કચ્છડો તો બારેમાસ

PA232550
(કાંટાનું અજવાળું….                                         …કચ્છ, ૨૧-૧૦-૨૦૦૯)

*

(સામાજિક કારણોસર અમેરિકાના ટૂંકાગાળાના પ્રવાસે જઈ રહ્યો હોવાથી આગામી પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર તાબડતોબ ન આપી શકાય તો ક્ષમા ઇચ્છું છું. હા, દર શનિવારે કવિતા મૂકાતી રહેશે એટલે મારા આંગણે પધારવાનું ચૂકશો નહીં)

*

રણના નામે ફેલાયો ખારપાટ, બપ્પોરના નામે છે આગ,
જિંદગીના નામે બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક,
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

જોજનના જોજનનો ખાલીપો ભરવાને
ગ્હેકે છે પેણ અને કુંજ;
હૂપ્પુ ને હોલાં ને તેતરનાં ટોળાની
બાવળિયે ઝૂલે છે ગુંજ
ગુલાબી શમણાંઓ તરતાં મેલ્યાં હો એમ પાણીમાં વિચરે સુરખાબ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

માટીને લાત દઈ બોલતી કરી દે એવા
ચાકડાની અહીં છે વસંત,
કાપડના ટેભામાં આરસી કે તારલા ?
આખ્ખુંય આભલું હસંત
રોગાન, ધાતુ ને કાષ્ઠ ને વણાટમાં જીવે છે કચ્છી મરજાદ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

પથ્થરિયાળ જિંદગીની આંખો સિવાય
અહીં પાણીની સઘળે કમી,
રોમ-રોમ ડંખે છે થોર તોય ઊંટની
ખૂંધ સમ ભર્યા ભર્યા આદમી
ધોળાં ભાસે છે એ રણ નથી, દોસ્ત ! એ તો પરસેવે પાડી છે ભાત
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

આભેથી જળ નહીં, આફત વરસે કાયમ
ધરતીની ધ્રુજાવે છાતી,
અશ્મિ ને અવશેષના પડળોની વચ્ચે જ
જીવે છે સાચો ગુજરાતી;
મોસમ તો આવે ને જાય મારા વહાલીડા, કચ્છડો તો બારેમાસ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

-વિવેક મનહર ટેલર
(૨૧/૩૦-૧૦-૨૦૦૯)

*

PA190764
(કાળો ડુંગર અને પછીતે સફેદ રણ…                 …કચ્છ, ૨૦-૧૦-૨૦૦૯)

52 thoughts on “કચ્છડો તો બારેમાસ

  1. કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ? માં
    કડવી સચ્ચાઈ વણતી દ્રુષ્ટિનું કાવ્ય.
    ત્યારે અમે કરેલી સફરમા કચ્છનું નૈસર્ગિક સૌંદર્ય જોતા લાગ્યું કે અહીં શું જોવા જેવું નથી…
    રણ છે,
    રેતી છે,
    વન્યસૃષ્ટિ છે,
    ડુંગર છે,
    દરિયો છે,
    મંદિર છે,
    બંદર છે.
    હવે વધુ શું જોઇએ?
    આટલી સમૃદ્ધિ દુનિયામાં બીજે કયાં છે?
    માતાનો મઢ, ધોળાવીરા, માંડવી,નારાયણ સરોવર, અંજારમાં આવેલી જેસલ-તોરલની સમાધિ, કંડલા બંદર, વિજયવિલાસ પેલેસ …

  2. ગીત વાંચવાનું શરુ કરીએ તે પહેલા આશીતનો સૂર સંભળાયો
    હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..
    અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..

    શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
    ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!

    આભેથી જળ નહીં, આફત વરસે કાયમ
    ધરતીની ધ્રુજાવે છાતી,
    અશ્મિ ને અવશેષના પડળોની વચ્ચે જ
    જીવે છે સાચો ગુજરાતી;
    મોસમ તો આવે ને જાય મારા વહાલીડા, કચ્છડો તો બારેમાસ.
    કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?
    ત્યાં લયબધ્ધગીતમા માણી હાલના જીવનની વાસ્તવિકતા
    યાદ આવ્યું…
    જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
    જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

  3. સતત અછતને સવલત બનાવીને જીવતાં ‘કચ્છ’ની રગ-રગમાં સૌંદર્ય અને ‘કચ્છી’ની રગ-રગ માં માણસાઈ ધબકે છે…..આ બન્નેની વિશીષ્ટતાઓ ઉજાગર કરતી અને ઘેર બેઠા કચ્છ-દર્શન કરાવતી સુંદર રચના….

  4. અરે વાહ… બહુ મજાનું ગીત… વાંચતા વાંચતા જ ગણગણાઈ જાય છે !

    પણ…. એક જ ફોટો? આવી કંજૂસી ડોક્ટર?

  5. સીમ ને શેરીમાં ઊડતી રહી ધૂળની ડમરી સમ યાદો… ને યાદ આવ્યું જળોની જેમ ચોટી ગયેલી એ ધૂળનું સગપણ

    – સ્નેહ

  6. Dear Vivekbhai,

    Too good poetry and good phrases…..

    As our Altret chemicals plant at Kutchh near Bhuj.since last 4 year and i have enjoy the my trip nearly all about historical places.
    Bhuj musium,Matana madh,Lakhpat,Dholavira,Narayan sarovar,India bridge,Bunni desert….etc

    The air at this place is too good for me as i am having sinus problem.

    Keep it writting

  7. મોસમ તો આવે ને જાય મારા વહાલીડા, કચ્છડો તો બારેમાસ.
    કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

    thanks – vivek – we will be missing you for while .. safe voyage to usa..

  8. સુંદર ગીત.
    અભિવ્યક્તિ ખાસ ગમી …
    ગુલાબી શમણાંઓ તરતાં મેલ્યાં હો એમ પાણીમાં વિચરે સુરખાબ
    અને
    પથ્થરિયાળ જિંદગીની આંખો સિવાય અહીં પાણીની સઘળે કમી

  9. ભારતના નક્શામાં કોઈપણ સ્થળ લ્યો, જ્યાં “વિવેક” હશે ત્યાં બધું વ્હાલું જ લાગવાનું…!
    બે-જાન ચીજોને ય વાચા ફૂટે અને રણ જેવી શુષ્કતા વચ્ચે ય મીઠાં જળનાં વીરડા જેવું ગીત મળે.
    -અભિનંદન ‘વિવેકભાઈ’

  10. Its good to read about Kutchh
    I know it since long time as i have an assignment at Gandhidham
    Kutchh-no-Atithya Satkar tamne kyay nahi male…..

    Samkhiyali-Bhachau-Kalo Dungar and what not…

    keep it up….

    with regards,

    CA Vinod Gundarwala

  11. તન મુંઝો મોમ્ભઈમેં વૅ પણ હી ધલ ત કચ્છડે ભા.
    યાદેં જો પટારો છંછેડે ચેતન, હાણે હલ ત કચ્છડે ભા.

    કચ્છની જાત્રા કરાયેલા વિવેક ભા આંજો ખુબ ખુબ આભાર.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  12. સુંદર મનભાવન શબ્દોમા કચ્છની અનેરી ઓળખ..
    ………………………
    બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક
    હૂપ્પુ ને હોલાં ને તેતરનાં ટોળાની બાવળિયે ઝૂલે છે ગુંજ
    રોગાન, ધાતુ ને કાષ્ઠ ને વણાટમાં જીવે છે કચ્છી મરજાદ
    ……………………
    દરેક નક્કર પ્રતિકોને ભાવનાઓની સાથે જોડીને અનેરુ શબ્દમંડળ બોલતુ કરી દેવાની તાકાત તો આર.પી. મા હતીને બીજી અહી જોઈ. માખણના પીંડ જેવો ધોળો ધાક્કોર આનંદ થયો.

  13. શ્રીવિવેકભાઇ,
    કચ્છનો કાવ(કવિતા)વાંચીને દિલ બાગબાગ ન થાય અને તેને ન વખાણે તો કચ્છીની કચ્છીયત લાજે.
    કચ્છડાની વાત કરવી હોય તો આ બે દોહરા વગર અધુરી ગણાય.
    (૧) કચ્છડો ખેલે ખલકમેં જી મહાસાગરમેં મચ્છ
    (કચ્છડો આખી દુનિયામાં રમતો ર્હે જેમ મહાસાગરમાં માછલું)
    જડા હક્ડો કચ્છી વસે ઉડાં ડિયાણી કચ્છ
    (જ્યાં એક કચ્છી વસતો હોય ત્યાં સદાય કચ્છ હોય)
    સોરઠની હોથલ પદમણીને વરીને ઓઢા જામે જ્યારે કચ્છ ચાલવાનું કહ્યું ત્યારે હોથલે કહ્યું તારા ક્ચ્છમાં કાંટા બાવડિયા ને કસ્તર સિવાય શું છે? ત્યારે ઓઢા જામે ઉચ્ચારેલ દોહરો આમ છે.
    ખેરી બેરીને બાવરી ફુલ કંઢા ને કખ્ખ
    (ખેર બોરડિને બાવડિયા ફુલ કાટાં ને કસ્તર)
    હોથલ હલોં કચ્છડે જતે માડુ સવા લખ
    (હોથલ હાલ જઇએ એવા કચ્છડે જ્યાં એક એક માણસ સવા લખેણૉ છે)
    જરા વધુ વિસ્તારથી જણાવવા માટે ભુતકાળમાં આટોં મારવો પડે.સદીઓથી કચ્છમાં એક પરંપરા ચાલી આવે છે કે ઘરનો મોભી અથવા કુટુંબનો એક સભ્ય અર્થોપાર્જન અર્થે કચ્છની બહાર વસવાટ કરતો હોય.એ કચ્છથી બહાર કાં મુંબઇમાં અથવા કરાંચીમાં રહેતો હોય.કોઇ સારી તક મળે તો ગુજરાત,સોરઠ,દિલ્હી,કલકત્તા,હૈદ્રાબાદ અથવા મદ્રાસ તરફ વળી ગયો હોય અને ત્યાંથી વિદેશમાં પહોંચી ગયો હોય આમ હળવે હળવે કચ્છી સમસ્ત જગતમાં ફેલાઇ ગયા.સાંપ્રતકાળમાં જગતના કોઇ પણ છેડે કચ્છી મળશે.
    કચ્છીની એક વિષેશ ખાસિયત છે કે ક્યાં પણ કોઇ કચ્છી કોઇને કચ્છીમાં વાત કરતાં સાંભળે તો કોઇપણ જાતના ખચકાટ વગર સામી વ્યક્તિને અવસ્ય પુછી લે તમે કચ્છી છો?જો સામી વ્યક્તિ હા કહે તો તરત બીજો સવાલ કચ્છમાં મુળ ક્યા ગામના? અને સામી વ્યક્તિજો પોતાના ગામનો હોય તો કુટુંબની કોઇ વ્યક્તિ મળી હોય એવો અહોભાવ એની આંખોમાં છલકાય.આ છે કચ્છીમાડુ અને કચ્છ પ્રત્યેનો એનો પ્રેમ.
    અસ્તુ,

  14. “કચ્છડો બારે માસ” ગીત દ્વારા અહેસાસ થયો આપને અભિનદન્…

  15. બહુ સુન્દર રચના, વાંચીને ખરેખર ઘર યાદ આવી ગયુ. બહુ સરસ રચનાઓ છે આ તમારી. આભાર.

    પુનિત ઠકકર, અંજાર-કચ્છ

  16. જેને હંમેશા ગરમી, સૂકો રણ પ્રદેશ અને પાણીની તંગી વાળો પ્રદેશ – અને હવે તો ઉદ્યોગો વાળૉ પ્રદેશ ગણ્યો છે, તે કચ્છની અનેક ઉજળી બાબતો બતાવી! ખૂબ જ સરસ રચના. ખરેખર સુંદરતા જોનારની આંખોમાં જ હોય છે!

  17. ૧૮૧૯ના ધરતીકંપના કારણે સીન્ધુ નદીની શાખાનું પાણીનું વહેણ બદલાઈ ગયું. જમીન દબાઈ ગઈ અને દરીયાનું ખારું પાણી જમીન પર ફરી વળ્યું. લખપત શહેરમાં રોજની લાખોની ઉપજ થતી હતી. સામે છેડે આખું બંદર જમીનમાં દટાઈ ગયું. કચ્છડો જાધ કરીંધા અથવા કચ્છ બારે માસ યાદો રહી ગઈ.

  18. લખપત પશ્ચિમ છેડે છે એમ ધોળાવીરા પુર્વ બાજુ છે. પાંચ હજાર વર્ષ પહેલાનું પ્રાચીન મહાનગર. લાગે જે એ સરસ્વતીની કોઈ શાખા ઉપર હતું. નગરની રચના કાચી કે પાકી ઈંટો નહીં પત્થરોથી થઈ છે. ધરતીકંપે ધોળાવીરા સંસ્કૃતીનો નાશ કર્યો.

  19. રણના નામે ફેલાયો ખારપાટ, બપ્પોરના નામે છે આગ,
    જિંદગીના નામે બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક,
    કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?
    પ્રિય વિવેકભાઈ,
    વેદના વાણીમા વિન્ટળાઈને વ્યક્ત થઈ છે. હ્ર્દયને જ્હાળ જેમ સ્પશે છે.
    સરસ કાવ્ય.

  20. superb one…kutch is few place in india with desert, mountain & sea – u hv narrated all aspects of kutch, beauty of the persons, art & region itself.

  21. અફલાતુન અભિવ્યક્તિ…કચ્છ્ની સફર્ ને કચકડે સહુ કોઇ મઢે,શબ્દોના સાથીયે મઢે વિવેક્ભાઈ…
    આ પ્રતિભાવ ગમ્યો,નાનકડા સુધારો સુચવું?

    ભાવના શુક્લ on November 3, 2009 at 9:16 pm
    સુંદર મનભાવન શબ્દોમા કચ્છની અનેરી ઓળખ..
    ………………………
    બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક
    હૂપ્પુ ને હોલાં ને તેતરનાં ટોળાની બાવળિયે ઝૂલે છે ગુંજ
    રોગાન, ધાતુ ને કાષ્ઠ ને વણાટમાં જીવે છે કચ્છી મરજાદ
    ……………………
    દરેક નક્કર પ્રતિકોને ભાવનાઓની સાથે જોડીને અનેરુ શબ્દમંડળ બોલતુ કરી દેવાની તાકાત તો આર.પી. મા હતીને બીજી અહી જોઈ. માખણના પીંડ જેવો ધોળો ધાક્કોર આનંદ થયો.
    અહીં એક સુધારો,,,,,
    આર્.પીમાં હતી નહીં, છે, ભરપુર છે , બેશુમાર છે..મેઘાણી માં હતી તેમ કહી શકાય્…
    .

  22. જેમ કોઈ અતિ સુંદર નર કે નારીને જોઇને ઈશ્વરની રચના પર જેમ ભાવ જાગે તેમ મને મારા કચ્છડા પર ભાવ જાગેલો, પણ આપેતો શબ્દોના બ્યુટીપર્લરમાં તેને સોળે શૃંગાર સજાવીને અલૌકિક બનાવી દીધો.
    ખૂબ ખૂબ ધન્યવાદ.

  23. Pingback: લયસ્તરો » કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

  24. કોઈ જણાવશો કે…..

    કચ્છડો બારેમાસ શા માટે કહેવાય છે???

    • પ્રિય અર્જુનભાઈ,

      બહુ જાણીતો દોહો છે:

      શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
      ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *