(પ્રતીક્ષાના રંગ….. ….અંદમાન, નવે, ૨૦૧૩)
*
વરસોવરસ બસ, રાહ વરસાવવાનું કામ તને કેમ કરી ફાવતું ?
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
આ જિંદગીમાં એકવાર આવ તું.
છપ્પનિયા જેવી આ છાતી જો, ફાટી પડી, ચાસ-ચાસ બન્યા છે ચીલા,
નજર્યુંની કેડીઓ વગડો થઈ નજરાણી, બાવળિયા ફાલ્યા હઠીલા,
આરતના ઓરડામાં બાવાંઓ ઠોકે છે વહી જતાં વરસોના ખીલા,
સૂક્કી પ્રતીક્ષાની કોરીકટ નદીયું પર બંધ કોણ આળા બંધાવતું?
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
બસ, એકવાર જિંદગીમાં આવ તું.
સૂરજમુખી થઈને દિવસો ન ખીલતા, ન મહોરે થઈ રાત રાતરાણી,
મારા આ હોવાના કણકણ ચૂંથીને કરે ક્ષણક્ષણના ગીધડાં ઉજાણી,
પાણીવછોઈ આંખ દેખીને મૃગજળિયાં ભરરણ વચાળ પાણીપાણી,
આવું આવું કરવાનો ગોરંભો મેલીને ઓણસાલ જાત વરસાવ તું.
કદી મોસમ થઈ આવ, કદી માવઠું.
તું આવ, આવ, આવ, બસ, આવ તું.
– વિવેક મનહર ટેલર
(૨૧/૨૨-૦૧-૨૦૧૪)
*
Beautiful. …..
ખુબજ સરસ અને સુન્દર રચના.
સૂરજમુખી થઈને દિવસો ન ખીલતા, ન મહોરે થઈ રાત રાતરાણી,
મારા આ હોવાના કણકણ ચૂંથીને કરે ક્ષણક્ષણના ગીધડાં ઉજાણી,
ઉત્તમ!
આહ્હ્હા…મસ્ત્…મસ્ત્…