટડેટેડ,
વ્હૉટ્સએપ ને ફેસબુક છે લેટેસ્ટ ફેશન, બેબી ! એનાથી રહીયે કનેક્ટેડ.
વાઇબર કે સ્કાયપી પર મેસેજ કરીને નેક્સ્ટ મિટિંગ રાખીશું આજકાલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

ડેઇલી મૉર્નિંગમાં હું સ્માઇલી મોકલાવીશ, તું બદલામાં કિસ મોકલાવજે,
‘લાસ્ટ સીન’ સ્ટેટસમાં અંચઈ નહીં કરવાની, એટલી ઑનેસ્ટી તું રાખજે.
તારી એક્કેક ટ્વિટ ફોલૉ કરું છું હુંય, એક-એક પિરિયડના દરમિયાનમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

કાગળ-પેન લઈ હું લખતો નથી કે આ છે કમ્પ્યૂટર-મોબાઇલનો યુગ,
ફૂલ અને ઝાકળ ને સાગર-શશી ને આ કવિતા-ફવિતા, માય ફૂટ !
સાથે રહી લઈશ પણ એક જ કન્ડિશન- તું તારા, હું મારા મોબાઇલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

– વિવેક મનહર ટેલર
(૨૭-૧૨-૨૦૧૩)

 

9 thoughts on “જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે !

  1. પતિપત્નીમાં એક (સાધારણ રીતે પત્ની) બીજાના જીવનમાં પોતાનું જીવન લીન કરી દે, પોતાનું વ્યક્તિત્વ ખોઇ દે, અને પોતાના સર્વે ધર્મો છોડી બીજાના શરણમાં જ રહે — એને ઘણા આદર્શ લગ્ન કલ્પે છે. કવિએ અહીં જુદો આદર્શ દેખાડ્યો છે. ત્યારે ખલિલ જીબ્રાન કહે–* તમારાં હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાના તાબામાં સોંપશો નહીં.
    કારણ, તમારાં હૃદયોનું આધિપત્ય તો કેવળ જગજ્જીવનનો જ હાથ લઈ શકે.
    * અને સાથે ઊભાં રહેજો પણ એકબીજાની અડોઅડ નહીં:
    જુઓ મંદિરના થાંભલા અલગ અલગ જ ઊભા રહે છે.
    અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતાં નથી. આવો સૂર પુરતું મધુરું સાઇબર કાવ્ય
    યાદ આવે
    અહીં સ્નો વર્ષામા
    હું બરફમાં ગોઠવેલું પાણી નથી
    મને સૂરજની બીક ના બતાવો !

  2. આંખોમાં આંખ અને હાથોમાં હાથ નો પર્યાય, વ્હૉટ્સએપ, ફેસબુક કે સ્કાયપી ક્યરેય ના બની શકે એવું કંઈક ટેલર સાહેબે કહેવાની કોશીશ કરી હોય તેવું લાગે છે.

  3. શ્રી વિવેકભાઈ,

    અત્યારના modern ટ્રેન્ડ પ્રમાણે ની કવિતા પહેલેથી મારા રસ નો વિષય રહેલી છે અને એટલે જ તમારી આ કવિતા મને ખુબ ગમી ….

    તમારી કવિતાઓ વાંચવાની ખરેખર ખુબ મજા આવે છે ….

    ડૉ . અમિષ ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *