તું લાખ બચાવ તારી ચોળી

IMG_8654

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનાને પૂછ્યું મેં પાંપણ પછીતેથી
કઈ રીતે આ’યું તું આગળ ?
સાજન ગિયો છ મારો આઘે મલક,
નથ કોઈ એનો ફોન, નથ કાગળ.
હોળીના નામના કાં લે છે બલૈયા ? હું વાખી ન દઉં બારી મોરી ?
એકલી દીઠી ન જરી છોરી, તે કરવાને મંડ્યું તું આમ જોરાજોરી ?
ઓ રી !
ભલે લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

સપનું કહે કે અલી ! સાજનના નામનો જ
રંગ હું લા’યું છું, જરા જો તો !
પાંપણની પાળ અને આંસુની વાડ ઠેકી
આવ્યો છે ઘરમાં ગલગોટો,
ફાગુનનો ફાગ ! ઠેઠ ભીતર છે આગ ! હવે રાખવી શી મારાથી ચોરી ?
આઘી જશે કે આવે ઓરી, તું ક્યમ અને ક્યાં લગ રે’વાની કોરી ?
ઓ રી !
છો લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.

– વિવેક મનહર ટેલર
(૦૫-૦૩-૨૦૧૫)

IMG_0939

3 thoughts on “તું લાખ બચાવ તારી ચોળી

  1. અરે જારે જારે…તુ કરે રોજ તરકટ.. અંગ અંગ મોહે ભિગોવે …તુ બડા હૈં નટખટ…!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *