સરપ્રાઈઝ…!!

આજે વ્હાલા મિત્ર વિવેકનાં જન્મદિવસે એને માટે એક છોટી-સી સરપ્રાઈઝ… એનાં જ આ બ્લોગ પર… એનાં જ શબ્દોનાં શ્વાસ દ્વારા… મેહુલનાં સુરીલા સંગીત અને અમનનાં મધુરા સ્વર દ્વારા… જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે !  એમ તો ટહુકા ઉપર પણ આજે આ જ ગઝલ ટહુકે છે, પરંતુ આ મોતીને ખાસ વિવેકનાં જન્મદિવસ માટે મઢાવ્યું હોઈ એનાં આ ખજાનામાં એની હાજરી પૂરાવવા માટે આજની આ પોસ્ટ મારા અને જયશ્રી તરફથી સસ્નેહ…!

વ્હાલા વિવેક, અહીં તારા બ્લોગ પર ધાડ પાડીને આ ઓડિયો મૂકવા માટે મેં તારી છૂટ નથી લીધી, એવુંયે છેક નથી હોં… બિલકુલ પેલા દલા તરવાડીની જેમ મેં પણ તારા બ્લોગને ઘણીવાર પૂછી જોયું હતું અને દરેક વખતે એણે મને ખુશી ખુશી અંદર ઘૂસવાની પરવાનગી આપી દીધી હતી !   પણ તોયે તારે મને ખિજાવું હોય તો, જા… ખિજાવાની છૂટ છે તને !  🙂

સસ્નેહ…  ઊર્મિ

pb043894-sml

(આંગળીનાં શ્વાસમાં શબ્દની હવા…       ફોટો: વિવેક)

સંગીત: મેહુલ સુરતી
સ્વર: અમન લેખડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/halfgame-VivekTailor.mp3]

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– ડૉ. વિવેક મનહર ટેલર

આ ગઝલ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમવાર અહીં મૂકી હતી…!

જીવતો જાગતો માણસ ફૂટ્યો…

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.

ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?
મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?
પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ
ઢળતો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

થશે પૂરી શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારી ?
મોત છે શું ઈલાજ જીવનનો?
છે નાદાની કે બિમારી ?
ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.

આતતાયીને ફાંસી આપો,
પણ પહેલાં ભીતર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
અલગ-અલગ શાને પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૭-૨૦૦૬, ૩૦-૦૭-૨૦૦૮)

૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ વખતે લખેલું આ ગીત આ બ્લૉગને માત્ર ગઝલના બ્લૉગમાંથી કવિતાઓના ગુલદસ્તામાં ફેરવતી પહેલી રચના હતી. એ વખતે લયની દૃષ્ટિએ આ ગીત ઘણી જગ્યાએ ખોડંગાતું હતું. આજે પણ મારી સમજ પ્રમાણે લયમાં કરેલા ફેરફાર બાદ પણ અહીં લય પાક્કો ન થયો હોય એ બનવાજોગ છે. બેંગ્લોર અને બાદમાં અમદાવાદમાં ઉપરાછાપરી થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ અને સુરતમાંથી જડી આવેલ અઢી ડઝનથી પણ વધુ મોતના જીવતા સામાન સમા બૉમ્બના કારણે અસ્તવ્યસ્ત થયેલા માનસને પ્રસ્તુત કરતું આ ગીત કોઈ એકને પણ સ્પર્શી શકે તો ઘણું…

પ્રાણ પણ નથી

(એક પગ…એક દિશા…એક નૃત્ય…     …ભરતપુર, 04-12-2006)

તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.

આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.

મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.

જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.

-વિવેક મનહર ટેલર

બુધવારની સાંજની જૂની ગઝલનો વાયદો… મત્લો થોડો મઠાર્યો છે.  બાકીના અશઆરમાં ક્યાંક એક તો ક્યાંક વધુ શબ્દો બદલ્યા છે, ઉમેર્યા છે. એક શેર સમૂળગો રદ્દ કર્યો છે. અને જે બન્યું છે, તે છે આ.  ગમશે?

ઝાકળ


(…સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો…   સરખેજરોજા, અમદાવાદ)

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.

હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

-વિવેક મનહર ટેલર

૦૯-૧૨-૧૯૮૮ના રોજ લખાયેલી આ ગઝલ મારી પંદર વર્ષની શીતનિદ્રા પૂર્વેનો દસ્તાવેજ હોવા ઉપરાંત છંદની ગલીઓમાં ભટકવાના કુછંદે ચડ્યો એ શરૂઆતના ફાકા-મસ્તીના દિવસોની ભીની યાદ પણ સંગોપીને બેઠી હોવાથી મને ઘણી ગમે છે. આ બ્લૉગ પર આપ અગાઉ એને માણી ચૂક્યા છો. એ વખતે રહી ગયેલા કાફિયા-દોષને ક્ષમતાનુસાર નિવાર્યા છે. એક શેર પણ નવો ઉમેર્યો છે અને ટાઈપીંગની ભૂલને લીધે ખોટો છપાયેલો અને ધ્યાન-બહાર રહી ગયેલો શેર (પુષ્પના પાંદમાં રહે ઝાકળ) પણ ફરીથી મઠાર્યો છે.

ચાંદની


(રણનો સૂર….                       …બુલબુલ, રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)
(Red vented Bulbul ~ Pycnonotus cafer)

*

ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાને ફરી તુજને અડે છે ચાંદની.

વાટ થઈ વગડામાં નક્કી તું જ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંદ્રના અરમાન વેરાયા હશે શું સૃષ્ટિમાં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

-વિવેક મનહર ટેલર.

ફરી એક જૂની ગઝલ, થોડા છંદદોષ દૂર કરીને.

મને આ સફર મળે


(એમુ… …મનોરથી પાછા વળતાં એક પેટ્રોલપંપની પાછળ (કદાચ)
ગેરકાયદેસર ચાલતા પોલ્ટ્રીફાર્મમાં મળેલું સ્મિત, ૦૪-૦૩-૨૦૦૭)

*

જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઇચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

-વિવેક મનહર ટેલર

મને મનગમતી ગઝલોમાંની આ એક છે. ‘હૈયાને હાશ થાય એવું કોઈ ઘર મળે’ પંક્તિ પર ગઝલ લખવા માટે મળેલા આમંત્રણને સ્વીકારીને આ ગઝલ લખી હતી, જે 16 જુલાઈ, 2005ના રોજ ‘ગુજરાતમિત્ર’ દૈનિકની ‘સન્નારી’ પૂર્તિમાં છપાઈ હતી. મૂળ પંક્તિમાં થોડો ફેરફાર કરીને લખેલી આ ગઝલ બ્લૉગ પર અગાઉ પ્રકાશિત કરી હતી પણ એ વખતે મત્લા(ગઝલનો પહેલો શેર)ની પહેલી કડી(ઉલા મિસરા)માં થોડો છંદદોષ રહી ગયો હતો એ દૂર કરી ફરી આપની સમક્ષ લઈને આવ્યો છું.

રેતી


(હળવાશ…                                 …મનોર, મહારાષ્ટ્ર, ૦૩-૦૩-૨૦૦૭)

*

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

ગયા તારા સ્પર્શોના ઊંટો પછીથી,
હથેળીથી દિલમાં ગરી જાય રેતી.

ન રણ, આ છે કણ-કણ ઝૂરાપો, કહું પણ
મળે તું ત્યાં પગથી ખસી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્ત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
શીશીમાંથી ખાલી ખરી જાય રેતી.

-વિવેક મનહર ટેલર

( આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. એ વખતે ગઝલમાં ઘણી જગ્યાએ કાફિયાદોષ રહી ગયો હતો અને ક્યાંક છંદદોષ પણ હતો. આજે મારી ક્ષમતા મુજબ સુધારા કરીને આ ગઝલ પુન:પ્રકાશિત કરી રહ્યો છું.)

મળતી રહે


(રસ્તે…             …રણથંભોર, 02-12-2006)

*

દૂર મૃગજળ સમ ભલે સરતી રહે,
પણ સદા દ્રષ્ટિ તું ભીંજવતી રહે.

છોડ નશ્વર યાદ, ઘર, ગલીઓ, નગર…
શબ્દના રસ્તે મને મળતી રહે.

હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.

છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર

આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. જૂની ગઝલમાં મત્લાનો શેર મને નબળો લાગતા એ બદલ્યો છે અને નવો જ મત્લો ઉમેર્યો છે. સામાન્યરીતે વાચકના હાથમાં કવિનો સંગ્રહ આવે ત્યારે તે કવિતાના આખરી સ્વરૂપમાં હોય છે. ઈન્ટરનેટનો આજે મને એક બીજો ફાયદો દેખાય છે તે એ કે મારી ગઝલમાં મને લાગેલી નબળાઈઓ મારી ક્ષમતા મુજબ સુધારીને હું ફરીથી વિશ્વની આગળ મૂકી શકીશ અને વાચક પણ કાવ્યના અંતિમ સ્વરૂપના બદલે પ્રારંભ અને અંત, એમ બંને રૂપો માણી શક્શે. અન્ય એક ફાયદો જે મને દેખાય છે તે એ કે હું મારા મિત્રો પાસેથી જૂના અને નવા સ્વરૂપની સરખામણી અને એ બંને વચ્ચેના તફાવત અને યોગ્યાયોગ્યતા વિશે યથાર્થ ટિપ્પણી પણ મેળવી શકીશ.