જરા કુરિયરનું નામ તો તું બોલ

ગોવાની મોસમની ઉઘરાણીના તું વગાડ નહીં વૉટ્સ-એપ પર ઢોલ,
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.

જાણું છું, મેમાં તો તારે ત્યાં આભેથી લૂના દરિયાઓ વરસે છે,
સમ ખાવા પૂરતુંય સૂરજને ઢાંકે એ વાદળને ધરતીયે તરસે છે;
અહીંયા તો વાદળાંના ધાબળાંની ભીતરની ભીતર એ એવો લપાયો
તડકાનું ટીપુંય પડતું ન આભથી, ભરબપ્પોરે ખોવાયો પડછાયો.
ઉપરથી ઝીણી ઝીણી વાછટ આપી રહી વાયરાને ભીનાં ભીનાં કોલ.
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.

હીલ્સ્ટેશન પર્વતથી દરિયાના કાંઠા પર પોરો ખાવાને આવ્યું હેઠે,
ને કાંઠાની ડોશીનો મેક-ઓવર થઈ ગયો કુંવારી કન્યાની પેઠે;
આછા વરસાદમાં એક-એક ઝાડપાન નહાઈ-ધોઈ રેડી થઈ ઊભાં,
વાયરાની બૉલપેન લઈ રેતીની નોટબુકમાં લખે છે કોઈ કવિતા.
આવી મોસમ મેં જરી શેર કરી એમાં તું ઈર્ષ્યાની પેટી ના ખોલ.
આખ્ખો દરિયો તને મોકલી આપું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ.

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૬-૨૦૧૮)

10 thoughts on “જરા કુરિયરનું નામ તો તું બોલ

  1. વાહ વાહહહ
    આખો દરિયો તને મોકલી આપું તું હું, જરા કુરિયરનું નામ તો તું બોલ!
    સરસ ગીત

  2. મસ્ત મજાનું ગીત… મેમાં ગોવા જવાનું થયેલું એ દૃશ્ય યાદ આવી ગયું. અભિનંદન કવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *