(શમણાંના સૂરજ…. …દુબઇ, ૧૧-૨૦૧૨)
*
એથી હું પ્રેમ કદી કરતો નથી કે મારી આંખોમાં ધગધગતું રણ,
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.
પ્રેમમાં તો આંખની ભીની જમીનમાં સપનાંઓ રોજ ખોડે ખીલા,
ચરણોમાં ઝંઝા નહીં, ઝંખાના ઊંટ અને શ્વાસોમાં સાથના કબીલા,
મારાં તો બેઉ પગ થઈ ગ્યાં છે રેત-રેત, કણ-કણ પર પડ્યાં છે આંટણ.
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.
રેતીના કણ-કણ, ઇચ્છાનાં ધણ-ધણ, દિશાઓ આંટીને દોડે,
મનના પવનના ઊડતા ગવનને એકે બાજુથી ન છોડે
ભટકાઉ જિંદગીના બેકાબૂ છેડા પર બાંધું હું શાના સગપણ ?
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.
છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?
આખાય જીવતરની થાપણમાં શું છે તો આવું આ ખારપાટી ખાંપણ.
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.
-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૧-૨૦૧૩)
*